Breaking News : સુરતમાં PM આવાસ યોજનામાં મોટું કૌભાંડ, સુરતમાં 917 મકાનો ભાડે અપાયા, હજારો બંધ મળ્યા, જુઓ Video
સુરતમાં પીએમ આવાસ યોજના હેઠળના 17,066 મકાનોના સર્વેમાં મોટી ગેરરીતિ સામે આવી છે. 917 મકાનો મૂળ લાભાર્થીઓને બદલે ભાડૂઆતોને આપવામાં આવ્યા હોવાનું જણાયું છે, જ્યારે 6,135 મકાનો બંધ હાલતમાં મળ્યા છે.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળના મકાનોમાં મોટી ગેરરીતિ સામે આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા હાથ ધરવામાં આવેલા 17,066 આવાસના ડોર-ટુ-ડોર સર્વેક્ષણમાં આ ઘટસ્ફોટ થયો છે. સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે 917 મકાનો મૂળ લાભાર્થીઓને બદલે ભાડૂઆતોને રહેવા માટે આપવામાં આવ્યા છે, જે યોજનાના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
આ ઉપરાંત, સર્વેમાં 6,135 મકાનો બંધ હાલતમાં મળી આવ્યા છે, જ્યારે માત્ર 8,925 મકાનોમાં જ મૂળ લાભાર્થીઓ રહેતા હોવાનું સામે આવ્યું છે. ઝોન મુજબના આંકડા જોઇએ તો, અઠવા ઝોનમાં 398 મકાનો ભાડે અપાયા હતા અને 2,213 મકાનો બંધ હાલતમાં મળ્યા હતા. રાંદેર ઝોનમાં સૌથી વધુ 333 આવાસ ભાડે મળ્યા હતા અને 2,727 મકાનો બંધ જોવા મળ્યા હતા.
સુરત મનપાએ આ નિયમ ભંગ કરનાર મકાનમાલિકોને નોટિસ ફટકારી છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓને રોકવા માટે નિયમિત તપાસ અને કડક પગલાં લેવામાં આવશે. આ કૌભાંડ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળવા પાત્ર આવાસ યોજનાના લાભોને અવરોધે છે.
રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓ તેમજ કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પાકું અને સુરક્ષિત આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામિણ પરિવારોને યોગ્ય રહેઠાણની સુવિધા પૂરી પાડીને તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. યોજનાનો અમલ વર્ષ 2016-17થી શરૂ કરવામાં આવ્યો છે.
યોજના હેઠળ આવાસનું બાંધકામ લાભાર્થીએ જાતે કરવાનું રહે છે. મકાનનું બાંધકામ ઓછામાં ઓછી 25 ચોરસ મીટર જમીન પર કરવાનું રહેશે.
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને નિયત યુનિટ કોસ્ટની મર્યાદામાં 100 ટકા સહાયથી આવાસનો લાભ આપવામાં આવે છે.
યોજના હેઠળ પાત્ર લાભાર્થીને આવાસ બાંધકામ માટે સરકાર દ્વારા રૂ. 1,20,000ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત, મનરેગા હેઠળ 90 માનવદિનની રોજગારી માટે રૂ. 17,280ની સહાય તેમજ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આવાસ દીઠ શૌચાલયના નિર્માણ માટે રૂ. 12,000ની સહાય મળવાપાત્ર બને છે.
સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત, જાણો રૂટ, સ્ટોપેજ અને ટાઈમ