‘જય ગિરનારી’ ના નાદ સાથે ગીરનારની પાવનકારી લીલી પરિક્રમાનો મધરાતથી વિધિવત પ્રારંભ, 7 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા- Video
જુનાગઢમાં પ્રકૃતિના ખોળે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો ગત મધરાતથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. આ પરિક્રમામાં પૂણ્યનું ભાથુ બાંધવા માટે 7 લાખથી પણ વધુ ભાવિકો ઉમટ્યા છે. ગરવા ગિરનારમાં ટ33 કોટી દેવતાનો વાસ હોવાની પૂરાણોમાં માન્યતા છે અને આથી જ દર વર્ષે ભવોભવનું પૂણ્યનું ભાથુ બાંધવા માટે યાત્રિકો લાખોની સંખ્યામાં ઉમટી પડે છે.
જુનાગઢમાં કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો પ્રારંભ થયો છે. અગિયારસથી પૂનમ સુધી ચાલનારી આ પ્રરિક્રમાા આદિ અનાદીકાળથી આયોજિત થતી આવે છે. પુરાણોમાં પણ ગિરનારની પરિક્રમાનો ઉલ્લેખ છે. પુરાણોમાં જણાવ્યા મુજબ સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ ગિરનારની પરિક્રમા કરી હોવાની માન્યતા છે. પોતાની બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રીકૃષ્ણએ સૌપ્રથમ આ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ પુરાણોમાં છે. એવુ પણ કહેવાય છે કે ગરવા ગિરનારમાં 33 કોટી દેવતાઓનો વાસ છે અને આથી જ જે કોઈ વ્યક્તિ ગિરનારની પરિક્રમા કરે છે તેને સાત જન્મનું પૂણ્ય પ્રાપ્ત થાય છે. આથી પૂણ્યનું ભાથુ બાંધવા માટે દર વર્ષે યાત્રિકો દૂર દૂરથી ઉમટી પડે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ગિરનારની પરિક્રમા કરવા માટે આવે છે. આ વર્ષે સાત લાખથી પણ વધુ પરિક્રમાર્થીઓ આ પરિક્રમા કરી રહ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી સૌપ્રથમ પરિક્રમા
આદિ અનાદિકાળથી આયોજિત થતી આ પરિક્રમાની પરંપરા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી યાત્રિકોના ધસારાને જોતા અને જંગલમાં પરિક્રમાં રૂટ પર યાત્રિકોને અગવડ ન પડે તે હેતુથી 24 કલાક પૂર્વે જ પરિક્રમા માર્ગને વનવિભાગ દ્વારા ખુલ્લો મુકવામાં આવે છે. જો કે વિધિવત પ્રારંભ તો કારતક સુદ અગિયારસે મધરાતથી જ થાય છે અને ‘જય ગિરનારી’ના નાદથી સમગ્ર પરિક્રમાનો માર્ગ ગૂંજી ઉઠે છે.
આ વર્ષે હાલ પરિક્રમાના રૂટ પર ચાર લાખ ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે જ્યારે ત્રણ લાખ ભાવિકો નળ પાણીની ઘોડી વટાવી ચુક્યા છે. પ્રકૃતિના ખોળે લીલી પરિક્રમાનો માહોલ છવાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હૈયે હૈયુ દળાય એ પ્રકારનો ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જો કે વનવિભાગ અને વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણીથી લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ભાવિકો આ પરિક્રમા માટે આવ્યા છે.
પરિક્રમા રૂટ પર લાઈટીંગ, પાણી, ભોજનની વ્યવસ્થા
પરિક્રમામા આવેલા ભાવિકોને અગવડ ન પડે તે હેતુથી વનવિભાગ દ્વારા લાઈટીંગની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. બોરદેવી ત્રણ રસ્તા, નળપાણીની ઘોડી, ઈટવા ગેઈટ, મોળા પાણી વિસ્તાર, જીણાબાવાની મઢી, માળવેલા વિસ્તારમાં પોર્ટેબલ જનરેટર મુકવામાં આવ્યા છે. જેનાથી 270 જેટલી લાઈટોનો ઝળહળાટ થઈ શકે છે. દર 30 થી 40 મીટરના અંતર પર એક એક લાઈટ ગોઠવવામાં આવી છે.
દેશના ખૂણેખૂણેથી પરિક્રમા માટે આવેલા ભાવિકોએ પરિક્રમા અંગે તેમનુ મંતવ્ય આપ્યુ કે સહુ કોઈએ જીવનમાં એક વાર તો આ પરિક્રમા કરવી જ જોઈએ. ધાર્મિક અનુભૂતિની સાથે આ શારીરિક આરોગ્ય પણ આપે છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh