Success story : એક નાની ચાની કીટલી ખેતલાઆપા કેવી રીતે બની બ્રાન્ડ ? જાણો
ખેતલાઆપા ટી સ્ટોલ કે જે આજે તમને નાના-મોટા દરેક શહેરોમાં કે પછી નેશનલ હાઈવે પરથી પસાર થતા હોવ તો અચુક જોવા મળે છે. પહેલા માત્ર સૌરાષ્ટ્રમાં મળતી ખેતલાઆપા ચા આજે ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ બની ગઈ છે. ખેતલાઆપાની શરૂઆત કેવી રીતે થઈ ? ક્યાંથી વિચાર આવ્યો અને ખેતલાઆપા નામ કેવી રીતે પડ્યું તેના વિશે આ લેખમાં જાણીશું.
મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાની ચુસકી સાથે થાય છે. એમાં પણ ગુજરાતીઓ તો ચાના દિવાના છે. દિવસની શરૂઆત હોય કે પછી રાતનો સમય લોકોને ચા પીવી ગમે છે. ચા દુનિયાનું લોકપ્રિય પીણું ગણાય છે અને દુનિયાના મોટાભાગના દેશોમાં ચા પ્રચલિત છે. ચા જાણે કે આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. તેથી આપણને દરેક ઘરમાં ચાના રસીયા લોકો મળી જાય છે. ત્યારે આજે આ લેખમાં ખેતલાઆપા ટી સ્ટોલ કે જે એક નાની કીટલીથી આજે રાજ્યભરમાં એક બ્રાન્ડ બનીને કેવી રીતે ઉભરી આવી તેના વિશે જાણીશું.
ખેતલાઆપા ટી સ્ટોલ કે જે આજે તમને નાના-મોટા દરેક શહેરોમાં કે પછી નેશનલ હાઈવે પરથી પસાર થતા હોવ તો અચુક જોવા મળે છે. પહેલા માત્ર સૌરાષ્ટ્રમાં મળતી ખેતલાઆપા ચા આજે તમને મોટાભાગના શહેરોમાં મળી જાય છે. ત્યારે ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ ખેતલાઆપાની શરૂઆત કેવી રીતે થઈ ? ક્યાંથી વિચાર આવ્યો અને ખેતલાઆપા નામ કેવી રીતે પડ્યું તેના વિશે માહિતી આપીશું.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ‘ચા વાળો’ શબ્દ ખુબ પ્રચલિત બન્યો છે. તેને એક અલગ ઓળખાણ મળી છે. જે બાદ ગુજરાતમાં એવા કેટલાય ચા વાળા છે, જે ચાના વ્યવસાયમાં ઉદ્યોગસાહસિક બન્યા છે. ત્યારે ખેતલાઆપા ટી સ્ટોલના સામતભાઈ, તેમના ભાઈ વિક્રમ અને ભાગીદાર નરેન્દ્ર ગઢવી જે ગુજરાતી ઉદ્યોગસાહસિકતાના ઉત્તમ ઉદાહરણ છે, જેનો ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉલ્લેખ કરે છે.
કેવી રીતે થઈ શરૂઆત
ખેતલાઆપા ચાની કહાની 1980ના દાયકાથી શરૂ થાય છે. રાજકોટમાં રહેતા ભરવાડ સમુદાયના 2 ભાઈઓ સામત અને વિક્રમના પિતાએ જ્યારે દૂધના વ્યવસાયે સાથે રાજકોટમાં એક નાની ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું. સમય જતાં આ ચાની કિટલીએ નામ કમાયું અને લોકોમાં આ કટિંગ ચા ફેમસ થવા લાગી અને સારો એવો વેપાર પણ થવા લાગ્યો.
જ્યારે સામત અને વિક્રમે જોયું કે રોજના 50,000નું વેચાણ ચાની કિટલી પર થઈ શકે છે, તો તેમને આ વ્યવસાયને બિઝનેસમાં કન્વર્ટ કરવાનો રસ જાગ્યો અને દુકાનની સફળતા જોઈને બંને ભાઈઓએ નાની ઉંમરે આ ધંધાની જવાબદારી ઉપાડી લીધી. 1990માં બંને ભાઈઓએ ચાનો બિઝનેસ વધારવાની શરુઆત કરી. સામત અને વિક્રમે આ ટી સ્ટોલનો બિઝનેસ વધારવાનું જે સપનું જોયું હતું. તે સાકાર કરવા રાજકોટની એક ગલીમાં આ ટી સ્ટોલનો પાયો નાંખ્યો અને ખેતલાઆપાની શરૂઆત થઈ.
ખેતલાઆપા નામ રાખવા પાછળનું કારણ
આ પરિવાર નાગ દેવતા ખેતલિયા આપાનો ભક્ત છે, જેનું મુખ્ય મંદિર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં કડુકા ગામમાં છે. જ્યારે ભાઈઓએ તેમની દુકાનને નામ આપવા અથવા ‘બ્રાન્ડ’ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેઓએ તેનું નામ દેવતાના નામ પર રાખવાનું પસંદ કર્યું અને સાઈનબોર્ડ પર નાગ દેવતાની છબી સાથે પ્રથમ ખેતલાઆપા ચાની દુકાન 1990ના દાયકામાં રાજકોટની શેરીઓમાં ખુલી અને બાદમાં રાજ્યભરમાં 200થી વધુ શાખાઓ ખુલી અને ખેતલાઆપા એક બ્રાન્ડ બની ગઈ.
ખેતલાઆપા એક બ્રાન્ડ
જ્યારે બંને ભાઈઓએ ખેતલાઆપા ટી સ્ટોલને બીજા શહેરોમાં પણ ખોલવાનો વિચાર કર્યો ત્યારે તેમની મુલાકાત નરેન્દ્ર ગઢવી નામના વ્યકિત સાથે થઈ. નરેન્દ્ર ગઢવીએ જ આઈડિયા આપ્યો હતો કે, લોકો બ્રાન્ડ પાછળ ભાગે છે, તેથી આપણે પણ ટી સ્ટોલને એક બ્રાન્ડ તરીકે લોન્ચ કરીશું.
જ્યારે ભાઈઓએ અન્ય શહેરોમાં અને હાઈવે પર ચાના સ્ટોલ સ્થાપવાની શરૂઆત કરી, ત્યારે તેમને વ્યવસાયની ઊંડી સમજ થઈ અને સાથે નરેન્દ્ર ગઢવીનો સાથ હતો. તેમને વિચાર આવ્યો કે હોઈવે પર જેમ હોટલ અને રેસ્ટોરન્ટની એક જ બ્રાન્ડની અલગ અલગ શાખાઓ હોય છે, એવી જ રીતે ચાની પણ એક બ્રાન્ડ બનાવીએ અને ખેતલાઆપા ટી સ્ટોલની અલગ અલગ શહેરોમાં શાખાઓ શરૂ કરી.
આ વિચાર સાથે રાજકોટ બાદ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરામાં અત્યાર સુધીમાં 200થી વધુ ખેતલાઆપા ટી સ્ટોલ શરૂ કરી દીધી. બાદમાં તેમણે ખેતલાઆપાને એક બ્રાન્ડ બનાવવા માટે 2017માં ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યું અને ફ્રેંચાઈઝી આપવાનું શરું કર્યું. આજે જો તમારે ખેતલાઆપાની ફ્રેંચાઈઝી લેવી હોય તો તેના ભાવ શહેર અને એરિયા પ્રમાણે રૂપિયા 5થી લઈને 21 લાખ સુધીના છે.
લોકો ખેતલાઆપા ચાના દિવાના કેમ ?
ખેતલાઆપાની ચા તેના વિશિષ્ટ સ્વાદને કારણે લોકપ્રિય છે. ચા બનાવવાની પ્રોસેસ વિશે વાત કરીએ તો, ચા પત્તી, ખાંડ અને એલચી ઉમેરતા પહેલા દૂધને ખૂબ ઉકાળવામાં આવે છે. ચાનો ટેસ્ટ બદલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, તેથી સ્ટોલના નિયમિત ગ્રાહકોની સંખ્યા ખૂબ જ છે. ખેતલાઆપા ટી સ્ટોલના માલિકનો દાવો છે કે, ખેતલા આપાનો સ્વાદ તમને બીજે ક્યાંય નહીં મળે. ખેતલાઆપા ટી સ્ટોલ પર ચાની સાથે ગાંઠિયાનો સ્વાદ પણ માણવા મળે છે. ખેતલાઆપા ટી સ્ટોલના માલિકનો દાવો છે કે ચા બનાવવા માટે તેઓ નોર્મલ દૂધ કરતા પણ વધારે ઘટ્ટ દૂધનો ઉપયોગ કરે છે. તેમનું કહેવું છે કે, તેઓ ક્યારેય પોતાની ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરે.
ભારતમાં કેવી રીતે આવી ચા ?
1610માં ડચ વેપારીઓ ચાને ચીનથી યુરોપ લાવ્યા અને ધીમે ધીમે તે સમગ્ર વિશ્વનું પ્રિય પીણું બની ગયું. ભારત વિશ્વના સૌથી મોટા ચા ઉત્પાદકોમાંનું એક છે. 1834માં અંગ્રેજો પહેલીવાર ભારતમાં ચા લાવ્યા હતા. 1815માં બ્રિટિશ પ્રવાસીઓનું ધ્યાન આસામમાં ઉગતી ચાની ઝાડીઓ તરફ ગયું. જો કે, આસામના સ્થાનિક આદિવાસી લોકો પહેલાથી જ તેનું પીણું બનાવીને પીતા હતા. ભારતના તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ બેન્ટિંકે ભારતમાં ચાની પરંપરા અને તેના ઉત્પાદનની શરૂઆતની શક્યતાઓ શોધવા માટે એક સમિતિની રચના કરી હતી.
વર્ષ 1835માં આસામમાં ચાના બગીચાઓનું વાવેતર કરવામાં આવ્યું અને ત્યારબાદ 1881માં ભારતીય ચા સંઘની સ્થાપના કરવામાં આવી. આ કારણે ચાનું ઉત્પાદન માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વિસ્તરણ થયું હતું. ભારતમાં ઉગાડતી આ ચા અંગ્રેજો માટે આવકનો સારો સ્ત્રોત બની હતી. અંગ્રેજો ભારતમાં ઉગાડવામાં આવતી ચા વિદેશમાં મોકલીને મોટી કમાણી કરતા હતા.
ભારત ચાનું જે ઉત્પાદન કરે છે, તેમાંથી 70 ટકાથી વધુ ચા ભારતમાં જ વપરાય છે. આસામ અને દાર્જિલિંગ જેવી પ્રખ્યાત ચા પણ ફક્ત ભારતમાં જ ઉગાડવામાં આવે છે. ભારતીય ચા ઉદ્યોગ અનેક વૈશ્વિક ચાની બ્રાન્ડની માલિકી ધરાવતો બની ગયો છે. ભારતમાં ચાનું ઉત્પાદન, નિકાસ અને ચાના વેપાર આ તમામ બાબતો ટી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
આ પણ વાંચો સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત કેમ પ્રથમ પસંદગી ? આ છે 10 કારણ