સુરત (Surat) શહેરના સરથાણા કન્વેશન સેન્ટર ખાતે આજથી ત્રિ-દિવસીય સ્માર્ટ સિટી સમિટ (Smart City Summit 2022)નો દબદબાભેર પ્રારંભ થયો હતો. 700થી વધુ ડેલિગેટ્સ અને કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં આજથી શરૂ થયેલા સમિટમાં સુરત શહેરને અલગ-અલગ કેટેગરીમાં પાંચ એવોર્ડ મળ્યા છે. જ્યારે અમદાવાદને (Ahmedabad) બે અને વડોદરાને (Vadodara) એક સ્માર્ટ સિટી એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું. સુરત અને ઈન્દોર શહેરને પ્રથમ ક્રમાંકની સ્માર્ટ સિટીનો સંયુક્ત એવોર્ડ મળ્યો છે.
સ્માર્ટ સિટી સમિટ-2022ના પહેલા દિવસે આજે દેશભરની 100 સ્માર્ટ સિટી દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનું મુલ્યાંકન કરીને તેઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વધુ એક વખત સુરતનો ડંકો વાગ્યો છે. સમગ્ર રાજ્યમાં સુરત શહેરને સૌથી વધુ પાંચ એવોર્ડ મળ્યા છે. જે પૈકી દેશભરમાં સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંકમાં સુરત અને ઈન્દોરને સંયુક્ત એવોર્ડ મળ્યો હતો. આ સિવાય અર્બન મોબિલીટી અને ઈનોવેશન આઈડિયામાં સુરતને બીજો ક્રમ મળ્યો હતો. સુરત અને ઈન્દોર સ્માર્ટ સિટી એવોર્ડમાં વધુ એક વખત અગ્રેસર રહ્યા હતા. આ બન્ને શહેરોને અલગ-અલગ કેટેગરીમાં પાંચ-પાંચ એવોર્ડ મળ્યા છે. આ સિવાય રાજ્યના અન્ય બે શહેરો અમદાવાદ અને વડોદરાને પણ અનુક્રમે બે અને એક એવોર્ડ સાથે ગુજરાતને સ્માર્ટ સિટી 2022માં કુલ આઠ એવોર્ડ મળ્યા છે.
એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી મહત્વપૂર્ણ યોજનાઓ પૈકીની એક સ્માર્ટ સિટીનો પ્રારંભ 2015માં કરવામાં આવ્યો હતો. 2017માં જ્યારે હું મંત્રી બન્યો ત્યારે આ યોજનાઓ પ્રારંભિક સ્તરે હતી અને હવે આગામી વર્ષે સ્માર્ટ સિટી યોજના હેઠળ દેશના 100 શહેરોનો કાયાકલ્પ સુનિશ્ચિત છે. તેઓએ આ દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દેશભરમાંથી સ્માર્ટ સિટી માટે 100 શહેરો નક્કી કરવાને બદલે અલગ-અલગ માપદંડને આધારે સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ બે લાખ કરોડથી વધુની રકમના આઠ હજાર પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યા છે અને જે પૈકી 1.18 લાખ કરોડ રૂપિયાના કામોનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તેઓએ સ્માર્ટ સિટી અંતગર્ત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, 31 માર્ચ 2022 સુધી જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેના કરતાં વધારે 1.15 કરોડ આવાસોને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 60 લાખથી વધુ આવાસો લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા છે અને બાકી વહેલી તકે તૈયાર કરી દેવામાં આવશે.
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી સુરત મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટી સમિટ 2022ના આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ શહેરના સરસાણા કન્વેશનસ સેન્ટર ખાતે આજથી ત્રણ દિવસીય સ્માર્ટ સિટી સમિટનો ભારે ઉત્સાહ સાથે પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, દર્શનાબેન જરદોશ સહિત કેન્દ્રીય મંત્રાલયના ઉચ્ચાધિકારીઓ અને 700થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ કાર્યક્રમ દરમિયાન આમંત્રિત તમામ કેન્દ્રીય મંત્રીઓ અને ડેલિગેટ્સનું અભિનંદન કરવા સાથે જણાવ્યું હતું કે, ગાંધી-સરદાર અને મોદીની ભૂમિ આયોજીત થનાર આ કાર્યક્રમ માટે સુરત ખરેખર પ્રશંસાને પાત્ર છે.
કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ પ્રધાન કૌશલ કિશોરે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીનો જે સંકલ્પ કરવામાં આવ્યો હતો તે હવે સાકાર થઈ રહ્યો છે. હાલ દેશની કુલ વસ્તીના 31 ટકા લોકો શહેરોમાં વસવાટ કરી રહ્યા છે અને આગામી 2030 સુધીમાં આ આંકડો 40 ટકાએ પહોંચશે. આ સ્થિતિમાં શહેરમાં વસવાટ કરતાં નાગરિકોના સર્વાંગી વિકાસની સાથે સાથે માળખાગત તથા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આ યોજના સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. 2011ની વસ્તી ગણતરીના આધારે હાલ દેશના જીડીપીનો કુલ 63 ટકા હિસ્સો શહેરીકરણને આભારી છે. જે આગામી સમયમાં વધીને 75 ટકા સુધી પહોંચશે. આ સ્થિતિમાં શહેરોમાં વસ્તીના ભારણને ધ્યાને રાખીને સ્વચ્છ ભારત મિશન યોજના અને સ્માર્ટ સિટી યોજના હેઠળ શહેરીજનોને મહત્તમ સુવિધાઓ મળી રહે તે સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. અલબત્ત, તેઓએ આ દરમિયાન દેશભરમાં 100 સ્માર્ટ સિટી નક્કી કરવા માટે જે ત્રણ વર્ષનો સમયગાળો લાગ્યો હતો, તે સંદર્ભે પોતાની નારાજગી વ્યક્ત પણ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સુરત અને સુરતીઓના ભરપેટ વખાણ કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરત શહેર અને સુરતીઓ હંમેશા ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી પણ ઉભા થવાની તાકાત ધરાવે છે. પ્લેગ હોય, પૂર હોય કે કોરોના જેવી મહામારી, દરેક તબક્કે સુરતીઓ બમણા ઉત્સાહ સાથે આફતને અવસરમાં બદલતા આવ્યા છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં સુરત શહેર ટેક્સટાઈલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સમગ્ર દુનિયાના વિકાસશીલ શહેરોમાં સુરત અવ્વલ છે અને હવે સુરતના વહીવટી તંત્ર દ્વારા આગામી 25 વર્ષને ધ્યાને રાખીને વિકાસની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ST નિગમના કેટલા ડેપોએ Kmpl એવોર્ડ મેળવ્યા
આ પણ વાંચો-Surat: પરિવારજનો સાથે ડુમસ ફરવા ગયેલી વિદ્યાર્થીનીનું દરિયામાં ડૂબી જતા મોત, પરિવારમાં શોકનો માહોલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો