Rajkot : ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આંખ, ડેન્ટલ વિભાગને 60 લાખનું દાન, 80 જેટલા ગામડાંઓના દર્દીને મળશે લાભ
સિવિલના ડોક્ટર જ્યેશ વસેટિયને જણાવ્યું હતું કે દાતાઓના દાનથી મળેલા આધુનિક મશીનો દ્વારા ધોરાજી, ઉપલેટા જેતપુર અને જામકંડોરણા, ભાયાવદર સહિત કુલ 80 જેટલા ગામના દર્દીઓને આધુનિક સારવારનો લાભ મળશે.
રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દાતાઓ દ્વારા 60 લાખ રૂપિયાના આધુનિક મશીનનું દાન આપવામાં આવ્યું હતું. આ દાન ડેન્ટલ અને આખ વિભાગ અને લેબોરેટરી વિભાગના સાધનો માટે આપવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના આ ત્રણ વિભાગમાં વિવિધ સાધનોનું દાન મળતાં તેનો ફાયદો આસપાસના 80 ગામના લોકોને મળશે. આ દાન મૂળ ધોરાજીના અને હાલમાં અમેરિકામાં રહેતા શાહ પરિવાર તેમજ કુંડરિયા પરિવાર, પાડલીયા પરિવાર , ટોલીયા પરિવાર દ્વારા પોતાની માતૃભૂમિને યાદ કરીને લોકોને મદદરૂપ થવા આ દાન આપવામાં આવ્યું હતું.
ધોરાજી સિવિલ હોસ્પિટલને મળેલા આ દાન અંગે સિવિલના ડોક્ટર જ્યેશ વસેટિયને જણાવ્યું હતું કે દાતાઓના દાનથી મળેલા આધુનિક મશીનો દ્વારા ધોરાજી, ઉપલેટા, જેતપુર અને જામકંડોરણા, ભાયાવદર સહિત કુલ 80 જેટલા શહેર અને ગામના દર્દીઓને લાભ મળશે. તેમણે ઉમેર્યું હતું કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ધોરાજી ના તેમજ આસપાસના ગામના લોકોને હવે ઘર આંગણે જ આધુનિક સારવાર મળી રહેશે.
તમામ દાતાઓનો યોજાયો સન્માન સમારંભ
માતૃભૂમિની આ રીતે સેવા કરનારા તમામ દાતાઓનો ધોરાજી ખાતે સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં તમામ દાતાઓનું ધોરાજી સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું
ધોરાજીની સિવિલ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સુસજજ
ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયને જણાવ્યું હતું કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં હાલ ગાયનેક વિભાગ કાર્યરત છે તેમજ બાળ રોગ વિભાગ પણ છે તો તાજેતરમાં જ ડેન્ટલ અને આઇ કેર વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં નિષ્ણાત ડોક્ટર છે અને આ પ્રકારના આધુનિક સાધનો મળતા હવે ડોક્ટર વધારે સારી રીતે દર્દીઓની સારવાર કરી શકશે અને લોકોએ રાજકોટ જુનાગઢ સુધી સારવાર માટે ધક્કા ખાવાની ઝંઝટ માંથી મુક્તિ મળી છે અને લોકોને ઝડપી સારવાર મળશે તેમજ નાણા અને સમયની બચત થશે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે સ્થાનકિ સ્તરે જ આ પ્રકારની સુવિધા મળતા દૂર દૂર સુધી ધકકા ખાવાની જરૂર નહીં પડે અને નજીકમાં જ સત્વરે સારવાર મળી જશે.
વિથ ઇનપુટ ક્રેડિટઃ હુસૈન કુરેશી, ટીવી9 ધોરાજી ઉપલેટા