જામનગર : કૃષિ મંત્રીએ ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા માર્ચથી લઈ મે મહિના સુધી જળ સંચય અભિયાનનું રાજયવ્યાપી આયોજન હાથ ધરાયું છે.જેના ભાગરૂપે આજે ખીજડીયા ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે.
જામનગર : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે (Agriculture Minister Raghavji Patel)જામનગર જિલ્લાના ખીજડીયા (Khijadia)ખાતેથી ગામ તળાવને ઉંડા ઉતારવાના કામનો પ્રારંભ કરાવી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ના (Sujalam Sufalam Jal Abhiyan) પાંચમા તબક્કાની શરૂઆત કરાવી હતી. જળ સંચયના આ મહા અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં અંદાજિત રૂ. ૧૬ કરોડના ખર્ચે ૬૯૨ સ્થળોએ જળસંચયના વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે રાજય સરકાર દ્વારા માર્ચથી લઈ મે મહિના સુધી જળ સંચય અભિયાનનું રાજયવ્યાપી આયોજન હાથ ધરાયું છે.જેના ભાગરૂપે આજે ખીજડીયા ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. આજથી 15 વર્ષ પહેલાં પાણીની ખૂબ અછતના કારણે પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર રહેવું પડતું તો સિંચાઈના પાણી માટે અનેક હાડમારીઓનો સામનો કરવો પડતો.ત્યારે નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ પાણીનો વધુમાં વધુ સંગ્રહ કઈ રીતે થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા આયોજનો હાથ ધરી હરિયાળા ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરી છે. તળાવના પાળા અને વેસ્ટ વિયરનું મજબુતીકરણ, હયાત નહેરોની સાફ સફાઇ, મરામત તથા જાળવણી, નદી, વોંકળા, કાંસ ગટરની સાફ-સફાઇ, નદી પુન:જીવિત કરવી વગેરે જેવા પરંપરાગત જળસ્ત્રોત નવીનીકરણના કામો તથા નવા તળાવો નવા ચેકડેમો બનાવવા, વન તલાવડી, ખેત તલાવડી, માટીપાળા, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, પીવીના પાણીના સ્ત્રોતો સહિતના કામો લોક ભાગીદારીથી હાથ ધરી સરકાર પાણીના મહત્વને સમજી વધુમાં વધુ જળ સંચય થાય તે માટે સતત પ્રયાસરત છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જામનગર જિલ્લામાં મનરેગા હેઠળ ૫૫૯, લોક ભાગીદારી હેઠળ ૧૦૫ તથા જિલ્લાના તમામ વિભાગીય કક્ષાએથી લેવામાં આવેલ ૨૮ કામો મળી કુલ ૬૯૨ જળ સંચાયના કામો હાથ ધરવામાં આવનાર છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૨૩.૬૬ તથા લોક ભાગીદારીના ૯૦.૩૪ લાખનો ખર્ચ મળી કુલ રૂ.૧૬૧૪ લાખનો આ કામ માટે ખર્ચ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધકારી મિહીર પટેલ, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી કે.એચ.મહેતા, જિલ્લા પંચાયત સદસ્ય નંદલાલભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ, સરપંચ ખિજડીયા ગ્રામ પંચાયત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ