ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Rain )કારણે ઉકાઇ (Ukai ) ડેમમાં પાણીની આવક વધતા 14 ગેટ ખોલતા એક લાખ સિતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી તાપી (Tapi ) નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેને પગલે સતત ત્રીજા દિવસે બારડોલી તાલુકાના કડોદ નજીક આવેલ હરીપુરા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ચોમાસાની સિઝનમાં વારંવાર રસ્તો બંધ થતો હોય નદીને સામે પાર આવેલા માંડવી તાલુકા 14થી વધુ ગામોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી કોઝવે ઉપર થી પસાર થવા લાગતા સુરત જિલ્લા કલેક્ટરે કોઝવે પરથી અવર જવર ન કરવાની સુચના વહેતી કરી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હરીપુરા કોઝવે પર દર ચોમાસે વારંવાર પાણી ફરી વળતા હોય કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના 14 થી વધુ ગામોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. કોઝવે ડૂબી જતા વિસ્તારના ગામોએ 25 કિલોમીટરથી વધુનો ચકરાવો લગાવવાની ફરજ પડે છે. ત્યારે સ્થાનિક નેતાઓ આ બાબતે ધ્યાન આપી ઊંચો પુલ બનાવી લોકોની મુશ્કેલી હળવી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો આજે સવારે 9 કલાકે ડેમની સપાટી 341.21 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 1,52,769 ક્યુસેક, જયારે ડેમમાંથી પાણીની જાવક 1,70,230 ક્યુસેક રાખવામાં આવી છે. જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર સાડા ત્રણ ફૂટ જ દૂર છે. એજ પ્રમાણે કોઝવેની વાત કરીએ તો સુરતના રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝવેની સપાટી હાલ 8.35 મીટર પર પહોંચી છે, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.
Input Credit by Jignesh Mehta (Bardoli )