Surat : આર્થિક સહાય માટે મૃત્યુ પ્રમાણપત્ર લેવા માટે અરજદારોને ઝોન ઓફિસ પર ધરમધક્કા
સ્મીમેરમાં મૃત્યુ પામેલા લોકોની એમસીસીડીની પ્રક્રિયા વરાછા ઝોન હેઠળ કરવામાં આવી રહી છે. સ્ટાફના અભાવે ડેટા શોધવામાં હાલ થોડી મુશ્કેલી છે, જે જલ્દી નિવારી લેવામાં આવશે.
પ્રાથમિક કક્ષાએ કોરોના (Corona )રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય (help )અને 10 દિવસમાં મદદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના સ્પષ્ટ આદેશ બાદ પણ પરિવારો ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે અલગ-અલગ કચેરીના ચક્કર લગાવી રહ્યા છે. કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પછી, મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે મહાનગરપાલિકાના સંબંધિત ઝોનના આરોગ્ય વિભાગને અરજી કરવામાં આવી છે. ત્યારે અધિકારીઓ ડેટા ઉપલબ્ધ ન હોવાનું બહાનું કાઢીને 25 દિવસ પછી સર્ટિફિકેટ લેવા માટે ફોન કરી રહ્યા છે.
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક મદદના બહાને મુશ્કેલી વધી છે. ઉલ્લેખનીય છે કે, નિયમોનુસાર, હોસ્પિટલે આર્થિક મદદ માટે સારવાર લેતી હોસ્પિટલના કેસ પેપર સહિતનો ડેટા સંબંધિત ઝોનના મેડિકલ ઓફિસરને ઓનલાઈન સબમિટ કર્યો હતો, તેના આધારે મૃત્યુઆંક પૂરો પાડ્યો હતો. મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારીનું પ્રમાણપત્ર સાથે નાણાકીય મદદ માટેની અરજી સાથે આ પ્રમાણપત્ર જોડવાનું છે. સંબંધીઓએ એક અઠવાડિયા પહેલા ઝોનમાં મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથ (MCCD) માટે અરજી કરી છે.
હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે ઝોનમાં ડેટા સર્ચ કરવામાં આવી રહ્યો છે. કોરોના સહાય માટે 20 નવેમ્બરના રોજ માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે લાયક અરજદારોએ મદદ મેળવવા માટે એક મહિના માટે અરજી સબમિટ કરવાની રહેશે. તે જ સમયે, પાલિકાના અધિકારીઓ MCCD પ્રમાણપત્ર માટે 25 દિવસનો સમય આપી રહ્યા છે. પાલિકાના અધિકારીઓના વલણથી અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
એક અરજદારનું કહેવું છે કે હું એક અઠવાડિયાથી ચક્કર લગાવી રહ્યો છું, હજુ પણ સર્ટિફિકેટ ન મળી શક્યું અમારા પિતાનું સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ થયું હતું. મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ હોવા છતાં વરાછા ઝોનમાં ડેટા ઉપલબ્ધ નથી. MCCD પ્રમાણપત્ર માટેનું ફોર્મ 25 નવેમ્બરે સબમિટ કરવામાં આવ્યું હતું. સર્ટિફિકેટ માટે એક અઠવાડિયાથી રોજ ઝોન ઓફિસના ચક્કર લગાવી રહ્યો છું.
અન્ય એક અરજદાર જણાવે છે કે “મારી માતાનું મૃત્યુ કોરોનાથી થયું છે. મૃત્યુના પ્રમાણપત્ર માટે વરાછા ઝોનમાં ફોર્મ 4A સબમિટ કરવામાં આવ્યું છે. હવે વરાછા ઝોનને હોસ્પિટલનો ડેટા બિલકુલ મળી રહ્યો નથી. “અધિકારીઓ કહી રહ્યા છે કે હોસ્પિટલે ડેટા સબમિટ કર્યો ન હોય તો શોધખોળ કરવી પડશે. MCCD માટે 25 દિવસ પછી આવવા જણાવાયું છે.
આ મુદ્દે વરાછા ઝોનના નાયબ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે વરાછા ઝોનના પાસોદરા સ્ટાફની અછતને કારણે ડેટા શોધવામાં મુશ્કેલી પડી રહી છે. સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. સ્મીમેરમાં મૃત્યુ પામેલા લોકોની એમસીસીડીની પ્રક્રિયા વરાછા ઝોન હેઠળ કરવામાં આવી રહી છે. સ્ટાફના અભાવે ડેટા શોધવામાં હાલ થોડી મુશ્કેલી છે, જે જલ્દી નિવારી લેવામાં આવશે.
આ પણ વાંચો : SURAT : 12 ટકા જીએસટીને કારણે શહેરની 2 લાખ જેટલી મહિલાઓની રોજગારી પર અસર થવાની ભીતિ