લંકેશ થી ઓળખાતા અરવિંદ ત્રિવેદી પ્રતિ વર્ષ રામનવમીએ ઇડર તેમના વતનમા આવેલા નિવાસ સ્થાને આવતા અને જ્યાં પોતાના ઘરે જ રાખેલી રામની સુંદર પ્રતિમાની પૂજા અર્ચના કરતા હતા. વહેલી સવાર થી જ તેમનો પરિવાર અને તેમના મિત્રો સહિત રામ ભક્તો તેમના ઘરે પૂજામાં સામેલ થતા હતા. આ વખતે તેમની હયાતી નહી હોવાને લઈ લંકેશની યાદો સાથે રામની પૂજા કરવામાં આવી રહી છે. રામ જન્મોત્સવની આ વખતે પૂજા અર્ચના તેમની પુત્રી એકતાબેન ત્રિવેદી અને કવિતા બેન તેમજ તેમના પૌત્રી તેમજ તેમનો પરિવાર કરી રહ્યો છે.
રામ જન્મોત્સવ વખતે લંકેશનો ચહેરો નિહાળવો એ પણ એક અદ્ભૂત દૃશ્ય સર્જતુ હતુ. કારણ કે લંકેશના ચહેરા પર રામની પૂજા કર્યાનો અનેરો આનંદ છવાયેલો રહેતો હતો. ઢળતી ઉંમર હોવા છતાં તેઓ શંખનાદ જાતે કરતા અને શ્લોકોનુ પઠન કરીને લોકોને આશ્વર્યમાં મુકી દેતા હતા. તેમનામાં રામની પૂજા માટે ખૂબ ભાવ રહેતો અને તેઓએ માટે ખુશી ખુશી જન્મોત્સની ઉજવણી કરતા હતા.
અરવિંદ ત્રિવેદી હયાત હોવા દરમિયાન Tv9 સાથે વાતચિતમાં કહેતા કે, તેઓ રામાયણની સિરીયલના શૂટ દરમિયાન રામના સુંદર ગુણો વધુ સારી રીતે શ્રેણીમાં દેખાઈ આવે મારો પ્રયાસ હરપળ કેમેરા સામે રહેતો હતો. જે માટે હું રામના અમાપ સારા પણાંને શ્રેણીમાં દેખાડવા સતત ગાળો આપતો હતો. આ ગાળોથી મારુ મન વ્યથિત રહેતુ હતુ, કે રામ ને મારાથી ગાળો અપાઈ રહી છે, તેમની પર હું ગુસ્સો કરી રહ્યો છુ. આ માટે હું શુટીંગમાં જતા પહેલા રામની તસ્વીર સમક્ષ માફી માંગીને જતો અને આવીને પ્રાયશ્વિત વ્યક્ત કરતો હતો. બસ આ જ કારણ થી મોરારી બાપુની ઉપસ્થિતીમાં ભગવાન રામની મુર્તી ઘરમાં જ સ્થાપના કરી હતી. અને ત્યારથી હું રામની પુજા કરીને કહેલા ખરાબ વેણની માફી માંગવા રુપ પુજા કરુ છું.
જોકે લંકેશ તો આ દુનિયામાં રહ્યા નથી પરંતુ તેઓ એ શરુ કરેલી પરંપરાને તેમના પરિવારે જાળવી રાખી છે. તેમના પરિવારે પિતાની રામ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને તેમના પરિવારને ઓળખ અપવનાર રામાયણની યાદોને હંમેશા તાજી રાખવા પ્રયાસ કર્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-