સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત કેમ પ્રથમ પસંદગી ? આ છે 10 કારણ
સેમિકન્ડક્ટર્સ માટે ભારત હાલ ચીન અને તાઈવાન જેવા દેશો પર નિર્ભર છે, તેથી ભારત આ દેશો પરથી તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત ચિપ મેકિંગમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું 'હાર્ટ' કહેવાતા સેમિકન્ડક્ટર પર દુનિયા નજર રાખી રહી છે, ત્યારે દરેકની નજર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત પર છે.
મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, કાર, એસી કે પછી ફ્રીજ હોય અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હશે જેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ ન થતો હોય. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં તેની માંગ વધી રહી છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. ચીન, હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા જેવા દેશો છે, જે વિશ્વને સેમિકન્ડક્ટર સપ્લાય કરી રહ્યા છે. હવે ભારત પણ સેમિકન્ડક્ટરનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
સેમિકન્ડક્ટર શું છે ?
આ એક પ્રકારની ચિપ છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. જો સરળ ભાષામાં સમજીએ તો તેને કંડક્ટર અને ઇન્સ્યુલેટર વચ્ચેની કડી કહી શકાય. જે કરંટને નિયંત્રિત કરે છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જણાવ્યા મુજબ સેમિકન્ડક્ટરને અલગ અલગ રીતે બનાવી શકાય છે. જેમ કે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ અથવા કેડમિયમ સેલેનાઇડ.
સેમિકન્ડક્ટર્સ માટે ભારત હાલ ચીન અને તાઈવાન જેવા દેશો પર નિર્ભર છે, તેથી ભારત આ દેશો પરથી તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત સેમિકન્ડક્ટરની ડિમાન્ડને જોઈને ચિપ મેકિંગમાં પોતાને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં સેમિકન્ડક્ટરનું માર્કેટ 24 બિલિયન ડોલરનું છે.
સેમિકન્ડક્ટરની માંગને જોતા આ માર્કેટ વર્ષ 2025 સુધીમાં 100 અબજ ડોલર થઈ જશે. જ્યારે વર્ષ 2030 સુધીમાં તેનું માર્કેટ 110 અબજ ડોલરને પાર કરી શકે છે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ‘હાર્ટ’ કહેવાતા સેમિકન્ડક્ટર પર દુનિયા નજર રાખી રહી છે, ત્યારે દરેકની નજર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ગુજરાત પર છે.
ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવા પાછળના 10 કારણો
- ભારત સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેની પાછળ પણ કેટલાક કારણ જવાબદાર છે. અમેરિકા અને યુરોપ ઇચ્છે છે કે સેમિકન્ડક્ટર સેક્ટરમાં ચીનની મોનોપોલી ખતમ થાય. કારણ કે ચીન પર વધુ પડતી નિર્ભરતા પણ ચિંતાનો વિષય છે. જો પશ્ચિમી ચીપ કંપનીઓ ચાઈનીઝ કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ જાય, તો અમેરિકા અને યુરોપ જેવા દેશોને ચીન પર વધુ નિર્ભર બની જાય. ખાસ કરીને તે સેમિકન્ડક્ટર્સ માટે કે જેનો ઉપયોગ ઘરગથ્થુ ઈલેક્ટ્રિક ઉપકરણોથી માંડીને હથિયારો બનાવવામાં થાય છે.
- સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ચીન ઉપરાંત તાઈવાનમાં પણ થાય છે. જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય અને ચીન તાઈવાનનો રસ્તો બંધ કરી દે તો વિશ્વના દેશોમાં તેની મોટી અસર જોવા મળી શકે છે. કારણ કે તાઈવાનથી અમેરિકા, યુરોપ કે પછી ભારત તરફ જવા માટે સાઉથ ચીનના અનઅધિકૃત વિસ્તારમાંથી પસાર થવું પડે છે. તેથી જો ચીન દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. કારણ કે અમેરિકા જેવા દેશો કે જેમને હશિયારો બનાવવા માટે જે ચીપની જરૂર પડે છે તેનું ઉત્પાદન માત્ર ચીન અને તાઈવાન જેવા દેશોમાં થાય છે.
- તેથી અમેરિકા અને યુરોપને સેમિકન્ડક્ટરની માંગને પહોંચી વળવા માટે એવા દેશની જરૂર છે જ્યાં મહત્તમ ઉત્પાદન એકમો સ્થાપી શકાય. ભારતે પોતાને ચીનના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે દર્શાવવામાં કોઈ કસર છોડી નથી. એમાં પણ ભારતમાં ગુજરાત એ સૌથી બેસ્ટ સ્થળ છે કે જ્યાંથી વિશ્વના કોઈપણ દેશમાં ટ્રાન્સપોર્ટેશન સરળતાથી કરી શકાય. ગુજરાતથી અમેરિકા કે પછી યુરોપ જવા માટે સરળતાથી પહોંચી શકાય છે. તેથી ગુજરાત સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.
- સેમિકન્ડક્ટર કંપનીઓ ગુજરાત પર પ્રથમ પસંદગી ઉતારી રહી છે. ગુજરાતના ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સે સાણંદમાં તેના પ્લાન્ટ શરૂ કર્યા છે, તો ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડે ધોલેરામાં તેના પ્લાન્ટ શરૂ કર્યા છે. લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ગુજરાત સેમિકન્ડક્ટર કંપનીઓની પ્રથમ પસંદગી કેમ બની રહ્યું છે.
- ગુજરાત સરકારે પોતાને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતના સેમિકન્ડક્ટર મિશન સાથે ગુજરાતે તેની સેમિકન્ડક્ટર પોલિસી વર્ષ 2022માં જ રજૂ કરી હતી. સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ઈકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
- ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે કંપનીઓને જમીન ફાળવવામાં આવી છે. તો સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાતને પ્રથમ પસંદગી બનાવવા તરફ રાજ્ય સરકાર સકારાત્મક વાતાવરણ ઉભું કરી રહી છે. આ ઉપરાંત દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવા રાજ્ય સરકારે ટાટા જૂથને ધોલેરામાં 160 એકર જમીન ફાળવી છે.
- ધોલેરાની વાત કરીએ તો અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલું શહેર ધોલેરા ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ઉભરી રહ્યું છે. તેની સરખામણી સિંગાપોર સાથે કરવામાં આવે છે. આ શહેર અમદાવાદ કરતાં પણ મોટું છે. જે 920 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.
- ધોલેરા ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, બરોડા, અને ભાવનગર સાથે જોડાયેલું છે. એરપોર્ટ, 6 લેન એક્સપ્રેસ વે, મેટ્રો રેલ નેટવર્ક તેની કનેક્ટિવિટીમાં વધારો કરે છે. આ ઉપરાંત વિશ્વના દેશોમાં માલ-સામાનનો સપ્લાય કરવા માટે ધોલેરાથી દરિયા માર્ગે જવા માટે સૌથી ટૂંકો રસ્તો છે. તો કંપનીઓને સરકારની પોલિસીનું સમર્થન મળી રહ્યું છે, તેથી અહીં રોકાણ કરવું સરળ છે.
- ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીનો હેતુ વ્યૂહાત્મક ક્ષેત્રમાં સપ્લાય ચેઈનના વૈશ્વિક પુનર્ગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે. ધોલેરામાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ઈકોસિસ્ટમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) તરીકે વિકસાવવામાં આવ્યું છે.
- વૈશ્વિક કંપનીઓને રોકાણ કરવા આકર્ષે તેવી અદ્યતન ઔદ્યોગિક ઉપયોગિતાઓ ધોલેરામાં ઉપલબ્ધ છે. ઔદ્યોગિક સુવિધાઓ અને સરકારની સંડોવણી તેને સેમિકન્ડક્ટર કંપનીઓ માટે યોગ્ય વ્યૂહાત્મક સ્થાન બનાવે છે. જેના કારણે આજે ધોલેરા ગુજરાતના સેમીકોન સિટી તરીકે ઉભરી રહ્યું છે.
સેમિકન્ડક્ટર હબ બનવા માટે સરકારના પગલા
હાલમાં ભારત સેમિકન્ડક્ટરની આયાત પર સંપૂર્ણપણે નિર્ભર છે. પરંતુ હવે ભારત માત્ર આત્મનિર્ભર બનવા જ નહિ, પરંતુ સેમિકન્ડક્ટર્સની નિકાસ કરી અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ચિપ બનાવવી એટલી સરળ નથી, પરંતુ સરકાર દ્વારા આ માટે જરૂરી ઇકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. ભારત 2026 સુધીમાં સેમિકન્ડક્ટર માર્કેટ હબ બનવાના માર્ગે છે. ત્યારે કેન્દ્ર સરકાર આ દિશામાં સતત પગલાં ભરી રહ્યું છે. ભારત સેમિકન્ડક્ટર સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટું રોકાણ કરી રહ્યું છે.
PM મોદીએ તાજેતરમાં 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં એક આસામના મોરીગાંવમાં અને બે ગુજરાતના ધોલેરા અને સાણંદમાં સ્થાપવામાં આવશે. આ સાથે ભારત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક હબ બની જશે. ખાસ વાત એ છે કે આગામી 100 દિવસમાં આ ત્રણેય ફેસિલિટીમાં મેન્યુફેક્ચરિંગ કામ શરૂ થઈ જશે. ભારત સેમિકન્ડક્ટર મિશન માટે આ એક મોટી છલાંગ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ માનવું છે કે દેશમાં સ્થાપવામાં આવી રહેલા સેમિકન્ડક્ટર એકમો ટેકનોલોજીકલ સ્વ-નિર્ભરતાની દિશામાં મદદ કરશે. ભારતની પરિવર્તનકારી યાત્રાને આ દિશામાં વધુ બળ મળશે. વર્ષ 2021માં ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ભારતે 10 બિલિયન ડોલરની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમની જાહેરાત કરી હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સેમિકન્ડક્ટર ડિઝાઇન માટે 20 સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા અને આગામી 5 વર્ષમાં રૂ. 1500 કરોડથી વધુનું ટર્નઓવર હાંસલ કરવા સક્ષમ બનાવવા માટે 2021માં ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજના શરૂ કરી હતી. હવે જો બધું યોજના મુજબ ચાલે તો સેમિકન્ડક્ટર દેશના અર્થતંત્ર માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. તેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળી શકે છે.
આ પણ વાંચો અમદાવાદથી ખસેડીને ગાંધીનગરને કેમ બનાવવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ? જાણો