31 ઓગસ્ટના મહત્વના સમાચાર : વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસે યોજી જાહેરસભા, ગાંધી-સરદારનું ગુજરાત વોટ ચોરના કારણે બદનામ થયાનો કરાયો આક્ષેપ
આજે 31 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 31 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા મામલે વધુ ત્રણની ધરપકડ
ગણપતિજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા મામલે પોલીસે અજમેરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. માફિયા ગેંગના એડમિન સહિત ત્રણ લોકોને પોલીસ પકડીને વડોદરા લઈ આવી છે. આ કેસમાં પહેલા પણ બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
મહત્ત્વનું છે કે, પાણીગેટ વિસ્તારમાં 25 ઓગસ્ટના રોજ યુવકમંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્ત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવતાં ભારે તણાવ સર્જાયો હતો. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ગુનાહિત કૃત્યની જાણ થતાં જ વડોદરા શહેરની પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા.
-
બનાસકાંઠામાં નવા જિલ્લા SP પ્રશાંત સુંબેનો દારૂની હેરાફેરી પર સપાટો
બનાસકાંઠામાં નવા જિલ્લા SP પ્રશાંત સુંબેના કડક સપાટાની કામગીરી અંતર્ગત દારૂની હેરાફેરી પર મોટું પગલું ભરાયું છે. LCBએ કુલ ₹1.10 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો છે અને માત્ર 6 દિવસમાં જ પોલીસે લગભગ 8,600 બોટલ દારૂ જપ્ત કરી છે.
પાલનપુર, અમીરગઢ, ધાનેરા, દિયોદર અને થરાદ સહિતના વિસ્તારોમાંથી આ જપ્તી કરવામાં આવી છે. વિદેશી દારૂની હેરાફેરી અને ઘુસણખોરી સામે જિલ્લા પોલીસ વડાએ કડક આદેશ આપ્યા છે. હાલ જિલ્લામાં તમામ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
-
-
હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન યુવક ડૂબ્યો
સાબરકાંઠાના હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. મહેતાપુરાના ખાડા વિસ્તારમાં રહેતો એક યુવક હાથમતી પીકપ વિયરમાં ગણેશ વિસર્જન કરતાં પાણીમાં ડૂબી ગયો હતો. પાંચ દિવસના ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે ભક્તો આવ્યા હતા.
મોટી સંખ્યામાં વિસર્જન કરવા ભક્તોની વિયરમાં ભીડ જામી હતી. ચોમાસાની સિઝનમાં પીકપ વિયારમાં ભરપૂર પાણી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા ન કરવામાં આવતાં આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું કહી શકાય. બી ડિવિઝન પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ખેડા જિલ્લામાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ
ખેડા જિલ્લામાં વાત્રક નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સતત પાણીની આવકને કારણે વાત્રક ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવતાં નદી કાંઠે પાણી છલકાઈ રહ્યું છે. હાલ ડેમમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે નદીનું જળસ્તર વધતા પહાડ ગામ પાસે જોખમી પરિસ્થિતિ ઉભી થઈ છે.
લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્રએ નદી કાંઠાના ગામોના નાગરિકોને નદીની આજુબાજુ ન જવાની સૂચના આપી છે. પૂર જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકો જીવના જોખમે નદીમાં માછીમારી કરતા જોવા મળ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
-
અમદાવાદમાં ઝુંડાલ સર્કલ નજીક ત્રિપલ અકસ્માત
અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો. આઇસર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કારચાલકને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જણાવી દઈએ કે, હાલમાં પોલીસે ઘટનાસ્થળે આગળની તપાસ હાથ ધરી છે.
-
-
જામનગર નાધેડી નજીક આવેલા લહેર તળાવમાં ડૂબવાથી પિતા પુત્રનુ મોત
જામનગર નાધેડી નજીક આવેલા લહેર તળાવના પાછલા ભાગે બે લોકોના ડુબી જવાથી મૃત્યુ થયા છે. ડૂબેલા બન્ને પિતા પુત્ર હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાયું છે. 7 વર્ષના બાળકના અને તેના પિતા પાણીમા ડુબી જવાથી મૃત્યુ થયુ છે.
-
ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરનાર સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ રાયપુરમાં FIR
ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ છત્તીસગઢના રાયપુરમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા મોઇત્રાએ કહ્યું હતું કે, જો અમિત શાહ બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ જાય છે, તો સૌ પ્રથમ તમારે તેમનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ.
-
વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસે યોજી જાહેરસભા, ગાંધી-સરદારનું ગુજરાત વોટ ચોરના કારણે બદનામ થયાનો કરાયો આક્ષેપ
વોટ ચોરી મામલે ગુજરાત કોંગ્રેસ આક્રમક બનીને અમદાવાદમાં જાહેરસભા યોજી હતી. નવસારી લોકસભા વિસ્તારમાં વોટ ચોરીના આક્ષેપો બાદ અમદાવાદમાં જાહેરસભા યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી સામે મતદાર અધિકાર જનસભા યોજી હતી. આ જાહેરસભામાં અમિત ચાવડા, મુકુલ વાસનિક, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરે કહ્યું કે, ગુજરાત ગાંધી અને સરદારના નામે પ્રખ્યાત હતું. ગાંધી-સરદારનું ગુજરાત વોટ ચોરના કારણે બદનામ થયું છે. જ્ઞાનેશકુમારનું નામ અજ્ઞાનેશકુમાર છે જે ચૂંટણીપંચના વડા છે. નિર્મલા સીતારમનના પતિ પણ કહે છે કે વોટ ચોરી ના થઈ હોત તો કોંગ્રેસ દેશ ઉપર રાજ કરતી હોત. પૂર્વ ચૂંટણી અધિકારીએ નિવેદન આપ્યું છે કે ભાજપ 140 બેઠક ઉપર સમેટાઈ જાત જો વોટચોંરી ના થઈ હોત તો.
વોટર અધિકાર જનસભામાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી બાદ અમિત ચાવડાએ વોટ ચોરી પકડી પાડી છે. સી આર પાટીલની બેઠક પર વોટ ચોરી પકડવામાં આવી છે. સી આર પાટીલને ચેલેન્જ છે કે તમારે જે ડંડો ચલાવવો હોય એ ચલાવો અમે તૈયાર છીએ. ઓલિમ્પિકના તાયફાઓ માટે એક લાખ લોકોના ઘર ના તોડી શકાય. જો એ ઘરો તોડવા તૈયાર હોય તો અમે ઘર બચાવવા તૈયાર છીએ.
-
ધોધમાર વરસાદથી પંચમહાલના શહેરામાં ખોજલવાસા ગામના બારીયા ફળિયામાં મકાન ધરાશાયી, 1નુ મોત
પંચમહાલના શહેરામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને કારણે કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે. શહેરા તાલુકાના ખોજલવાસા ગામના બારીયા ફળિયામાં મકાન ધરાશાયી થયું હતુ. રાત્રી દરમિયાન મહિલા મકાનમાં સુઈ રહ્યા હતા તે સમય દરમિયાન ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલી મહિલાનું દબાઈ જતા મોત થયું હતું. ખોજલવાસા ગામની 42 વર્ષીય કૈલાશબેન મહેશભાઈ બારીયાનુ કાચુ મકાન ધરાસાઈ થવાથી દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા થયું મોત. ઘટનાને લઈ સરપંચ અને તલાટી સહિતનાઓને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી.
-
નિરાશ થયા વગર ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખીશુંઃ ગોપાલ ઈટાલિયા
વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા આજે ખોડલઘામ પહોચીને મા ખોડલના દર્શન કર્યાં હતા. આ સમયે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, અમે ગુજરાત માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ, તે માર્ગ પરથી ક્યારેય પાછા ન પડીએ અને નિરાશ થયા વગર ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ સાથે ખેડૂતો, રત્ન કલાકારો, પશુ પાલકોનું જીવન સુખમય બને તેવા આશીર્વાદ માગ્યા છે.
-
પાનમ ડેમના 8 ગેટ 15 ફૂટ ખોલી 1,70,000 ક્યુસેક પાણી નદીમા છોડાયું
મહીસાગરના પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી બે કાંઠે થવા પામી છે. ઉપરવાસમાં સતત થઈ રહેલી આવકના પગલે પાનમ ડેમના 8 ગેટ 15 ફૂટ ખોલવામાં આવ્યા છે. પાનમ ડેમના 8 ગેટ ખોલી 1,70,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. પાનમ નદીમાં નવા નીર આવતા લુણાવાડા નગર વાસીઓ પાનમ નદી બે કાંઠે જોવા ઉમટ્યા હતા. પાનમ નદીમાં નવા નીર આવતા નગરવાસીઓએ નવા નીરના વધામણા કર્યા હતા. પાનમ નદી લુણાવાડા નગરમાં પીવાનું પાણી પૂરતું પડતી નદી છે જે લુણાવાડા માટે જીવાદોરી સમાન છે.
-
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં બે આતંકવાદી હથિયારો સાથે ઝડપાયા
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂંછ પોલીસે મંડી વિસ્તારમાંથી તારિક અને રિયાઝ નામના બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી એકે શ્રેણીની રાઇફલો પણ જપ્ત કરવામાં આવી છે. પૂંછ પોલીસ બંનેની સઘન પૂછપરછ કરી રહી છે.
-
વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેકનારા 3 અજમેરથી ઝડપાયા
વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનાને લઈને વધુ ત્રણ આરોપીઓને અજમેર પોલીસે ઝડપી પાડ્યા છે. માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાનથી મળતા ઝડપાયા છે. ત્રણનું લોકેશન અજમેર દરગાહ પાસેનું હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેયને લાવવા માટે વડોદરા પોલીસની ટીમ અજમેર ખાતે રવાના થઈ છે. માફિયા ગેંગના એડમીન જુનેદ, સમીર અને અનસને પકડી પાડવામાં આવ્યા છે.
-
સુરતના સંવેદનશીલ વિસ્તારમાં કાફલા સાથે ફ્લેગમાર્ચ કરતા પોલીસ કમિશનર
આગામી ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાતે મુલાકાત લીધી હતી. શહેર sog, ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ત્રણ અલગ અલગ ટીમો સાથે ફ્લેગ માર્ચ કરી હતી. રેપિડ એકશન ફોર્સ અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ સહિત અઠવા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. પોલીસના પાંચસો માણસો સાથે.પોલીસ કમિશ્નરે જાતે પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કર્યું. અલગ અલગ ગણેશ પંડાલોમાં ભગવાન ગણેશની આરતી પણ કરી હતી.
-
ડભોઇના દેવ ડેમના દરવાજા ખોલાતા ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ
વડોદરાના ડભોઇના ઉપરવાસમાં વરસેલા વરસાદથી દેવ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈની ઢાઢર નદી બે કાંઠે થઈ છે. ડભોઈ તાલુકાના સાત ગામોને હાઈ એલર્ટ કરાયા છે. અનેક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઇ તાલુકાના અંગુઠણ, રાજલી, બનૈયા, નવાપુરા, ભીલાપુર, પુડા વસાહત ગામોમાંના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી જતા અવર-જવર બંધ કરાઈ છે. ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર થયા છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો ડભોઇ સાથેનો માર્ગ સંપર્ક ખોરવાયો છે.
-
સરદાર સરોવરના 5 ગેટ કરાયા બંધ, 10 દરવાજા મારફતે નર્મદા નદીમા છોડાઈ રહ્યું છે 1,45,353 ક્યુસેક પાણી
ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના નર્મદાનદીકાંઠા વિસ્તારના ગામોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક 2,28,827 ક્યુસેક થઈ રહી છે. જેની સામે નર્મદા નદીમાં 1,45,353 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.87 મીટર છે. નર્મદા ડેમની ગત રોજ કરતા જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના 15 ગેટમાંથી 5 ગેટ બંધ કરીને 10 દરવાજામાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
-
રાજકોટ-આટકોટ રોડ બિસ્માર, સરધાર ગામે ગ્રામ્યજનો-કોંગ્રેસે કર્યો ચક્કાજામ, રોડ બની બને તો ભાનુબેન અને રૂપાલાના ઘરનો ઘેરાવની કોંગ્રેસે ઉચ્ચારી ચિમકી
રાજકોટના સરદાર ગામે ખરાબ રોડ રસ્તાને લઈને ગ્રામજનો અને કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ દરમિયાન કોંગ્રેસ ભાજપના આગેવાનો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લગાડી વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ભાનુબેન અને પરસોતમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરાશે
રાજકોટથી આટકોટ સુધી રોડ ખૂબ જ બિસમાર છે. કોંગ્રેસના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, દસ દિવસમાં રોડનું કામ નહીં થાય તો ભાનુબેન અને પરસોતમ રૂપાલાના ઘરનો ઘેરાવ કરવામાં આવશે. ભાજપના અગ્રણી ચેતન પાણે કહ્યું વરસાદના કારણે રોડ રસ્તાનું કામ થઈ શક્યું નથી. રાજકોટ થી સરધારની હદ સુધી 27 કરોડના ખર્ચે રોડનું કામ મંજૂર થયું છે.ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા. રોડ રસ્તાને લઈને ફરી રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું.
-
દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ટેકઓફ બાદ તરત જ ઇમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2913 એ ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો હતો. જેના પગલે એન્જિન બંધ કરવામાં આવ્યું અને વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પાછું લાવવામાં આવ્યું. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને મુસાફરોને વૈકલ્પિક વિમાન દ્વારા ઇન્દોર મોકલવામાં આવી રહ્યા છે.
-
વાત્રક ડેમ થયો છલોછલ, 2 દરવાજા 3 ફૂટ ખોલાયા
અરવલ્લી જિલ્લામાં આવેલ વાત્રક ડેમ છલોછલ થયો છે. વાત્રક ડેમમાં 12,600 ક્યુસક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રકડેમ તેની મહત્તમ જળ સપાટીએ પહોંચ્યો છે. રુલ લેવલ જાળવવા વાત્રક નદીમાં 12600 ક્યુસેક પાણી છોડાયું છે. વાત્રક ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની જળ સપાટી 135 .97 મીટર છે. વાત્રક ડેમમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે.
-
વલસાડના કપરાડાના ગિરનાર ગામ નજીક ભારે વરસાદને કારણે રસ્તાનુ થયું ધોવાણ
ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર રસ્તો ધસ્યો. વલસાડના કપરાડાના ગિરનાર ગામથી મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો ધસ્યો છે. ભારે વરસાદ પડવાને કારણે રસ્તો ધસ્યો. રસ્તો ધસી પડતા સ્થાનિકો દ્વારા સલામતી અર્થે વાહનવ્યવહાર બંધ કરાવી દીધો છે. રસ્તાની બાજુની દીવાલ ધસી પડ્યા બાદ રસ્તો પણ ધસી પડતા માર્ગ પર મોટી તિરાડો પડી છે.
-
પંચમહાલ : શહેરામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડી રાત્રે બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. મોરવા અને હડફ તાલુકામાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
-
અમદાવાદ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પર પોલીસનો સપાટો
અમદાવાદમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પર પોલીસનો સપાટો બોલાવ્યો છે. ઝોન-6ની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. વટવા, ઇસનપુર, મણિનગગર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 215 જેટલા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. લૂંટ, મારામારી, ચોરી જેવા ગુનાઓ આચરતા આરોપીઓના ઘરે સર્ચ હાથ ધર્યું. અનેક આરોપીઓના ઘરેથી હથિયારો મળી આવ્યા છે. પોલીસે અલગ અલગ ફરિયાદો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
-
મહીસાગર : નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા
મહીસાગરના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે. કરોડોના કૌભાંડમાં 12 મુખ્ય આરોપીઓ પૈકી વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. લુણાવાડા વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મિકેનિકલ અલ્પેશ પરમાર ઝડપાયો છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશને સાઠંબા ખાતેથી ઝડપ્યો છે. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અલ્પેશ પરમારની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કૌભાંડમાં અત્યાર સુધી 7 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. સીઆઈડી ક્રાઈમની કાર્યવાહીથી મોટાભાગના કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતર્યા.
-
વડોદરા: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં એલર્ટ
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ડભોઈ તાલુકાના અનેક ગામોને સતર્ક કરાયા છે. ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા સહિતના ગામોમાં એલર્ટ અપાયું છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108માંથી 78 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. કરનાળી ઘાટના પણ 110માંથી 80 પગથિયા પાણીમાં ડૂબ્યા છે. સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા વહીવટી તંત્રની સૂચના આપી છે.
-
આગામી 3 કલાક ગુજરાતના આ 4 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી ત્રણ કલાક માટે રાજ્યના ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. જેમાં સુરેન્દ્રનગર, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સમગ્ર રાજ્યમાં આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસકામોનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસકામોનું લોકાર્પણ કરશે. ગોતા, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. ઘાટલોડિયા, રાણીપ અને નવા વાડજ ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરશે. લાલદરવાજા ખાતે ભદ્રકાળી માના દર્શન અમિત શાહ કરશે. અમિત શાહ ગાંધીનગરમાં ‘જનરક્ષક પ્રોજેક્ટ’ નું લોકાર્પણ કરશે.
-
ટ્રમ્પના ટેરિફ ટેરર વચ્ચે ચીનમાં આજથી SCO સમિટનું આયોજન
ટ્રમ્પના ટેરિફ ટેરર વચ્ચે ચીનમાં આજથી SCO સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થનારી SCO સમિટ પહેલી સપ્ટેમ્બર સુધી ચાલશે.જેમાં PM મોદી સહિત 20થી વધુ દેશના નેતાઓ SCO સમિટમાં ભાગ લેશે. ગઇકાલે ચીનમાં PM નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. SCO સમિટ ઉપરાંત PM મોદીની મહાનુભવો સાથે મહત્વની મુલાકાત કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતના કાર્યક્રમ પર પણ ચર્ચા થશે. ટ્રમ્પના ટેરિફ ટેરર વચ્ચે મહાનુભવોની મુલાકાત પર વિશ્વભરની નજર છે.
Published On - Aug 31,2025 6:59 AM