વલસાડમાં ફરી પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. ઔરંગાએ ભયજનક સપાટી વટાવી છે. તંત્ર એલર્ટ પર છે, એક હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ. તો આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો સિઝનમાં બીજીવાર નવસારીમાં પૂરનું સંકટ છે. અંબિકા અને કાવેરીએ ચિંતા વધારી. નદી કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે. નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તો ભરૂચ, તાપી, નર્મદામાં યલો એલર્ટ છે. બનાસકાંઠાની માવલચેક પોસ્ટ પરથી 52 કિલો ચાંદીના બિસ્કિટ સાથે 2ની ધરપકડ કરાઇ. રાજકોટના 2 ઇસમોએ કારના ગુપ્ત ખાનામાં માલ છૂપાવ્યો હતો. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે. બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા. શિવભક્તિમાં લીન થશે ભક્તો.
હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી કરી છે. ગુજરાતમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 12થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, છોટાઉદેપુર, અને વડોદરામાં ભારે વરસાદની વકી છે. આગામી કલાકોમાં 2થી 4 ઇંચ વરસાદ ગુજરાતના 10 અલગ અલગ શહેરોમાં પડવાની શક્યતાઓ છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે સંયુક્ત કિસાન મોરચાના અન્ય છાવણીને મળશે. ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત, સરદાર બલબીર સિંહ રાજેવાલ, ડૉ.દર્શનપાલ, સરદાર જોગીન્દર સિંહ ઉગ્રાહ, સરદાર રામિંદર સિંહ પટિયાલાને મળી શકે છે. આ બેઠક સાંજે 4 વાગ્યે સંસદ ભવન અથવા 10 જનપથ પર થશે.
મેઘાલયના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં ઉથલપાથલ વચ્ચે મેઘાલયે તેની સરહદ પર રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે. આ કર્ફ્યુ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલ મેધાલયના વિસ્તારોમાં લગાવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ છોડીને ભારત આવેલા બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે તેમની માતાના રાજકીય પુનરાગમનની સંભાવનાને નકારી કાઢી છે. તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં પરિવર્તન લાવવાના તેમના સતત પ્રયાસો છતાં તેઓ તેમના નેતૃત્વ સામેના બળવાથી “ખૂબ જ નિરાશ” થયા હતા. જોય, જે સોમવાર સુધી શેખ હસીનાના સત્તાવાર સલાહકાર હતા, તેમણે કહ્યું કે હસીના રવિવારથી રાજીનામું આપવાનું વિચારી રહી હતી અને તેના પરિવારના દબાણને પગલે તેણે પોતાની સુરક્ષા માટે દેશ છોડી દીધો હતો.
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર હાજર બાંગ્લાદેશી નેતા શેખ હસીનાને મળ્યા હતા. હસીનાએ હજુ સુધી ભારત પાસેથી કોઈ માંગણી કરી નથી.
બાંગ્લાદેશમાં ઝડપથી બગડી રહેલી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સંસદ ભવન સ્થિત પીએમ ઓફિસ પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૂત્રો દ્વારા સામે આવી રહેલી માહિતી અનુસાર બાંગ્લાદેશમાંથી ભાગેલા શેખ હસીના હાલ ભારતના હિંડન એરપોર્ટ પર છે.
એર ઈન્ડિયાએ બાંગ્લાદેશમાં બનેલી હિંસક સ્થિતિને જોતા ઢાકા જતી તેની તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં બની રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ઢાકા અને ત્યાંથી અમારી ફ્લાઈટ્સનું નિર્ધારિત સંચાલન તાત્કાલિક અસરથી રદ કર્યું છે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને અમારા મુસાફરોને ઢાકા અને ત્યાંથી કન્ફર્મ બુકિંગમાં મદદ કરી રહ્યા છીએ, જેમાં રિશેડ્યુલિંગ અને કેન્સલેશન ચાર્જિસ પર એક વખતની માફીનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે, એર ઈન્ડિયાના 24/7 સંપર્ક કેન્દ્રને 011-69329333 / 011-69329999 પર કૉલ કરવા જણાવ્યું છે.
ઢાકાથી મળતા અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હિંસક અથડામણ થવા પામી છે અને બાંગ્લાદેશના વડાપ્રધાનપદેથી શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશના ઘણા ભાગોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. દરમિયાન, ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં વર્તમાન સામાજિક-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, LIC બાંગ્લાદેશ લિમિટેડની ઓફિસ, આજે 5 થી આગામી 7 ઓગસ્ટ, 2024 સુધી બંધ રહેશે.
ઢાકાનું હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યું છે. હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (HSIA)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેપ્ટન કમરૂલ ઈસ્લામે જણાવ્યું કે, એરપોર્ટ પર તમામ કામગીરી સાંજે 4:54 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી.
નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનિસ બાંગ્લાદેશના નવા પીએમ બની શકે છે. તેમના નામ અંગે સર્વસંમતિ હોવાનું જણાય છે.
બાંગ્લાદેશમાં, વિરોધીઓએ ધાનમોંડી અને ઢાકામાં આવેલી અવામી લીગની જિલ્લા કચેરીઓને આગ લગાવી દીધી છે. દેખાવકારોએ 32 ધનમંડી સ્થિત બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમમાં પણ આગ લગાવી દીધી હતી. લગભગ 3 વાગ્યે ત્યાં હાજર, પ્રથમ આલોના એક રિપોર્ટરે કહ્યું કે ત્યાં આગ લાગી હતી. દેખાવકારો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. બીજી બાજુ, હજારો લોકો ચિત્તાગોંગની સડકો પર ઉતરી આવ્યા છે અને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
હિંસક વિરોધ અને બળવા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ તંગ અને ગંભીર બની છે. લોકો ઠેર ઠેર આગ લગાવી રહ્યા છે, અને ઘરોમાં તોડફોડ કરી રહ્યા છે. દરમિયાન, સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બાંગ્લાદેશની તમામ ટ્રેનોનું સંચાલન હાલ પુરતુ બંધ કરી દેવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં આજે જ વચગાળાની સરકાર રચાઈ રહી છે. વચગાળાની સરકારમાં 18 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આમાં પત્રકારોનો પણ સમાવેશ થાય છે. બેંકિંગ, પત્રકારત્વ, એન્જિનિયરિંગ, વકીલો અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા જાણીતા લોકોને વચગાળાની સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશના ગૃહપ્રધાન અસદુઝમાન ખાનના ધનમંડી આવાસમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ હિંસક બન્યા પછી, લોકોએ આજે સોમવારે બપોરે ધનમંડીમાં ગૃહ પ્રધાન ખાનના ઘરની તોડફોડ કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, હજારો વિરોધીઓ પ્રવેશદ્વાર તોડીને મંત્રીના નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા. ઘરની અંદરથી ધુમાડો નીકળી રહ્યો હતો અને પરિસરમાં ભારે તોડફોડ થઈ હતી.
બાંગ્લાદેશ દેશમાં ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે ઢાકામાં બેઠક યોજીને જાહેરાત કરી હતી કે, અમે વચગાળાની સરકાર બનાવીશું. વચગાળાની સરકાર બનાવીને દેશ ચલાવશે. તેમણે લોકોને અપીલ કરી અને કહ્યું કે તેઓ શાંતિ માટે પ્રયાસ કરે. બાંગ્લાદેશ આર્મીમાં વિશ્વાસ રાખો.
બાંગ્લાદેશમાં અનામત સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હવે મોટા અને દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયા છે. આ દરમિયાન સમાચાર છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા પેલેસ એટલે કે વડાપ્રધાન નિવાસસ્થાન છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલ્યા ગયા છે.
વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે લાખો લોકો કર્ફ્યુ ભંગ કરીને રોડ પર ઉતરી આવ્યા છે. એવી શક્યતા છે કે, શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર, બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે.
પોરબંદરના ભોદ ગામ નજીક લકઝરી બસમાંથી જુગાર કલબ ઝડપાઇ છે. ધોરાજીના મોટી મારડ ગામના વતનીઓ બહારથી જુગારીઓને બોલાવીને લકઝરી બસમાં જુગાર રમાડતા હતા. લકઝરી બસમાંથી કુલ 11 જુગારીઓને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પોલીસે લકઝરી બસ સહિત 11.14.લાખનો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
ભાવનગર: સર.ટી હોસ્પિટલમાં દર્દીના સગાએ બબાલ કરી. સિક્યુરિટી ગાર્ડ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. મહિલાએ યુવકની ફેટ પકડી બબાલ કરી. અનેક વાર સિક્યુરિટી ગાર્ડ અભદ્ર વર્તન કરતા હોવાની ફરિયાદ સામે આવી છે.
આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, દ્વારકા અને કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ. પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીને પણ મેઘરાજા ધમરોળશે.
બનાસકાંઠા: અમીરગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. અમીરગઢના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઈકબાલગઢ હાઇવેથી મેન બજારમાં જવાનાં રસ્તા પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે. અવાર નવાર પાણી ભરવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઇ રહી છે. અનેક વાર તંત્રને રજૂઆત બાદ પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.
વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં પૂર મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યનો ગંભીર આરોપ છે. વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને જણાવ્યુ કે નદી તટમાં ગેરકાયદે બાંધકામોથી પૂર આવે છે. 75 લાખ ફૂટ જગ્યાનો ખોટી રીતે હેતુફેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત ઝોન હોવા છતાં ગેરકાયદે બાંધકામ ખડકાયા છે. જળશક્તિ મંત્રાલયને પત્ર લખી કાર્યવાહીની માંગણી છે.
વલસાડ: ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નદીનું જળસ્તર ઘટતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ શહેર અને 40 ગામોને જોડતો બ્રિજ અત્યંત બિસ્માર છે. રવિવારે ઔરંગા નદીના પાણીમાં બ્રિજ ગરકાવ થયો હતો. બ્રિજ પાણીમાં ડૂબતા બંધ કરવામાં આવ્યો હતો. પાણી ઓસર્યા બાદ બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તાના આરોપ ઉઠ્યા છે. મોટો અને ટકાઉ બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ છે.
સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે. શ્રાવણમાં કિરણ જેમ્સ કંપનીએ 10 દિવસની રજા જાહેર કરી. 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ થઇ છે. કંપનીઓ પ્રોડક્શન પર કાપ ન મુકે ત્યાં સુધી સ્થિતિ સુધરવાની શક્યતા નહીં. કિરણ જેમ્સ હીરા કંપની 27 તારીખ સુધી હીરાનું પ્રોડક્શન બંધ રાખશે. ઈતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરાઇ છે.
રાજસ્થાન: ભારે વરસાદ બાંદ બૂંદીમાં સ્થિતિ વકરી છે. નવલ સાગર તળાવ છલકાયું છે, તો નાગદી નદીએ રૌદ્ર રૂપ ધર્યું છે. શહેરની ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પૂરના પાણીમાં અનેક વાહનો તણાયા છે. સદર બજાર, ચૌમુખા બજારમાં નાગદી નદીના પાણી ફરી વળ્યા છે. નૈનવા રોડ, મહાવીર કોલોનીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શહેરની અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. નીચાણવાળા અનેક વિસ્તારોને સતર્ક કરાયા છે.
નવસારી: બીલીમોરા શહેરમાં ઘોડાપૂર આવ્યુ છે. અંબિકા, કાવેરીની સપાટીમાં સતત વધારો થયો છે. દેસરા વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. કાવેરી નદીના પાણી ફરી વળતા સ્થિતિ કફોડી બની છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. નીચાણવાળા અનેક વિસ્તારોને એલર્ટ કરાયા છે. દર ચોમાસે આવી સ્થિતિના નિર્માણનો સ્થાનિકોનો આક્ષેપ છે.
વલસાડઃ ભારે વરસાદ બાદ કાશ્મીર નગરમાં પાણી ભરાયા છે. વલસાડની ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારોમાં ઘુસ્યા છે. કાશ્મીર નગરમાં નદીના પાણી ઘૂસતા 80થી વધુ ઘરોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કાશ્મીર નગર વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ભરાયા છે. બંદર રોડ, તરિયાવાડ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા, ઔરંગા નદીની જળ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે.
આજથી શ્રાવણ માસની શરૂઆત 12 જ્યોર્તિલિંગ પૈકીનું એક જ્યોર્તિલિંગ નાગેશ્વર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ પણ માનવામાં આવે છે.
વલસાડ: મોડી રાત્રે સાત લોકોનું NDRFએ રેસ્ક્યૂ કર્યું. હિંગળાજ ગામ ખાતે 7 મજૂરો માછીમારી કરી રહ્યા હતા. 7 મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા. અચાનક ઔરંગાનું પાણી વધતા માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે વહીવટી તંત્રને જાણ થતાં તાત્કાલિક પગલાં લેવાયા. ઘટનાને લઈ TDO તથા મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.
Published On - 7:38 am, Mon, 5 August 24