ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે, ત્યારે હાલમાં અહીં કેસૂડાના વૃક્ષો ઉપર ખિલેલા કેસૂડાને કારણે વાતાવરણ જાણે સોળે કળાએ ખિલેલું લાગે છે અને હાલમાં આ વિસ્તારમાં જાણે કેસરિયા ચાદર છવાઈ ગઈ છે. અત્યાર સુધી દેશ-વિદેશના 1 કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂકયા છે. ત્યારે ખાસ તો આ સિઝનમાં થતી કેસૂડાની ટૂર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
એકતાનગર વિસ્તારમાં કેસૂડાના લગભગ 65,000 વૃક્ષોથી સમૃદ્ધ છે અને વસંત ઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે. માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસૂડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલમાં પ્રવાસીઓ આ કેસૂડા ટૂરનો મન ભરીને આનંદ માણી રહ્યા છે.
કેસૂડા ટૂર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલા છે અને પ્રવાસીઓ આ ટૂરમાં કુદરતની વચ્ચે જઇને કેસૂડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકે છે. પ્રવાસીઓ માટે કેસૂડા ટૂર માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જંગલમાં પ્રવાસીઓને 3-4 કિલોમીટર સુધી ફેરવવામાં આવે છે. તેમજ નિષ્ણાત ગાઇડ કેસૂડાના ફૂલ અને પરાગરજ તેમજ કેસૂડાના તમામ ગુણોની માહિતી પણ આપે છે. સાથે સાથે પ્રવાસીઓ આ રૂટમાં ખીણ અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેકિંગ કરી કરશે અને ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે.
ટૂર પીકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) અને ટૂર સમાપ્ત પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) કેસૂડા ટૂર માટે 3 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
પહેલો રૂટ શ્રેષ્ઠ ભારત ભવન થી નર્મદા કેનાલ ઝીરો પોઈન્ટ સુધી અને ત્યારબાદ 4 થી 5 કિલોમીટર વોકિંગ
બીજો રૂટ શ્રેષ્ઠ ભારત ભવન થી સ્ટેપ ગાર્ડન સુધી ત્યાં થી 4 થી 5 કિલોમીટર સુધી વોકિંગ
ત્રીજો રૂટ શ્રેષ્ઠ ભારત ભવન થી લીંબડી ગામ થઈ ને ટેન્ટસિટી 2 સુધી અને ત્યાં થી વોકિંગ
આ કેસૂડા ટુર ની ટિકિટ પુખ્તવય માટે 200 રૂપિયા અને બાળકો માટે 150 રૂપિયા આ વર્ષે રાખવામાં આવી છે
પ્રવાસનો સમય – સવારે 7-00 થી 10-00 અને સાંજે 4-00 થી 7-00 મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.
ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.
કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેસૂડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતાની સાથે જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસૂડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે.
સાંસ્કૃતિક મહત્વ આ વૃક્ષ અગ્નિનું પ્રતીક હોવાનું મનાય છે. દેવતાઓની પૂજામાં પણ તેનાં પુષ્પોનો ઉપયોગ થતો હોય છે. તેના પાંદડાંમાંથી પતરાળાં અને પડિયા બનાવવામાં આવે છે. રંગોનો તહેવાર “ધૂળેટી” માં તેના ફૂલોનાં રંગ વાપરવાની વર્ષો જુની પરંપરા છે. તેનાં ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેનાં ફૂલના રંગ વડે “ગુલાલ” પણ બનાવવામાં આવે છે. ભારતમાં, આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તેના લાકડાનો ઉપયોગ હિંદુ યજ્ઞવિધિઓમાં થાય છે.
ઔષધીય ગુણો આ એક મહત્વનું ઔષધિય વૃક્ષ છે પરંપરાગત દવા પદ્ધતિ જેમ કે આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીમાં વિવિધ રોગોની સારવાર કેસૂડાથી થાય છે.કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.
આકરા ઉનાળાના પ્રારંભને કેસુડાના ફૂલ રમ્ય અને સહ્ય બનાવે છે.સફેદ કેસુડા પણ થાય છે જે ખૂબ જૂજ જોવા મળે છે.કેસુડાના ફૂલ પાણીમાં નાંખીને સ્નાન કરવા થી ઠંડક મળે છે અને ચામડી માટે પણ તે ઔષધ રૂપ બને છે.મધ્ય ગુજરાતના નર્મદા,છોટાઉદેપુર, પંચમહાલ,દાહોદ ના જંગલોમાં તે વિપુલ પ્રમાણમાં ઉગે છે.
વિથ ઇનપુટ: વિશાલ પાઠક, નર્મદા ટીવી9