Surat : બ્રેઈનડેડ પ્રિતેશ રાજભરના અંગદાનથી માનવતા મહેંકી, ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું
સિવિલ ખાતે સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નિર્મલાબેન તથા ગુલાબભાઈએ તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.
હીરા નગરી અને ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગેન ડોનર સીટી તરીકે પણ ખ્યાતી પામી રહ્યું છે. આજે સુરત શહેરમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઈનડેડ 23 વર્ષીય પ્રિતેશ રાજભરના લિવર, બે કિડની અને આંતરડાના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરત શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવામાં જાગૃત્તિ આવી છે, જેનું તાદ્રશ્ય ઉદાહરણ રાજભર પરિવારે પૂરૂ પાડ્યું છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા 23 વર્ષીય પ્રિતેશ રાજભર 30મી એપ્રિલ, રવિવારે 9.30 વાગ્યાની આસપાસ પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
દોઢ મહિના પહેલા જ સગાઈ થઈ હતી
તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત તા.2જીએ રાત્રે 10.00 વાગે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પ્રિતેશ મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપૂર જિલ્લાના ગોતવા ગામના વતની અને સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતો હતો. તેમની દોઢ મહિના પહેલા જ સગાઈ થઈ હતી.
‘મહાદાન અંગદાન’થી ચાર વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું
સિવિલ ખાતે સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નિર્મલાબેન તથા ગુલાબભાઈએ તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આમ, સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છે, જે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે. આમ, રાજભર પરિવારે ‘મહાદાન અંગદાન’થી અન્ય ચાર વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
છેલ્લા છ મહિના દરમિયાન 22 મું ઓર્ગન ડોનેશન
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન 22 મું ઓર્ગન ડોનેશન થયું હતું. આજદિન સુધી 63 અંગોનું દાન કરાયું છે, જેમાં 18 લીવર, 38 કિડની, 3 હાથ, 1 સ્વાદુપિંડ અને બે નાના આંતરડાને દેશભરના વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…