રાજકોટમાં દૂષિત પાણીની ફરિયાદ મળતા કમિશનર તુષાર સુમેરા મેદાને, રૈયા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે, જુઓ Video
રાજકોટમાં દૂષિત પાણીની ફરિયાદોને ગંભીરતાથી લઈ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયા ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. સ્થળ પર ક્લોરીન ટેસ્ટ અને પાણીની ગુણવત્તાની તપાસ કરાઈ.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીની સતત ફરિયાદો મળી રહી હતી. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સક્રિય થઈ છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખુદ મોરચો સંભાળીને રૈયા ફિલ્ટર પ્લાન્ટની અચાનક મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પાણીની ગુણવત્તા અને ક્લોરીન લેવલની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
કમિશનર સુમેરાએ સ્થળ પર જ પાણીનો ક્લોરીન ટેસ્ટ કરાવ્યો હતો અને પાણીમાં ક્લોરીનનું પ્રમાણ પૂરતું છે કે નહીં તેની ચકાસણી કરી હતી. વિવિધ ડેમમાંથી આવતા પાણીની ગુણવત્તા તેમજ ફિલ્ટર પ્લાન્ટમાંથી સપ્લાય થતા પાણીની શુદ્ધતા અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. રૈયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે ઉપલબ્ધ લેબોરેટરીમાં પણ પાણીના નમૂનાઓની ગુણવત્તાની ચકાસણી ચાલી રહી છે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, “પાણીની ગુણવત્તામાં ક્યાંય પણ ખામી જણાશે તો તાત્કાલિક તેનું નિરાકરણ કરવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં, અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું એ મહાનગરપાલિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” ખાસ કરીને ચોમાસાની સીઝનમાં પાણીના દૂષણ (વોટર કન્ટેમિનેશન) થવાનો ભય વધુ રહે છે, જેના કારણે પાણીજન્ય રોગોનો ફેલાવો થવાની શક્યતા વધી જાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન રાજકોટમાં ક્યાંય પણ દૂષિત પાણીનો પ્રશ્ન ન સર્જાય.
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્ટર પ્લાન્ટમાંથી સપ્લાય થતા પાણીની ગુણવત્તાનું આકલન કર્યા બાદ હવે આગળનું પગલું એ છે કે આ પાણી લોકોના ઘરો સુધી પહોંચતા ક્યાં દૂષિત થાય છે તેની તપાસ કરવી. આ માટે, તેઓ પોતે અને તેમની ટીમના અધિકારીઓ રાજકોટના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે અને “ટેલ એન્ડ” એટલે કે જ્યાં પાણી છેવાડાના વિસ્તારોમાં પહોંચે છે ત્યાં રેન્ડમ ચેકિંગ અને સેમ્પલિંગ હાથ ધરશે. જો ફિલ્ટર પ્લાન્ટમાંથી શુદ્ધ પાણી નીકળતું હોય અને ઘરો સુધી પહોંચતા તે દૂષિત થતું હોય, તો તે પાઈપલાઈનમાં ક્યાં સમસ્યા છે કે ડ્રેનેજ લાઈન લીક થવાથી દૂષણ થાય છે તેનું પણ આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે. આવા મુદ્દાઓને તાત્કાલિક એડ્રેસ કરીને તેનું નિરાકરણ લાવવાનો મહાનગરપાલિકાનો ધ્યેય છે.
રાજકોટના જનરલ બોર્ડમાં પણ દૂષિત પાણી અંગે અનેક ફરિયાદો મળી હતી, જેને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટૂંકમાં, ચોમાસાની સીઝન દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ એક વ્યાપક અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું આગની આશંકાને પગલે ઈમરજન્સી લેન્ડિગ