ખોડલધામથી ભાજપનો રાજકીય સંદેશ ! નરેશ પટેલ-જયેશ રાદડિયાને બાથ ભીડીને એકબીજાને ગળે લગાડતા જીતુ વાઘાણી
ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઊભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ, પાટીદાર આગેવાનોએ એક મંચ પર આવીને આપ્યો છે.

ગુજરાતમાં ભાજપે 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટીને કારણે, ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડનારી અસર ખાળવા માટેની કવાયત આદરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો, પાટીદાર પ્રધાનો, ધારાસભ્યો, પાટીદાર પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઊભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ, પાટીદાર આગેવાનોએ એક મંચ પર આવીને આપ્યો છે.
સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે એક વાત એવી ચર્ચાઈ રહી છે કે, ખોડલધામના નરેશ પટેલ અને શક્તિશાળી પાટીદાર નેતા જયેશ રાદડિયા છેલ્લા ઘણા સમયથી સામસામી ઘરી પર બેઠા છે. બન્ને પાટીદાર આગેવાનો વચ્ચે કોઈ મુદ્દે ભારે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાના સમાચાર અવારનવાર માધ્યમોમાં ચમકી રહ્યાં હતા. આવા સંજોગોમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા આજે એક મંચ પર ભેગા થયા હતા.
આ સમયે બન્નેએ હાથમાં હાથ મિલાવીને બન્ને એક હોવાનો સંદેશ લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાતના શિક્ષણ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ, નરેશ પટેલ અને જયેશ રાદડીયાને બાથ ભીડીને ગળે લગાડયા હતા. આમ કરીને એક એવો સંદેશ વહેતો કરવાનો પ્રયાસ કર્યો હતો કે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મનદુખ કે ગજગ્રાહ નથી, કે નથી સામસામી ધરી પર. આ સ્પષ્ટ સંદેશ માત્ર પાટીદારને જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય રાજકીય પક્ષને પણ હોવાનું રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે.