રાજ્યમાં વરસાદ બાદ અનેક શહેરોમાં પારાવાર હાલાકી, રસ્તા પર ખાડા રાજ, રાહદારીઓ બની રહ્યા છે અકસ્માતનો ભોગ- Video

|

Jul 12, 2024 | 7:17 PM

ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનને લીધે જોશીમઠના હાલ બેહાલ બન્યા છે. પરંતુ, ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદની સ્થિતિ ન હોવા છતાં પારાવાર હાલાકીના દૃશ્યો સામે આવી રહ્યા છે.

દર ચોમાસાની આ જ રામાયણ છે. પણ, દર વર્ષની જેમ આ વખતે પણ તંત્રના આંખ આડા કાન છે. અત્યંત ચોંકાવનારી તસવીર કચ્છના ભુજમાંથી સામે આવી છે. જ્યાં રસ્તા પર ‘ખાડા રાજ’ને લીધે અનેક વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બન્યા. તો ગોંડલમાં પણ તંત્રના પાપે અનેક વાહન ચાલકો દુર્ઘટનાનો શિકાર બની ગયા. વાત કરીએ સુરતની તો અહીં ઘુંટણસમા પાણીમાં સ્કૂલવાન ફસાઈ ગઈ. તો બીજી તરફ વડોદરામાં પડેલો ભૂવો પણ તંત્રની પોલ ખોલી રહ્યો છે.

કચ્છના ભુજમાં તૂટેલા બ્લોકના કારણે એક નહીં અનેક અકસ્માત સર્જાયા. પહેલાં ખાડા પડ્યા અને ઉપરથી તેમાં વરસાદના પાણી ભરાઈ ગયા. સ્વભાવિક જ લોકોને અણસાર આવે જ કેવી રીતે ? અને એ જ કારણ છે કે કેટલાંક વાહન ચાલકો પટકાઈ ગયા. તો કેટલાંક અટવાઈ ગયા ! એટલું જ નહીં આ ખાડા વાળા રસ્તાને પાર કરતાં તો રાહદારીઓને પણ આંખે પાણી આવી ગયા. પ્રજા સરકાર ચૂંટે, મોટા-મોટા વેરા ભરે પણ, તો દર ચોમાસે આ જ હાલાકી !

કંઈક આવાં જ ભયાવહ દૃશ્યો રાજકોટના ગોંડલમાંથી પણ સામે આવી રહ્યા છે. અહીં ખોડિયારનગર નાળામાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો. દુર્ઘટનાનો ભોગ બન્યા. શું એક્ટિવા, શું બાઈક કે શું રીક્ષા. આ રસ્તા પર જે આવ્યું તે ભયાવહ ખાડાનો શિકાર બની ગયું ! પારાવાર મુશ્કેલીઓ છતાં તંત્ર દ્વારા પગલાં નહીં લેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

‘વિકાસ’ના દાવાઓ વચ્ચે ચિંતાજનક તસવીર સુરતના અલથાણના ખાડી વિસ્તારમાંથી સામે આવી. અહીં ઘુંટણસમા પાણીમાં એક સ્કૂલવાન ફસાઈ ગઈ. પરિસ્થિતિ એવી સર્જાઈ કે કેટલાંક મોટા વિદ્યાર્થીઓએ ખુદ વાનમાંથી ઉતરીને વાનને ધક્કા મારવાની ફરજ પડી. હાલ આ વીડિયો ખૂબ જ વાયરલ છે અને તંત્ર સામે સવાલો પણ ઊભા કરી રહ્યો છે.

વડોદરાથી સામે આવેલા દૃશ્યો તો કંઈક વધારે જ ભયાવહ છે. હાલ તો વડોદરામાં ન તો ચોમાસું જામ્યું છે કે ન તો વરસાદી પાણી ભરાયા છે ! અને તેમ છતાં આ ભીમકાય ભૂવો તંત્રની પોલ ખોલી રહ્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ પર 10 ફૂટ જેટલો વિશાળ ભૂવો પડી જતાં કોર્પોરેશને બેરીકેડિંગ લગાવીને એક તરફનો રોડ બંધ કર્યો છે. વૈકુંઠ સોસાયટી તરફ જતાં 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઈન બેસી જવાને લીધે આ ભૂવો પડ્યો છે. ઉપરથી તેમાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેને લીધે સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે.

આક્ષેપ તો વ્યાજબી છે કે નવા રોડના ઉદ્ઘાટન વખતે ફોટો પડાવનારા ધારાસભ્યો લોકોની સમસ્યા વખતે એવાં ગાયબ થઈ જાય છે કે શોધે જડતા નથી ! હાલ તો ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો છે અને હવે ત્રણ-ચાર દિવસ બાદ તેનું સમારકામ હાથ ધરાશે. એટલે કે ત્યાં સુધી તો રસ્તો બંધ જ રહેશે. જેને પગલે સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને એટલે જ તો તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:15 pm, Fri, 12 July 24

Next Article