Breaking News: કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત, આ વર્ષે 8 ટકા ઓછો વરસ્યો વરસાદ
કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છમાં હવે હવામાન ધીમે ધીમે સૂકું બનવા લાગ્યું છે. આગામી દિવસોમાં હવે કચ્છ અને બનાસકાંઠા ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.

Ahmedabad : ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે 23મી સપ્ટેમ્બરના રોજ, કચ્છ અને બનાસકાંઠાના કેટલાક ભાગમાંથી ચોમાસુ પાછુ ખેંચાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાનમાં અસ્થિરતા વચ્ચે લોકોને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શક્યતા
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી છે. દરિયાઈ પવનની ગતિમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવાની જરૂર છે.
કચ્છમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ
બીજી તરફ, કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. કચ્છમાં હવે હવામાન ધીમે ધીમે સૂકું બનવા લાગ્યું છે. આગામી દિવસોમાં હવે કચ્છ અને બનાસકાંઠા ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.
રાજ્યમાં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ
આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં અસમાનતા જોવા મળી છે. હવે ચોમાસાની વિદાય શરૂ થઈ રહી હોવાથી આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં પણ ધીમે ધીમે ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જ્યારે કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે.
