શ્વાનનો આતંક યથાવત : જામનગર જિલ્લાના સીમ વિસ્તારમાં શ્વાન કરડતા ચાર લોકો ઈજાગ્રસ્ત
જામનગરના ધુતારપર-ધુળશિયા સીમ વિસ્તારમાં શ્વાને કેટલાક લોકો પર બચકા ભર્યા. જેના કારણે બે બાળક, વૃદ્ધા સહિત ચાર વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
રાજ્યમાં કેટલાક દિવસોથી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.ત્યારે આજે જામનગરના ધુતારપર-ધુળશિયા સીમ વિસ્તારમાં શ્વાને કેટલાક લોકો પર બચકા ભર્યા. જેના કારણે બે બાળક, વૃદ્ધા સહિત ચાર વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.જેમને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો
રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હતા, પરંતુ હવે તો ઘરના આંગણે રમતા બાળકોને પણ શ્વાનના ત્રાસનો ભોગ બની રહ્યાં છે. ગઈ કાલે રાજકોટના ઔદ્યોગિક શાપર વેરાવળ વિસ્તારમાં અઢી વર્ષના બાળક અર્શદ અંસારીને શ્વાને બચકા ભર્યા હતા.
શીતળા માતાજી મંદિરના ખુલ્લા પટમાં રમતા બાળકને ત્રણથી ચાર શ્વાને બચકા કર્યા હતા. બાદમાં આસપાસના રહીશો લોહી-લુહાણ હાલતમાં બાળકને ઉંચકીને લાવ્યા ત્યારે પરિવારને જાણ થઈ. જે બાદ ત્વરિત બાળકને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.