બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો, ભાજપ જ ચૂંટણી જીતશે- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે દાવો કર્યો છે કે ભાજપ જ બરોડા ડેરીની ચૂંટણી જીતશે.
સાવલીના ધારાસભ્ય કોઈને કોઈ રીતે ચર્ચામાં આવતા રહે છે. આ વખતે બરોડા ડેરીની ચૂંટણીને લઈને તેમણે મોટો દાવો કર્યો છે. કેતન ઈનામદારે બરોડા ડેરીની ચૂંટણી મુદ્દે શુભેચ્છા યોજી મિટીંગ યોજી હતી. સાવલી ઝોન 5ના ઉમેદવાર રામસિંઘ વાઘેલા ડિરેક્ટર પદે બીનહરીફ થયા છે. ઝોન 6 માટે સુપાલસિંહને ભાજપે ટેલિફોનિક મેન્ડેટની જાણ કરી છે.
બીજી તરફ બરોડા ડેરીને 76 બી અંતર્ગત નોટીસ પાઠવવા મુદ્દે કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પશુપાલકોને આટલું બધુ પ્રોત્સાહન સરકાર આપતી હોય ત્યારે ક્યાં કારણસર ક્ષતિ રહી ગઈ છે, ક્ષતિ રહેવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે. જેથી ડેરીના સત્તાધીશોએ નોટિસનો જવાબ આપવો પડશે.
આ તરફ વર્ષ 2027ની ચૂંટણીને લઈને પણ કેતન ઈનામદારે મોટુ નિવેદન આપ્યુ છે કે તેઓ 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યુ 2022ની ચૂંટણીમાં આપેલા વચન પર તેઓ અડગ છે. ઉલ્લેખનિય છે કે સાવલીથી ધારાસભ્ય કેતન ઈનામદારને ભાજપે 2022ની ચૂંટણીમાં પહેલા ટિકિટ આપી ન હતી. પરંતુ બાદમાં તેમણે બગાવત કરી અને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અંતે ભાજપે તેમને ટિકિટ આપી હતી.
અગાઉ કેતન ઈનામદારે પાર્ટીમાંથી રાજીનામુ આપવાનો હાઈવોલ્ટેજ ડ્રામા કર્યા બાદ રાજીનામુ પરત ખેંચ્યુ હતુ. સી.આર. પાટીલ સાથેની બેઠક બાદ તેમણે ફેરવી તોળ્યુ હતુ કે જૂના કાર્યકર્તાઓના માન સન્માનની વાત હતી. વ્યક્તિગત કોઈ વિરોધ ન હોવાની વાત તેમણે કરી હતી. આ તકે પણ તેમણે 2027 વિધાનસભા ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.
Input Credit- Ketan Inamdar- Vadodara