Surat : રિંગરોડની ટેક્સ્ટાઇલ માર્કેટના અંદાજે 50 હજાર લોકો 10 ઓગસ્ટે જોડાશે ત્રિરંગા યાત્રામાં, માર્કેટ રંગાયું રાષ્ટ્રપ્રેમના રંગમાં
ત્રિરંગા યાત્રાના(Tiranga Yatra ) આયોજનને કારણે યાત્રા સમય દરમિયાન બપોરે બે વાગ્યાથી યાત્રા પુરી થાય નહીં ત્યાં સુધી ટેમ્પો પ્રવેશ બંધ રહેશે. કોઇ વેપારી ડિલિવરી લેશે નહીં મોકલશે નહીં.
સુરત(Surat ) શહેરના રિંગરોડ પર આવેલી ટેક્ષટાઇલ માર્કેટો (Market )સાથે સંકળાયેલા અંદાજે 50 હજારથી વધુ લોકો આગામી બુધવાર તા.10મી ઓગસ્ટે સાંજે યોજાનારી ત્રિરંગા(Tiranga Yatra ) યાત્રામાં જોડાશે તેવી શક્યતા છે. તારીખ 10 ઓગસ્ટ આ યાત્રા સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તાર માટે પણ ઐતિહાસિક બની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ત્રિરંગા યાત્રા સાંજે 4 કલાકે શરૂ થશે અને મિલેનિયમ માર્કેટ, 451 માર્કેટ, સર્વોદય માર્કેટ, રાઠી પેલેસ, કિન્નરી ટોકીઝ, યુનિવર્સલ માર્કેટ, અન્નપૂર્ણા માર્કેટ, આદર્શ માર્કેટ થઇને સહારા દરવાજાથી ગોલ્ડન પ્લાઝા, ટ્વીન ટાવર ફરીને આવશે. આ યાત્રા દરમિયાન અલગ અલગ ઝાંખીઓ પણ તૈયાર કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં લોકો જોડાશે :
આ ત્રિરંગા યાત્રામાં પૂર્વ સૈનિકો, પૂર્વ પોલીસ અધિકારીઓ, ઢોલની ટીમો, બાઇક સવારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ત્રિરંગા યાત્રાના આયોજનને કારણે યાત્રા સમય દરમિયાન બપોરે બે વાગ્યાથી યાત્રા પુરી થાય નહીં ત્યાં સુધી ટેમ્પો પ્રવેશ બંધ રહેશે. કોઇ વેપારી ડિલિવરી લેશે નહીં મોકલશે નહીં. તે પહેલા ત્રિરંગા યાત્રામાં લોકોને જોડવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ સીએમ ભુપેન્દ્ર પટેલે પણ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી લઈને કારગિલ ચોક સુધી પદયાત્રા કાઢીને લોકોને મોટી સંખ્યામાં હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે આહવાન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા દિવસને ઉજવવા સૌ ભારતીયો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
ત્યારે સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓ પણ તેમાં સહભાગી થયા છે. નોંધનીય છે કે સુરત એ ટેક્સ્ટાઇલ નગરી છે. ત્યારે આ વર્ષે સુરતને સૌથી મોટી માત્રામાં રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર પણ મળ્યા છે. ત્યારે માર્કેટના વેપારીઓ પણ આ ઉત્સવમાં ભાગીદાર થઇ રહ્યા છે. ત્રિરંગા યાત્રા પહેલા માર્કેટના ત્રણ રંગોથી શણગારવામાં આવ્યું છે. અને આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટ નીકળનારી યાત્રા પણ અવિસ્મરણીય બની રહેશે એ નક્કી છે. ત્યારે વેપારીઓ દ્વારા તેના માટે તૈયારીઓ પણ જોરશોરમાં કરવામાં આવી રહી છે.