રાજકોટમાં ઉડ્યા કાયદો વ્યવસ્થાના લીરેલીરા, પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે સામાન્ય બોલાચાલીમાં થઈ હત્યા
રંગીલું રાજકોટ રક્તરંજિત બની ગયું છે. રાજકોટમાં સામાન્ય બાબતમાં પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આ કેસમાં ફાયનનાન્સનો વ્યવસાય કરતા હિસ્ટ્રીશિટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર અંતર આવેલા નિલકંઠ સિનેમા નજીક સામાન્ય બોલાચાલીમાં હત્યાનો બનાવ બન્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક ચાની કિટલી પર બેસવા બાબતે હાર્મિશ ગજેરા નામના યુવાનની ફાયનાન્સર દોલતસિંહ સોલંકી નામના શખ્સે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. જો કે હત્યા બાદ દોલતસિંહ સોલંકી ફરાર થઇ ગયા હતા. જો કે ગોંડલ ચોકડી તરફ આવતા પોલીસે તેને પકડી પાડ્યા છે. પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે હત્યાની વારદાત બન્યા બાદ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા હતા. પરિવારજનોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે આરોપીનું સરઘસ કાઢીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
શા માટે કરી હત્યા ?
એસીપી ભાવેશ જાદવના કહેવા પ્રમાણે શનિવારે રાત્રીના સમયે હાર્મિશ ગજેરા અને તેનો ભાઇ ખોડિયાર ચા પીવા માટે આવ્યા હતા. દરમિયાન હત્યારા દોલતસિંહની ફાયનાન્સની ઓફિસ તે જ કોમ્પલેક્સમાં આવેલી છે. જેથી દોલતસિંહ ત્યાંથી પસાર થવા સમયે બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના કારણે રોષે ભરાયેલા દોલતસિંહે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
પોલીસના કહેવા પ્રમાણે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન હત્યાની કોશિશ સહિત કુલ 12 જેટલા ગુનાઓ નોંધાયા છે. હાલમાં આરોપીની પેલીસે તપાસ શરૂ કરી છે પોલીસને શંકા છે કે હત્યા પહેલા ફાયનાન્સની ઓફિસમાં દારૂની મહેફિલ પણ ચાલતી હોવાની શંકા છે જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.