EDની ઓળખ આપી કચ્છમાં વેપારીઓને ત્યાં દરોડા પાડીને ઠગતી 12 લોકોની ટીમ ઝડપાઇ, જાણો કેવી રીતે આવી પોલીસ પકડમાં
કચ્છમાં 12 લોકોની ટીમે ED અધિકારીઓ બનીને જ્વેલર્સને નિશાન બનાવ્યા અને લાખો રૂપિયાની લૂંટ ચલાવી. આ ઘટના ફિલ્મ "સ્પેશિયલ 26" જેવી લાગે છે. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓમાં એક રેલવે ટ્રાન્સલેટર અને એક ફાઇનાન્સ કર્મચારી પણ સામેલ છે. પોલીસ હવે આ ગેંગના અગાઉના કૃત્યોની તપાસ કરી રહી છે.
તમે સ્પેશિયલ 26 ફિલ્મ જોઈ હશે તો ખ્યાલ હશે કે નકલી CBI ઓફિસર બનીને વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવતા હતા. બરાબર આ ફિલ્મની જેમ જ 12 લોકોની ટીમ પોતે EDની ટીમ તરીકે ઓળખ આપી કચ્છમાં વેપારીઓને ત્યાં દરોડા પાડતા અને લાખો રૂપિયા પડાવતા હોવાનો ખેલ સામે આવ્યો છે.
જવેલર્સને ત્યાં દરોડા પાડતી હતી આ નકલી ટીમ
અક્ષ્ય કુમારની સ્પેશિયલ 26 કે જેમાં અક્ષયકુમાર સહિત તેની આખી ટીમ નકલી CBI ઓફિસર્સ બનીને વેપારીઓને ત્યાં દરોડા પાડતા અને લાખો કરોડોની ઠગાઈ કરતા હતા. તેમ જ કચ્છની આ 12 લોકોની ટીમ ઠગાઇ કરતી.વાત એમ છે કે આ તમામ લોકોએ એક પ્લાન બનાવ્યો.તમામ લોકો નકલી ED અધિકારી બન્યા અને તેઓએ ખોટી ઓળખ આપીને એક વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા.તેમનો આખો પ્લાન સાંભળવા લાયક છે. તેઓએ સવારે 11 વાગ્યે જ્વેલર્સના ત્યાં દરોડા પાડયા અને ના માત્ર શોરૂમમાં પણ તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવે છે.
હ્યુમન સોર્સ તથા CCTVને આધારે ગેંગનું પગેરું ઝડપ્યું
આ ગેંગમાં કુલ 1 મહિલા સહિત 12 આરોપીઓ સામેલ છે. જોકે રેડ તો તેઓએ કરી પરંતુ ઘરમાંથી ₹25.25 લાખના સોનાના દાગીના ચોરી કરી. વેપારીને તેનો ખ્યાલ આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને આખો મામલો બહાર આવ્યો. જ્યારે આ સમાચાર સાંભળ્યા તો પોલીસ પોતે પણ ચોંકી ગઈ. ફરિયાદ લીધા બાદ આ ચોર ટોળકીને ઝડપવા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. જે પછી SP સાગર બાગમારના સુપરવિઝનમાં વિવિધ ટિમો બનાવાઈ અને હ્યુમન સોર્સ તથા CCTVને આધારે ગેંગનું પગેરું ઝડપ્યું. તપાસની ટીમોને ભુજ, અમદાવાદ, ગાંધીધામ ખાતે રવાના કરી અને આરોપીઓને ઝડપી લીધા.
જે આરોપીઓ ઝડપાયા છે તેમાંથી એકનું નામ શૈલેન્દ્ર દેસાઈ ( અમદાવાદ) છે. જે રેલવે DRM ઓફિસમાં ટ્રાન્સલેટર છે. બીજી મહિલા આરોપી નિશા મહેતા છે, જે અમદાવાદની ફાઈનાન્સ ઓફિસમાં નોકરી કરે છે. અન્ય પણ આ જ રીતે કોઇકને કોઇ રીતે આ ટીમમાં ભળેલા છે. હવે પોલીસ માટે આ તપાસ ખુબ મહત્વની છે. કારણ કે આ લોકોનો ઈતિહાસ પણ જોવો આવશ્યક છે. અહિં સવાલ એ થાય છે કે કેટલા સમયથી તેઓ કાંડ ચલાવતા હતા અને શું અગાઉ કોઈને છેતર્યા છે ? આ બંન્ને સવાલ ખુબ મહત્વના છે કારણ કે બની શકે કે આ લોકોએ નકલી ઓફિસર બનીને અનેક લોકોને છેતર્યા હોય. જોકે તપાસ જેમ આગળ વધશે તેમ તમામ બાબતોના ખુલાસા થઈ શકે છે.