જુનાગઢ: અંબાજી મંદિરનો ગાદી વિવાદ વકર્યો, ભવનાથના મહંત હરીગીરી બાપુએ મહેશગીરીના આરોપોને ફગાવ્યા, સાંભળો વિવાદ પર શું બોલ્યા- Video
જુનાગઢમાં અંબાજી મંદિરનો ગાદી વિવાદ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે અને રોજ નિતનવા વિવાદો અને આક્ષેપો સામે આવી રહ્યા છે. આ તમામ વચ્ચે હવે ભવનાથ મંદિરના મહંત જુનાગઢ પહોંચ્યા છે. તેમણે ભૂતમાથ મંદિરના મહંત મહેશ ગીરીએ લગાવેલા તમામ આરોપો ફગાવ્યા છે.
જુનાગઢમાં ગિરનારના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલો ગાદી વિવાદ હજુ શમ્યો નથી. અંબાજી મંદિરની ગાદી માટેની સત્તાની સાઠમારીમાં રોજ નિતનવા આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે આવી રહ્યા છે. આ તમામ વચ્ચે જેમના પર મહેશગીરી બાપુએ ભાજપના નેતાઓને કરોડો રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો હતો તે હરીગીરી બાપુ જુનાગઢ પહોંચ્યા છે. છેલ્લા ઘણા સમયથી હરિગીરી બાપુ ઉત્તર પ્રદેશમાં હતા. મહેશગીરીએ લગાવેલા તમામ આરોપો પર હરીગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીના તમામ આરોપોને હરીગીરી બાપુએ પાયાવિહોણા ગણાવ્યા છે.
શું છે સમગ્ર વિવાદનું કારણ?
20 નવેમ્બરના રોજ બહ્મલીન થયેલા તનસુખગીરી બાપુની “ધૂળ લોટ વિધિ” યોજાઈ હતી. અને તે સમયે ભવનાથના મહંત હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુની “ચાદર વિધિ” કરીને તેમને અંબાજીની ગાદીના મહંત જાહેર કરી દીધાં. જેને પગલે જબરદસ્ત હોબાળો થયો. તનસુખીગીરી બાપુના પરિવારજનોએ માંગ કરી કે ગાદી પરંપરા મુજબ આ હક તનસુખગીરી બાપુના પરિવારમાંથી જ કોઈને મળવો જોઈએ. ગાદી પદના વકરતા વિવાદ વચ્ચે મહેશગીરી બાપુના એક “લેટર બોમ્બ”થી ખળભળાટ મચ્યો. જે મુજબ ખુદ હરિગીરી બાપુએ ભવનાથ મંદિરનું પદ મેળવવા એક રાજકીય પક્ષ અને બે કલેક્ટર સહિત અનેક મહાનુભાવોને રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ હતો અને તે પત્ર જૂના અખાડાના લેટર પેડ પર જ લખાયેલો હતો.
તનસુખગીરી બાપુના શિષ્યોએ મહેશગીરી પર લગાવ્યો આ આરોપ
આ તમામ વચ્ચે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ વચ્ચે વિવાદ વકર્યો. ખુદ તનસુખગીરી બાપુના જ શિષ્ય કીશોર અને યોગેશે આરોપ લગાવ્યો કે મહેશગીરી બાપુએ તનસુખગીરી બાપુ હોસ્પિટલમાં હતાં ત્યારે તેમની પાસે ખોટી રીતે સહી-સિક્કા કરાવી લીધાં. તો બીજી તરફ મહેશગીરી બાપુનો દાવો છે કે ડૉક્ટર અને વકીલની સાક્ષીએ તનસુખગીરી બાપુએ સહી-સિક્કા કરીને. અંબાજી ગાદીનું ધ્યાન રાખવા કહ્યું હતું. મહેશગીરી બાપુની માંગ છે કે સનાત ધર્મની રક્ષા માટે અને પરંપરા મુજબ આ ગાદી કોઈ સારી વ્યક્તિને અપાય.
Input Credit- Vijaysinh Parmar- Junagadh