આજે મહાશિવરાત્રી (Mahashivaratri)નો પાવન પર્વ છે, ભક્તો દેવોના દેવ મહાદેવની આરાધના કરી રહ્યા છે, આજના પવિત્ર દિવસે ખેડા (Kheda) જિલ્લાના નડિયાદના અતિ પ્રાચીન મોટા કુંભનાથ મહાદેવના દર્શન અર્થે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા. નડિયાદમાં આવેલ આ મોટા કુંભનાથ મહાદેવ (Kumbhnath Mahadev)નું મંદિર ખૂબ પ્રાચીન છે, કહેવાય છે કે અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત થયું હતું. મહાન નવલકથા “સરસ્વતીચંદ્ર” ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા આ મંદિરના સાનિધ્યમાં જ લખાઈ હતી. કુંભનાથ મહાદેવનું આ મંદિર ચરોતરમાં મીની સોમનાથ તરીકે પણ જાણીતું છે, એવી માન્યતા છે કે શિવરાત્રિના દિવસે અહીં દર્શન કરવાથી ભક્તોના દુઃખ હરે છે.
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના પેટલાદ ફાટક નજીક આવેલ મોટા કુંભનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિર 500 વર્ષ જૂનું પ્રાચીન મંદિર મનાય છે. વર્ષો પહેલા અગત્સ્ય ઋષિનું આશ્રમ આ સ્થાને આવેલું હતું, તેમણે અહીં સેવા પૂજા અર્ચના કરી હતી. તેઓ કુંભમાંથી જન્મ્યા હતા અને અમૃત કુંભના છાંટા અહીં પડ્યા હોવાથી મોટા કુંભનાથ મંદિર નામ પડ્યું હતું. અહીં પંચમહાભૂતના લિંગ જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ અહીં આવેલા છે. જેથી ભક્તોની રોજ અહીં ભીડ રહેતી હોય છે. ભક્તો ખુબ જ આસ્થા સાથે મહાદેવની આરાધના કરે છે. થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે આ મંદિરને સોમનાથ મંદિર જેવો આકાર આપવામાં આવ્યો હોવાથી તે મીની સોમનાથ તરીકે પણ જાણીતું છે.
શિવરાત્રિમાં ખેડા જિલ્લાના અન્ય સ્થાનો પર આવેલા કેટલાક મહાદેવના મંદિર પણ જાણીતા છે. જ્યાં શિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.
ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાંના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્વ છે. ઠાસરાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે. આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે દહાડે 25 લાખથી વધુ ભાવિક ભક્તો અને પર્યટકો મહાદેવના દર્શને આવતા હોય છે
ખેડા તાલુકાના રઢુ ગામ પાસે વાત્રક નદી કિનારે કામનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં 600 વર્ષ જુના શુદ્ધ ઘીના કોઠારો છે. મંદિરમાં માનતા કે બાધા રાખનાર પ્રસાદમાં ઘી ચડાવે છે.
આ મંદિર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મુખ્ય મથક કપડવંજથી અઢાર અને આંતરસુંબા ગામથી આઠેક કિલોમીટર દૂર આવેલું છે. ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં આવેલ પગથીયા ઉતરતા સીધા વાત્રક નદીના પટમાં પહોચી જવાય છે. અહીં નદીના પટમાં ઊંટ સવારી મોટાપાયે થાય છે, તેથી જ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે.
આ પણ વાંચો- Ahmedabad: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે AMCની કાર્યવાહી, જાણો કેટલી મિલકતો સીલ કરી