Sabarkantha, Arvalli: યુદ્ધને લઈ ઘઉંના ઉંચા દામ! હિંમતનગરના બજારમાં 700 રુપિયાથી વધુ ભાવ બોલાયો, ખેડૂતો ખુશ
યુક્રેન અને રશિયા (Ukraine Russia war) બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે, જોકે આ બંને દેશો ઘઉંનુ ઉત્પાદન મબલક પ્રમાણમાં કરે છે, પરંતુ વર્તમાન સ્થિતીએ સ્થાનિક બજારને ઉંચુ કરી દીધુ છે.
સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Arvalli) જિલ્લામાં હાલમાં ઘઉંના ભાવ ઉંચા મળી રહ્યા છે. હિંમતનગરના માર્કેટયાર્ડમાં 700 રુપિયાના આંકડો પણ ખુલ્લી હરાજીમાં વટવા દેતા ખેડુતો માટે ખુશાલી ભરી સ્થિતી છે. હાલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના માર્કેટયાર્ડોમાં ખુલ્લી હરાજીમાં સહેજે 500 રુપિયા અને તેની આસપાસ ભાવો (Prices of Wheat) મળી રહ્યા છે. તો વળી ઉંચા ભાવો માટે એક કારણ રશિયા અને યુક્રેનના યુદ્ધને પણ માર્કેટયાર્ડના સંચાલકો માની રહ્યા છે. હાલના ભાવો મળવાને ખેડૂતો પણ સંતોષ અનુભવી રહ્યા છે અને આવા જ ભાવો જળવાઈ રહે તેવી આશા પણ સેવી રહ્યા છે, જેથી ટેકાના ભાવે પોતાનુ ઉત્પાદન વેચાણ ના કરવુ પડે.
હાલમાં જે પ્રમાણે ખુલ્લી હરાજીમાં ભાવો ખેડૂતોને ઘઉંના મળી રહ્યા છે. તે અપેક્ષા મુજબના છે. ખેડુતો આ જ પ્રકારના ભાવો જળવાઈ રહે તેવી આશા સેવી રહ્યા છે. હિંમતનગર માર્કેટયાર્ડની જ વાત કરવામાં આવે તો 700 રુપિયાના આંકડાને પણ ખુલ્લી હરાજીનો ભાવ વટાવી ચુક્યો છે. પ્રતિ 20 કિલો એટલે કે મણનો ભાવ 700 થી વધુ બોલાઈ ચુક્યો છે. આ ઉપરાંત પણ સરેરાશ 500 થી 600 રુપિયા ખેડૂતોને મળી રહ્યા છે. જે ખેડૂતો માટે રાજી કરનારા ભાવ છે. ખેડૂતો પણ આ ભાવને લઈને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂત ખુશ
હિંમતનગરના માર્કેટયાર્ડમાં ઘઉં વેચાણ કરવા માટે આવેલા ખેડૂત પાર્થ પટેલ અને જયંતિભાઈ પટેલે કહ્યુ હતુ, હાલમાં અમે અમારા જે ઘઉ લઇને આવ્યા છીએ તેના ભાવ 500 રુપિયાથી વધુ મળી રહ્યા છે, જેને લઇ અમને સંતોષ છે. આવા ભાવો જળવાઇ રહે એ જરુરી છે.
યુદ્ધ ની સ્થિતીએ ખેડૂતોની રવિ સિઝન સુધારી
હિંમતનગર માર્કેટયાર્ડને જ જોવામાં આવે તો પ્રતિદીન 40 હજાર મણની આવક નોંધાઈ રહી છે. આ દરમિયાન ઉંચા ભાવો વધુ આવકો સામે જળવાઈ રહે છે એ જ મોટી વાત માનવામાં આવી રહી છે. ભાવને જોવામાં આવે તો, નિચામાં નિચા ભાવ 450 થી લઈને મહત્તમ ભાવ 700 રુપિયા સુધીનો વર્તાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ ભિલોડા, મોડાસા, ધનસુરા,બાયડ અને માલપુર-મેઘરજમાં ખેડૂતોને યોગ્ય ભાવ હાલમાં જળવાઈ રહ્યા છે. તો સાબરકાંઠાના ઇડર, વડાલી, તલોદ અને સલાલ-પ્રાંતિજ જેવા માર્કેટયાર્ડોમાં આવા જ ઉંચા ભાવ મળી રહ્યા છે. આ માટેનુ કારણ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પણ એક માનવામાં આવે છે. માર્કેટયાર્ડના સંચાલક મુજબ જે તે બંને દેશો ઘઉંનુ મોટુ ઉત્પાદન કરે છે અને હાલની સ્થિતીમાં અન્ય દેશોમાં યુદ્ધને લઇ માંગ ખુલી છે. જે ભાવોને ઉંચી સપાટીએ જાળવી રહ્યા છે.
હિંમતનગર માર્કેટયાર્ડના ડિરેકટર જયેશ પટેલે કહ્યુ હતુ કે, હાલમાં રાજ્યમાં ઉંચા ભાવ અહીં મળી રહ્યા છે. ઉંચા ભાવ હાલમાં અહી બોલાઈ રહ્યા છે. તો બીજી તરફ ચાલુ સાલે ઘઉંનુ વાવેતર પ્રમાણમાં ઘટ્યુ છે. જ્યારે હાલમાં જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે તે પણ એક કારણ છે. તે બંને દેશો ઘઉંનુ મબલક ઉત્પાદન કરે છે. પરંતુ હાલમાં તેમની વૈશ્વિક સ્થિતીને લઇને હાલમાં સ્થાનિક ઘઉંની માંગ વધી છે.
ટેકાના ભાવ યાદ નથી આવતા
હાલમાં જે પ્રમાણેના ભાવો માર્કેટયાર્ડોમાં જોવા મળી રહ્યા છે, તેની સામે સરકારના ટેકાના ભાવ ખૂબ જ ઓછા લાગી રહ્યા છે. જે સામાન્ય દિવસોમાં ખેડૂતો માટે હકીકતમાં જ ટેકારુપ સાબિત થતા હોય છે. પરંતુ હાલમાં ખુલ્લા બજારની ખરિદીએ ખેડૂતોના ચહેરાઓ ખુશખુશાલ કરી દીધા છે અને તે ખેડૂતોની અપેક્ષા મુજબ જરુરી પણ છે. હાલમાં ટેકાના ભાવે કોઈ ખેડૂત રજીસ્ટ્રેશન કર્યા બાદ ફરકતો પણ નથી. તો રજીસ્ટ્રેશન ગત વર્ષની સરખામણીએ ખૂબ ઓછુ થયુ હતુ.
આ પણ વાંચો : Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!
આ પણ વાંચો : CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-