સાબરકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાની તમામ ત્રણેય સિવિલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ સજ્જ કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ પણ આ માટે યોજી, તૈયારીઓ સંપૂર્ણ રીતે સજી લેવાની તાકીદ કરી દેવામાં આવી છે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા બેઠકો અને વિડીયો કોન્ફરન્સીંગ તબક્કાવાર યોજવાની શરુઆત કરવામાં આવી રહી છે.
કોરોનાના નવા વેરિયન્ટને લઈને સતર્કતા દાખવવાની શરુઆત કરી દેવામાં આવી છે. કોરોનાને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગે સજ્જતા હાથ ધરી છે. ખાસ કરીને ઓક્સિજન બેડ ધરાવતી હોસ્પિટલોમાં કોરોના વોર્ડની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દર્દીઓને માટે ખાસ વોર્ડ અને આઈસીયુને તૈયાર કરવાની શરુઆત ગુરુવારથી કરી દેવામાં આવી છે.
વહેલી સવારથી જ વોર્ડમાં વેન્ટિલેન્ટર અને બાયપેપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં જે પ્રમાણે અનુભવો થયા અને તેમાં જે જરુરીયાતો ગત વર્ષે સર્જાઈ હતી, એ તમામ ક્ષતીઓ અને જરુરિયાતોને આધારે પણ નવી તૈયારી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં 400 બેડ ઓક્સિજન સાથેના તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે પણ ઉચ્ચ કક્ષાએ માંગ કરી દેવામાં આવી છે, જેથી સિવિલમાં ઉપલબ્ધ અન્ય સુવિધા સાથે ઓક્સિજન વધતા બેડ સંખ્યામાં પણ વધારો થઈ શકે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ના આરએમઓ ડો. એનએમ શાહે TV9 સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, આ અંગે તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ માટે ડોક્ટર જાની વિશેષ દેખરેખ સાથે તૈયારીઓ શરુ કરી ચુક્યા છે. પાંચમાં માળ આખાને કોરોના વોર્ડ તરીકે યુદ્ધના ધોરણે તૈેયાર કરાઈ રહ્યો છે.
જિલ્લામાં કુલ 15 જેટલા ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલમાં આવેલા છે. જે તમામ પ્લાન્ટની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓક્સિજન પ્લાન્ટને સજ્જ કર્યા બાદ તે અંગે મોકડ્રીલ પણ યોજવામાં આવશે અને પ્લાન્ટને ચકાસણી કરવામાં આવશે. ખાસ ટીમો દ્વારા આ માટેની તૈયારીઓની માહિતી અને મોનિટરીંગ કરી રહ્યુ છે. સાથે જ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સીએચસી કેન્દ્રો તેમજ ઈડર અને ખેડબ્રહ્મામાં આવેલ સિવિલ હોસ્પિટલોના અધિકારીઓને પણ તૈયારીઓ ઝડપથી પૂર્ણ કરી લેવા માટે પણ તાકીદ કરી દેવામાં આવી છે. આ માટે બેઠકો પણ યોજવામાં આવી રહી છે અને વિડીયો કોન્ફરન્સ પણ યોજવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરિયા એ ખાસ વાતચિતમાં TV9 ને જણાવ્યુ હતુ કે, અમે ઓક્સિજન સ્પલાય સહિતની બાબતો અંગે ખાસ કાળજીપૂર્વક તેની મોનિટરીંગ કરી રહ્યા છે. આ માટે અમે મોકડ્રીલ પણ યોજીશુ અને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
Published On - 10:17 pm, Thu, 22 December 22