2027માં ભાજપ સરકારનુ ફિંડલુ વળી જશે, દિલ્હીમાં ગુજરાતના પ્રધાનો નક્કી કરાય છેઃ AAP
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગત સપ્તાહે ખેડૂતો માટે જાહેર કરેલ 10,000 કરોડના રાહત પેકેજ બાદ, આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં, આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી અને પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ત્રણ પાટિયા નજીક આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિસાન મહાપંચાયતને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા સહિતના ખેડૂત નેતાઓએ સંબોધન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી સહિત કુલ 10 જેટલા મુદ્દાઓની માંગણી સરકારને કરી હતી.
ઇસુદાન ગઢવીએ કહ્યું, 2027ની ચૂંટણીમાં ભાજપને માત્ર 85 બેઠક મળશે
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ, IBના સૂત્રોના હવાલેથી કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 85 બેઠક મળશે. જ્યારે AAPને 75થી વધુ અને કોંગ્રેસને માત્ર 10 બેઠક મળે છે. આગામી દિવસોમાં AAPને 150થી વધુ બેઠક મળે તેવા પ્રયત્નો કરવાના છે. સાથે જ તેમણે, ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને કહ્યું કે પીએમ મોદી કહે છે કે, ખેડૂતોને પાક વીમો મળશે, પરંતુ ગુજરાતના કોઈ ખેડૂતને પાક વીમો મળતો નથી.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું-ગુજરાત સરકાર એટલે સંગીત ખુરશીની રમત
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ, ખેડૂત મહાપંચાયતને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત સરકાર હવે ‘સરકાર નહીં પણ સર્કસ’ બની ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે દિલ્લીથી નક્કી થાય તે જ ગુજરાતમાં મંત્રી બને છે. તેમણે મંત્રીઓની નિમણૂકને સંગીત ખુરશીની રમત સાથે સરખાવી હતી. સંગીત બંધ થતા ખાલી રહેલી ખુરશી પર બેસી જનાર મંત્રી બની જાય છે બાકીના બહાર નીકળી જાય છે.
યુવરાજસિંહ જાડેજાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ મૂક્યો હતો. જો કોંગ્રેસે ભાજપ સાથે મુજરો ના કર્યો હોત તો તેઓ આજે સત્તામાં હોત તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત મોડેલ સ્ટેટ હોવા છતા, ખેડૂતો માટે કૃષિ પાક વીમો નથી. આ સુવિધા ખેડૂતોને કેમ નથી મળતી તેવો સવાલ કોંગ્રેસ પણ કરતી નથી. દેવામાફી, પાકવિમો અને અન્ય ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને યોજાયેલી આ કિસાન મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટયા હતા.