અમદાવાદ : સરકારી જમીનો પરના દબાણો દુર કરવા જિલ્લા કલેક્ટરની સ્પષ્ટ સૂચના, નળ સરોવર અને મુનસર તળાવને વધુ વિકસાવવા તાકીદ
ધારાસભ્ય દ્વારા મુનસર તળાવના વિકાસ માટે કરાયેલી રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરે નળ સરોવર અને મુનસર તળાવને પર્યટનની દ્રષ્ટીએ વધુ વિકસાવવા સંબંધિત અધિકારીઓને પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ સાથે સંકલન સઘન સાધી આ સ્થળોના વિકાસને પ્રાથમિકતા આપવાની સૂચના આપી હતી.
અમદાવાદ જિલ્લા કલેક્ટર (District Collector)કચેરી ખાતે મળેલી માર્ચ મહિનાની જિલ્લા સંકલનની બેઠકમાં અમદાવાદ (Ahmedabad) જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ (Sandeep Sagle)અધિકારીઓને સરકારી જમીનો પરના દબાણ દુર કરવા માટે કડક સૂચના આપી હતી. ધારાસભ્યોએ સરકારી જમીન પરના દબાણોના પ્રશ્ને રજૂઆત કરતા કલેક્ટરે કડક વલણ અખત્યાર કરતાં સંબંધિત અધિકારીઓને આ મુદ્દે પરિણામલક્ષી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જિલ્લાના ધારાસભ્યોએ જિલ્લાના રસ્તા,વીજળી, પાણી, બસસેવા, આરોગ્ય જેવા મુદ્દે અસરકારક રજૂઆત કરી હતી, જેનો અમદાવાદ જિલ્લા કલેક્ટરે હકારાત્મક પ્રતિસાદ આપી સંકલનમાં ઉપસ્થિત અધિકારીઓને એક્શન અને ફોલો-અપ પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું હતું.
ધારાસભ્ય દ્વારા મુનસર તળાવના વિકાસ માટે કરાયેલી રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટરે નળ સરોવર અને મુનસર તળાવને પર્યટનની દ્રષ્ટીએ વધુ વિકસાવવા સંબંધિત અધિકારીઓને પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ સાથે સંકલન સઘન સાધી આ સ્થળોના વિકાસને પ્રાથમિકતા આપવાની સૂચના આપી હતી.
અમદાવાદ જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગના ઉપસ્થિત અધિકારીઓને ધારાસભ્યોની રજૂઆતોનો ઝડપી અને પરિણામલક્ષી નિકાલ કરવા માટે તાકીદ કરી હતી. તેમણે CM DASHBOARD અને સ્વાગત ઓનલાઈનમાં આવતા પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.
અમદાવાદ જિલ્લા સંકલન બેઠક : મનોમંથનના મુદ્દા
સરકારી જમીન પરના દબાણ દૂર કરવા
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જરૂરિયાતમંદોને મકાન ફાળવણી
જિલ્લાના પર્યટન સ્થળોનો વિકાસ- ખાસ કરીને નળ સરોવર, મુનસર તળાવ
કોરોનાકાળ બાદ વિવિધ વિસ્તારોમાં બસ-સેવા પુન: શરુ કરવી
આયુષ્યમાન ભારત કાર્ડ માટે અરજદારોને સુવિધા પૂરી પાડવી
વૃદ્ધ-નિરાશ્રિતોને આર્થિક આધાર પૂરો પાડવો
ખેડૂતોને પાકરક્ષણ માટે પરવાના આપવા
નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ પ્રાંત અધિકારીઓને સ્થાનિક કક્ષાએ (ગ્રામ્ય અને તાલુકા સ્તરે) જ પ્રશ્નોનો ઉકેલ આણવા માટે સૂચના આપી હતી.
જિલ્લા સંકલનની બેઠકમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુબહેન પઢાર,ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ, કિશોરભાઈ ચૌહાણ, લાખાભાઈ ભરવાડ, ઈમરાન ખેડાવાલા, બલરાજભાઈ થાવાણી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓ પણ સહભાગી થયા હતા.
આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી
આ પણ વાંચો : Gujarat માં શહેરી વિકાસને વેગ આપવા મોટો નિર્ણય, એક જ દિવસમાં પાંચ ટીપી સ્કીમને મંજૂરી અપાઈ