પાકિસ્તાન આ રીતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે? ઈસ્લામાબાદમાં હિંસાને કારણે શ્રેણી રદ્દ
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં છેલ્લા 48 કલાકમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. અહીં ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચેની હિંસક અથડામણમાં કેટલાક લોકોના જીવ ગયા છે, જેના પછી પાકિસ્તાની બોર્ડે શ્રેણીને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આઅ બધા વચ્ચે મોટો સવાલ એ ઊભો થાય છે કે, આવી સ્થિતિમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું સફળ આયોજન કરી શકશે?
એક તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સંપૂર્ણપણે પોતાના દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા પર અડગ છે, તો બીજી તરફ દેશની અંદર સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે, જેની અસર ક્રિકેટ પર પડી રહી છે. દેશની રાજધાની ઈસ્લામાબાદમાં વિરોધીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હિંસક અથડામણને કારણે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની ‘A’ શ્રેણીને અધવચ્ચે અટકાવવી પડી હતી. PCBએ મંગળવારે 26 નવેમ્બરે એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી કે પાકિસ્તાન શાહીન અને શ્રીલંકા A વચ્ચેની શ્રેણીની છેલ્લી બે મેચો હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.
ઈસ્લામાબાદમાં હંગામા બાદ શ્રેણી રદ્દ
છેલ્લા કેટલાક દિવસોથી રાવલપિંડીમાં પાકિસ્તાન શાહીન અને શ્રીલંકા A વચ્ચે શ્રેણી રમાઈ રહી છે, જેમાં પહેલા ચાર દિવસીય મેચ રમાઈ હતી અને ત્યારબાદ વનડે શ્રેણી શરૂ થઈ હતી. પાકિસ્તાન શાહીને બંને ચાર દિવસીય મેચ જીતી લીધી હતી, જ્યારે વનડે શ્રેણીની પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવી હતી. સિરીઝમાં હજુ 2 મેચ બાકી હતી પરંતુ છેલ્લા 48 કલાકમાં રાજધાની ઈસ્લામાબાદમાં થયેલી હિંસાને કારણે શ્રીલંકા ક્રિકેટ સાથે બોર્ડે આ સિરીઝને હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. પીસીબીએ નિવેદનમાં કહ્યું કે શ્રેણી પૂર્ણ કરવા માટે ટૂંક સમયમાં નવી તારીખો નક્કી કરવામાં આવશે.
Update on Pakistan Shaheens-Sri Lanka ‘A’ series
Details here ➡️ https://t.co/gevlzJaX8n#PAKvSL
— PCB Media (@TheRealPCBMedia) November 26, 2024
હિંસામાં 4 રેન્જર્સના મોત થયા હતા
આ શ્રેણીને અધવચ્ચે રોકવાનું કારણ રાવલપિંડીથી ઈસ્લામાબાદની નિકટતા છે, જે રાજધાનીથી માત્ર 14-15 કિલોમીટર દૂર છે. છેલ્લા કેટલાક દિવસોમાં, તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સમર્થકો પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે પાકિસ્તાનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે ઈસ્લામાબાદ કૂચની જાહેરાત કરી હતી, ત્યારબાદ હજારો સમર્થકો ઈસ્લામાબાદ તરફ રવાના થયા હતા. પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદ બોર્ડર પર લોકડાઉન લગાવી દીધું હતું, પરંતુ 25 નવેમ્બરની રાત્રે સમર્થકોએ આ લોકડાઉન તોડ્યું હતું, ત્યારબાદ સુરક્ષાકર્મીઓ અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 4 પાકિસ્તાની રેન્જર્સ માર્યા ગયા હતા. ઘણા સમર્થકો ઘાયલ થયા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પર સવાલ
ઈસ્લામાબાદમાં થયેલી હિંસા અને આ શ્રેણીને મોકૂફ રાખવાની જાહેરાત બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે પડકાર વધી ગયો છે. પાકિસ્તાન સતત ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ઘરઆંગણે કરવાની માંગ કરી રહ્યું છે, જ્યારે ભારતીય ટીમના જવાની ના પાડ્યા બાદ પાકિસ્તાની બોર્ડને ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલમાં કરવા માટે મનાવવામાં આવી રહ્યું છે, જેના માટે તે સહમત નથી. તાજેતરની સ્થિતિ બાદ હવે PCBની સ્થિતિ નબળી પડી ગઈ છે. ICC 29 નવેમ્બરે પોતાનો ચુકાદો આપશે.
આ પણ વાંચો: પાકિસ્તાનને હરાવી અફઘાનિસ્તાન બન્યું ચેમ્પિયન, આ બેટ્સમેને 367 રન બનાવ્યા, 20 સિક્સર ફટકારી