Banaskantha Breaking : ચંડીસર GIDC માં ઈલેક્ટ્રિક DP બનાવતી કંપનીમાં ભીષણ આગ, અંદર કામ કરી રહેલા 10 થી વધુ શ્રમિકોમાં નાસભાગ
બનાસકાંઠાના ચંડીસર GIDC સ્થિત ઈલેક્ટ્રિક DP બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. કંપનીમાં 10થી વધુ કામદારો હાજર હતા ત્યારે લાગેલી આ આગ પાછળનું કારણ શું હતું અને જાનહાનિ અંગે શું વિગતો સામે આવી?
બનાસકાંઠા જિલ્લાના ચંડીસર GIDC વિસ્તારમાં આવેલી એક ઔદ્યોગિક કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ આગ ઈલેક્ટ્રિક ડીપી (DP) બનાવતી ફેક્ટરીમાં લાગી હતી.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી ત્યારે પરિસરમાં ૧૦ થી વધુ શ્રમિકો કામ કરી રહ્યા હતા. આગ જોતજોતામાં પ્રસરી જતાં કામદારોમાં જીવ બચાવવા દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પાલનપુર અને ડીસા નગરપાલિકાના ત્રણથી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત હાથ ધરી હતી. આ સાથે ગઢ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી.
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. તેમજ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે તંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
