કાગડોળે રાહ જોયા બાદ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ, રાજ્યના 70 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ- Video
ગુજરાતમાં આખરે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રાજ્યના 70 થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પર છેલ્લા બે દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા છે અને ધોધમાર વરસી રહ્યા છે. જેમા આજના દિવસે ભાવનગરના અનેક ગામોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
અસહ્ય ઉકળાટ, ગરમી, બફારાથી ત્રાસેલી ગુજરાતની જનતાને થોડી રાહત થઈ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ બાદ આજે ગુજરાતના 70 થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમા વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરના જેસરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેસરમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં પૂર આવતા શાળાના બાળકો પણ ફસાયા છે. આ તરફ પાલિતાણા તાલુકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. સિહોરમાં 8.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. તળાજામાં 3.03 ઈંચ, રાજુલા તાલુકામાં 1.69 ઈંચ, ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 1.14 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અમરેલી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે સાવરકુંડલા તાલુકામાં અનરાધાર મેઘમહેર જોવા મળી. સારો વરસાદ વરસી જતા ઘોબા ગામ પાસે ફલકુ અને મેરામણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. મોડી રાતથી ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ઘોબા ગામે ઘૂંટણસમા પાણી ભરાયા છે. પિપરડી, ફિફાદ અને ભમોદ્રા ગામમાં પણ વરસાદ પડ્યો હતો. મોડી રાતથી મેઘરાજાની ધોધમાર બેટીંગ જોવા મળી હતી.
આ તરફ ભાવનગરના મહુવામાં મેઘરાજાએ ભુક્કા કાઢી નાખ્યા. મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવી. એવુ લાગતુ હતુ જાણે કેટલાય દિવસોથી મેઘરાજા પાણી એક્ઠુ કરી રહ્યા અને આજે એકસામટુ વાદળુ ભરીને મહુવ ઉપર ઠાલવી દીધુ હોય. સિઝનનો પહેલો જ વરસાદમાં મહુવામાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ. ખાસ કરીને મોણપર, ખારી, ધરાઈ, નાના જાગરમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે કુંભણ ગામના ખેતરો ભારે વરસાદના કારણે જળતરબોળ થઈ ગયા હતા. સેંદરડા ગામની નદીમાં પમ પાણીની મોટાપ્રમાણમાં આવક થઈ છે. ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પણ બાધિત થઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર જોવા મળી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 1.22 ઈંચ વરસાદ પડ્યો હતો. ભરૂચના હાંસોટ તાલુકામાં 1.06 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગારીયાધારમાં 1.02 ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સ્થાનિકોએ ઠંડકની અનુભૂતિ થતા નિરાંતનો શ્વાસ લીધો છે.