કેન્સરપીડિતો માટે ગુજરાતની યુવતીઓનું મિશન મુંડન, સુરતની 10 વર્ષની દીકરીએ કપાવ્યા 30 ઇંચ લાંબા વાળ !
કોઈપણ યુવતી કે મહિલા માટે તેના શરીરનું ઉત્તમ ઘરેણું હોય તો તે તેના વાળ છે. વાળને સુંદર બનાવવા અને તેની સુંદરતા જાળવી રાખવા કોઈપણ છોકરી નાનપણથી તેની માવજત કરે છે. પણ તાજેતરમાં ગુજરાતમાં એક નવું જ મિશન શરૂ થયું છે. અને આ મિશન છે મિશન મુંડન..જાણીને નવાઈ લાગી ને ? પણ આ હકીકત છે. હાલ […]

કોઈપણ યુવતી કે મહિલા માટે તેના શરીરનું ઉત્તમ ઘરેણું હોય તો તે તેના વાળ છે. વાળને સુંદર બનાવવા અને તેની સુંદરતા જાળવી રાખવા કોઈપણ છોકરી નાનપણથી તેની માવજત કરે છે. પણ તાજેતરમાં ગુજરાતમાં એક નવું જ મિશન શરૂ થયું છે. અને આ મિશન છે મિશન મુંડન..જાણીને નવાઈ લાગી ને ? પણ આ હકીકત છે. હાલ ગુજરાત ભરની યુવતીઓ અને મહિલાઓ શા માટે આ મિશનમાં જોડાઇ છે અને શા માટે તેઓ પોતાના અમૂલ્ય અને સુંદર લાંબા વાળનું મુંડન કરાવી રહી છે તે જોઈશું આ રિપોર્ટમાં.
આ છે સુરતમાં રહેતી દેવાના દવે. દેવાનાની ઉંમર માત્ર 10 વર્ષની છે. તેણીને તેના વાળ એટલા પ્રિય છે કે જન્મથી લઈને અત્યારસુધી તેણે પોતાના વાળ કપાવ્યા જ નથી. આજે તેના વાળની લંબાઈ અંદાજે 30 ઇંચ જેટલી થઈ ગઇ છે. પણ આજે તે સ્વૈચ્છીક રીતે પોતાના માતાપિતાને લઈને પાર્લરમાં આવી છે તેના આટલા લાંબા અને મજબૂત વાળ કપાવવા માટે. તમે વિચારશો કે આટલી નાની દીકરી શા માટે તેના વાળ કપાવી રહી છે ? એવું તો શું કારણ હશે કે તેણી આ વાળ કપાવવા માટે મજબૂર થઈ ગઈ ? તો અમે તમને બતાવીએ કે દેવાના હાલ ગુજરાતભરમાં કેન્સર પીડિત મહિલાઓ માટે ચાલી રહેલા બાલ્ડ એન્ડ બ્યુટીફૂલ કેમ્પઈનમાં જોડાઈ છે.
એજ્યુકેશન ઓફ સોશિયલ રિસર્ચ એન્ડ એવેરનેસ સેન્ટર નામની સંસ્થા એક NGO ની મદદથી છેલ્લા પાંચ વર્ષથી હેર ડોનેટનું કામ કરી રહી છે. જેમાં ગુજરાત સહિત ભારતભરની મહિલાઓ જોડાઈ છે. આ કેમ્પઈન કેન્સર પીડિત મહિલાઓ માટે લોકોની સામાજિક મેન્ટલીટી સુધારવા માટે શરૂ કરાયું છે. આજે કોઈપણ મહિલાને તેના લુક અને દેખાવ પરથી આસાનીથી જજ કરી લેવાની માનસિકતા લોકોમાં જોવા મળે છે તેને બદલવા માટે આ કેમ્પઈન 2015થી શરૂ થયું છે. જેમાં ભારતભરમાંથી મહિલાઓ હેર ડોનેશનમાં જોડાઈ રહી છે. અને કેન્સર પીડિતો માટે ફ્રીમાં હેર વિગ આપતી મુંબઇ સ્થિત સંસ્થાને આ વાળ મોકલવામાં આવી રહ્યા છે.
ગુજરાતભરમાંથી અત્યારસુધી 500 કરતા પણ વધુ યુવતીઓ અને મહિલાઓ હેર ડોનેશન કરી ચુકી છે. સુરતમાંથી પણ લગભગ 100 કરતા વધારે યુવતીઓએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે આપી દીધા છે.
આમ કેન્સરના કારણે પોતાના વાળ ગુમાવનાર મહિલાઓના દર્દમાં સહભાગી થવા હવે ખુદ મહિલાઓ જ આગળ આવી છે. જે ખરેખર સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. અને સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ આટલી ઉંમરે વાળ ડોનેટ કરીને અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી છે..
Latest News Updates





