Surat: એથર કંપનીમાં લાગેલી આગમાં 7 મૃતકોના પરિવારજનોને અપાશે 50 લાખનું વળતર, ઈજાગ્રસ્તોને અપાશે 25 લાખનું વળતર
સુરતની સચિન GIDC માં આવેલ એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 7 કામદારો ભડથુ થઈ ગયા હતા. ભીષણ આગ બાદ 7 કામદારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સાતેયના આગની ઝપેટમાં આવી જવાથી કરૂણ મોત થયા છે. કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન સાતેયના મૃતદેહ મળ્યા હતા.
સુરતની એથર કંપનીમાં લાગેલી આગમાં 7 કામદારોના મોત થયા છે. લાપતા સાતેય કામદારો ભીષણ આગમાં ભડથુ થઈ ગયા હતા. આ મોત બાદ કંપનીએ મૃતકોના પરિજનોને 50-50 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 25 લાખનું વળતર આપવામાં આવશે. એથર કંપનીએ મૃતકોના બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયારી બતાવી આ ઉપરાંત જો મૃતકના પરિવારમાં ફક્ત માતાપિતા હોય તો તેમની પણ જવાબદારી લેવાની જાહેરાત કરી છે.
મૃતકોના પરિજનોને 50 લાખનું વળતર આપવાની જાહેરાત
સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં બુધવારે આગ લાગતા મોતનું તાંડવ સર્જાયુ હતુ. જેમા 7 કામદારો તો બળીને ભડથુ થઈ ગયા જ્યારે 28 કામદારો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા 8 કામદારો ગંભીર રીતે દાજ્યા છે. 70 ટકાથી વધુ દાઝેલા કામદારો હોસ્પિટલના બિછાને તરફડિયા મારી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. આ દૃશ્યો અત્યંત હ્રદયદ્રાવક હતા. 8 કામદારો એવા છે જે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા કામદારો ગંભીર રીતે દાઝ્યા
મોડી સાંજે બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકલી હતી. જેમા સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા કારીગરો દાઝ્યા હતા. હાલ તો આ આગ કોની બેદરકારીથી લાગી જેના કારણે કામદારોના મોત થયા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મુલાકાત કરી હતી. પોલીસે 7 માનવ કંકાલની ઓળખ કરવા DNA સેમ્પલ લેશે. એટલુ જ નહીં તપાસના અંતે એજન્સીના રિપોર્ટના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુન નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે.
ત્યારે અહીં સવાલ થાય કે શું એથર કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સુરક્ષિત નથી. કોની બેદરકારીથી સાત કામદારો ભડથું થયા? કંપનીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હતી તો કાર્યવાહી કેમ કરવામાં ન આવી ? કેમ કંપનીના સંચાલકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીના સંચાલકોને કોણ છાવરી રહ્યું છે. શું આગમાં ભડથું થયેલા કર્મચારીઓના પરિવારને ન્યાય મળશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો