સોમનાથ આસપાસ ‘માસાંહાર’ માટે બપોરના 3 વાગે મંજૂરી, સાંજે 6.45 કલાકે લાગ્યો સ્ટે
સોમનાથ મંદિર અને તેના 500 મીટરના પવિત્ર યાત્રામાર્ગો પર નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ પરના પ્રતિબંધના કેસમાં એક જ દિવસમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. 30 ઓક્ટોબરે હાઈકોર્ટની સિંગલ બેન્ચે કલેક્ટરનું નોનવેજ પ્રતિબંધનું જાહેરનામું રદ કર્યું હતું પરંતુ રાજ્ય સરકારની ત્વરિત અપીલ બાદ ડિવિઝન બેન્ચે આ ચુકાદાના અમલ પર રોક લગાવીને પ્રતિબંધ યથાવત રાખ્યો છે.

સોમનાથના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિર અને તેની આસપાસના પવિત્ર યાત્રામાર્ગો પર નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ પરના પ્રતિબંધને લઈને શુક્રવારે 30 ઓકટોબરને રોજ ગુજરાત હાઈકોર્ટમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. બપોરે સિંગલ જજની બેન્ચે નોનવેજના વેચાણ પરના પ્રતિબંધને રદ કર્યો હતો પરંતુ ગુજરાત સરકારની તાત્કાલિક અપીલ બાદ સાંજે ડિવિઝન બેન્ચે આ ચુકાદા પર રોક લગાવી દીધી હતી.
તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી
બપોરે આશરે 3 વાગ્યે જસ્ટિસ નિશા એમ. ઠાકોરે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ પીરસતી હોટેલો અને રેસ્ટોરાંના માલિકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ મંજૂર કરી હતી. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયત કરાયેલા યાત્રામાર્ગો પર નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકતી જાહેરનામાની સૂચનાને રદ કરી હતી.
જો કે, આ ચુકાદા બાદ રાજ્ય સરકારના કાનૂની તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. સરકારી વકીલની કચેરી દ્વારા ચુકાદાને પડકારવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સરકારી વકીલ જી.એચ. વિરકે આ ચુકાદા સામે અપીલ કરવા માટે દિવસના અન્ય કાનૂની કામકાજ બાજુ પર રાખ્યાં હતાં.
રાજ્ય સરકારે ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને જસ્ટિસ નિર્ઝર દેસાઈની ડિવિઝન બેન્ચ સમક્ષ તાત્કાલિક અપીલ દાખલ કરી હતી. સાંજે આશરે 6:45 વાગ્યે ડિવિઝન બેન્ચે સિંગલ જજના ચુકાદાના અમલ પર રોક લગાવી દીધી હતી. આ સાથે સોમનાથના જાહેરનામામાં નિર્ધારિત યાત્રામાર્ગો પર નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રાખવાનો માર્ગ મોકળો થયો હતો.
આમ, 4 કલાકથી પણ ઓછા સમયમાં કેસમાં કાનૂની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. બપોરે હોટેલ માલિકોને મળેલી રાહત સાંજ સુધીમાં સ્થગિત થઈ ગઈ હતી. આ ઘટનાક્રમે ધાર્મિક આસ્થા, વેપાર કરવાની સ્વતંત્રતા અને જાહેર હિત વચ્ચેના સંતુલન અંગેની ચર્ચાને ફરી વેગ આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદનો પ્રારંભ 10 ઓગસ્ટ, 2026ના રોજ ગીર સોમનાથના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાથી થયો હતો.
આ જાહેરનામા હેઠળ પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરના 500 મીટરના પરિઘમાં તેમજ ધાર્મિક સ્થળોને જોડતા 6 નિર્ધારિત માર્ગ પર નોનવેજ ખાદ્યપદાર્થો તૈયાર કરવા, સંગ્રહ કરવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ માર્ગોમાં ભાલકા તીર્થ, ભીડિયા સર્કલ, શંખ સર્કલ, સફારી સર્કલ, ગીતા મંદિર, હમીરજી સર્કલ સહિતનાં મહત્ત્વનાં સ્થળોને જોડતા માર્ગોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો સોમનાથના પવિત્ર યાત્રા પરિપથનો ભાગ છે.
નોનવેજ પીરસતી હોટેલો અને રેસ્ટોરાંના માલિકોએ આ જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું હતું. અરજદારોની દલીલ હતી કે, નોનવેજ ખાદ્યપદાર્થોનું વેચાણ કરવા પરનો પ્રતિબંધ તેમના કાયદેસરનો વ્યવસાય કરવા અને આજીવિકા મેળવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.
હિંદુઓ માટે આ સ્થળનું વિશેષ મહત્ત્વ
રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, વ્યવસાય કરવાની બંધારણીય સ્વતંત્રતાને દરેક સ્થળે અને કોઈપણ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિ કરવાની અમર્યાદિત છૂટ તરીકે જોઈ શકાય નહીં. ખાસ કરીને જે સ્થળોનું ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ અસાધારણ હોય ત્યાં આ બાબતને અલગ રીતે જોવાની જરૂર છે.
રાજ્ય સરકારનો મુખ્ય તર્ક હતો કે, સોમનાથને માત્ર એક સામાન્ય વ્યાપારી નગર તરીકે જોઈ શકાય નહીં. દેશભરના લાખો હિંદુઓ માટે આ સ્થળનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ છે.
ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથનો સંબંધ પવિત્ર પ્રભાસ ક્ષેત્ર સાથે પણ છે. આ ક્ષેત્ર ભગવાન શ્રીકૃષ્ણની અંતિમ લીલાઓ સાથે સંકળાયેલું છે. સોમનાથના પવિત્ર યાત્રા પરિપથમાં ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, ભીડભંજન મહાદેવ સહિતનાં અનેક ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે.
સિંગલ જજથી ડિવિઝન બેન્ચ સુધીનો ઘટનાક્રમ
શુક્રવારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ નિશા એમ. ઠાકોરે અરજીઓ મંજૂર કરી અને વિવાદિત જાહેરનામું રદ કર્યું હતું.
ચુકાદા પર વચગાળાની રોક મૂકવા માટે રાજ્ય સરકારે સિંગલ જજ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ આ માગણી નકારી કાઢવામાં આવી હતી. જસ્ટિસ ઠાકોરે એક દિવસ માટે પણ ચુકાદાના અમલ પર રોક આપવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ રાજ્ય સરકારે વિલંબ કર્યા વિના ચુકાદાને પડકારવાની કાર્યવાહી શરૂ કરી હતી. સોમનાથના યાત્રા વિસ્તાર પર ચુકાદાની વ્યાપક અસરોને ધ્યાનમાં રાખીને મામલો તાત્કાલિક ડિવિઝન બેન્ચ સમક્ષ લઈ જવામાં આવ્યો હતો.
સાંજે 5:30 વાગ્યે ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને જસ્ટિસ નિર્ઝર દેસાઈની બેન્ચ સમક્ષ મામલો રજૂ થયો હતો. ત્યારબાદ સાંજે 6:45 વાગ્યે ડિવિઝન બેન્ચે સિંગલ જજના ચુકાદાના અમલ પર રોક લગાવી દીધી હતી અને નોનવેજ ખાદ્યપદાર્થો પરનો પ્રતિબંધ ચાલુ રહે તેવો આદેશ આપ્યો હતો.
હાલની સ્થિતિની પર નજર નાખીએ તો, બપોરે 3 વાગ્યે હોટેલ માલિકોને મળેલી રાહત સાંજે 6:45 વાગ્યે સ્થગિત થઈ ગઈ હતી. આ સાથે ગુજરાતમાં આસ્થા, ખાદ્યપદાર્થોની પસંદગી, વ્યવસાયના મૂળભૂત અધિકારો અને ધાર્મિક સ્થળોની પવિત્રતા સાથે જોડાયેલા વિવાદમાં એક જ દિવસમાં અસાધારણ કાનૂની વળાંક આવ્યો હતો.