29 જુલાઈના મહત્વના સમાચાર : ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં દરોડા પાડી નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો
આજે 29 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 29 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દરોડા પાડી નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડુપ્લીકેટ સ્પુરિયસ એલોપેથીક દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજ્યની ડ્રગ વિભાગની ટીમ દ્વારા અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં સ્પુરિયસ દવાઓ વેચતા ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સી ઉપર દરોડા પાડ્યા હતા. ડ્રગ વિભાગે દરોડા દરમિયાન 17 લાખ રૂપિયાની કિમતનો દવાઓનો જથ્થો ઝડપી લીધો છે. ડ્રગ વિભાગે 20 જેટલી દવાઓના નમૂનાઓ લઈ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
-
પાકિસ્તાન પણ જાણી લે, આતંકની નર્સરીમાં જ આતંકવાદને માટીમાં મેળવી દેવાશેઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, ભારત આતંકની નર્સરીમાં જ મિટ્ટીમાં મેળવી દેવાશે. ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું ચાલુ છે. પાકિસ્તાન માટે નોટિસ છે. જ્યા સુધી ભારત વિરુદ્ધ પગલાને રોકશે નહીં ત્યા સુધી ભારત હુમલા કરશે.
-
-
કોંગ્રેસના એક પરિવારને કારણે પાકિસ્તાનને ક્લિનચીટ ના આપોઃ મોદી
દલહિતમાં મન મળે કે ના મળે, દેશહિતમાં મન મળવા જરૂરી છે તેમ કહીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ડંકાની ચોટ પર આપણી વાત, પક્ષ દુનિયા સામે મૂક્યો. પરંતુ કોંગ્રેસના મોટા નેતાના પેટમાં દર્દ થઈ રહ્યું છે. દુનિયા સમક્ષ ભારતનો પક્ષ કેમ રચાયો. કેટલાક કોંગ્રેસના નેતાઓને ગૃહમાં બોલવા પર પ્રતિબંધ મુકાયો છે. કોંગ્રેસના મિત્રોને મારી વિનતી છે કે, એક પરિવારને કારણે પાકિસ્તાનને ક્લિન ચીટ ના આપે.
-
કોંગ્રેસની તૃષ્ટીકરણની- વોટબેંકની રાજનીતિને કારણે ભારતમાં આતંકવાદ પ્રસર્યો
2014 પહેલા દેશમાં અસુરક્ષિતતાનો માહોલ હતો. લોકો યાદ કરીને થથરી જાય છે. દરેક જગ્યાએ માઈકમાં એનાઉસમેન્ટ થતુ હતું. બિનવારસી વસ્તુઓને અડવી નહીં, પોલીસને જાણ કરવી. કોંગ્રેસની કમજોર સરકારને કારણે અનેકને જીવ ગુમાવવા પડ્યાં. આતંકવાદ પર નિયંત્રણ લઈ શકાત. અમારી સરકારે 11 વર્ષમાં કરી બતાવ્યું. 2004-2014 સુધીના સમયગાળામાં આતંકી ઘટનાઓમાં ઘટાડો થઈ શક્યો છે. જો અમારી સરકાર આતંકવાદને નિયંત્રણમાં લઈ શકે તો કોંગ્રેસે કેમ ના કરી શકી. કોંગ્રેસની તૃષ્ટીકરણની- વોટબેંકની રાજનીતિને કારણે આતંકવાદ પ્રસર્યો, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું હતું.
-
અમારી સરકારે નહેરુએ કરેલ ભૂલો સુધારી છે, લોહી અને પાણી સાથે સાથે નહીં વહી શકે
સિંધુ જળ સંધિમાં નહેરુ પાસે પાકિસ્તાને લખાવી લીધુ કે, પાકિસ્તાનની મરજી વિના ભારત જળાશયમાં કોઈ સફાઈ પણ નહીં કરી શકે. પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ અને છદ્મ યુદ્ધ કરતુ રહ્યું. ભારતે નહેરુએ કરેલ ભૂલ સુધારી નહીં. પરંતુ હવે નહેરુની ભૂલને સુધારીને નવા નિર્ણયો કર્યા છે. હવે લોહી અને પાણી સાથે સાથે નહીં વહી શકે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું હતું.
-
-
ભારતની એર ડિફેન્સ સિસ્ટમે, પાકિસ્તાનની મિસાઈલ અને ડ્રોનને તણખલાની માફક વિખેરી નાખ્યાં
લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણી એર ડિફેન્સ સિસ્ટમની દુનિયામાં ચર્ચા છે. પાકિસ્તાનની મિસાઈલ અને ડ્રોનને તણખલાની માફક વિખેરી નાખ્યા. 9 મેના રોજ પાકિસ્તાને આશરે 1000 મિસાઈલ આર્મથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ મિસાઈલ ભારતના કોઈ પણ જગ્યાએ પડતી તો ત્યાં વિનાશ સર્જી શકત. પરંતુ ભારતે આસમાનમાં જ તોડી પાડ્યા. પરંતુ કોંગ્રેસના લોકો રાહ જોઈ રહ્યાં હતા. ક્યાક તો ગરબડ થશે. મોદી ફસાશે.
-
નિવેદન બહાદુર નેતાઓ પર દેશ આખો હસી રહ્યો છેઃ પીએમ મોદી
આતંકવાદીઓ રોઈ રહ્યાં છે તેમના આકાઓ પણ રોઈ રહ્યાં છે આ બંન્નેને રડતા જોઈને કેટલાક લોકો અહીંયા પણ રોઈ રહ્યાં છે. ઓપરેશન સિંદૂર પર સવાલ કરનારા વિપક્ષને મોદીએ નિવેદન બહાદુર તરીકે ઓળખાવતા કહ્યું કે તમારા પર આખો દેશ હસી રહ્યો છે.
-
9મી મેના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે પાકિસ્તાન મોટો હુમલો કરવાની તૈયાર કરી રહ્યું છે
9 તારીખે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનો ફોન હતો, હુ સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચામાં હતો. પછી ફોન કરીને તેમની સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે પાકિસ્તાન મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. મારો જવાબ હતો કે પાકિસ્તાનનો આ ઈરાદો હશે તો અમે મોટો હુમલો કરીને જવાબ આપીશુ. અમે ગોળીનો જવાબ ગોળાથી આપીશુ તેમ પણ કહ્યું હતું. ઓપરેશન સિંદૂર યથાવત છે. પાકિસ્તાનને દુસાહસની કલ્પના કરી તો આકરો જવાબ અપીશું
-
દુનિયાના કોઈ નેતાએ ઓપરેશનને રોકવા નથી કહ્યુંઃ પીએમ મોદી
બસ કરો. બહુ માર્યા, હવે હુમલા સહન કરવાની શક્તિ નથી. યુદ્ધ રોકી દો. આ શબ્દો હતા પાકિસ્તાનના ડીજીએમઓના. ભારતે પહેલા જ દિવસે કહ્યું કે, ભારતે તેના લક્ષ્ય સિધ્ધ કરી લીધા છે. ભારતની સ્પષ્ટ નીતિ હતી કે આતંકના આકા, તેના ઠેકાણાઓ આપણા લક્ષ્ય છે. દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન રોકવા માટે નથી કહ્યું.
-
ભારતે મિસાઈલ હુમલા કરીને પાકિસ્તાનને ઘુંટણીએ પડવા મજબૂર કર્યુઃ નરેન્દ્ર મોદી
પાકિસ્તાન આતંકીઓની સાથે રહ્યું અને આપણે તેનો પણ જવાબ આપ્યો. આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા તેના બદલા સ્વરૂપ પાકિસ્તાને આપણા પર હુમલો કર્યો જેને નિષ્ફળ બનાવ્યો પરંતુ સદીઓ સુધી યાદ રાખે તેવા મિસાઈલ હુમલા કરીને ઘુંટણીએ આવવા પાકિસ્તાનને મજબૂર કર્યાં.
-
ભારતે આતંકવાદની નાભીમાં વાર કર્યો છેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકસભામાં હાથ ધરાયેલ પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે, ભારતે આતંકવાદની નાભીમાં વાર કર્યો છે. ભારતના હુમલા અંગે સવારે કરેલ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે, ભારતના નિશાને હતા આતંકીઓ, આતંકના અડ્ડાઓ, આતંકને પ્રોત્સાહન આપનારાઓ. ભારતની સેનાએ, પાકિસ્તાનની સૈન્યને ગણતરીની મિનીટોમાં જ બતાવી દિધુ કે, આ અમારુ લક્ષ્ય હતું અને તેનો નાશ કર્યો છે.
-
કોંગ્રેસને ભારતના સામર્થ્ય પર અને ભારતના સૈન્ય પર ભરોષો નથી- પીએમ મોદી
પહેલગામના ભોગ બનેલાઓમાં કોંગ્રેસ રાજનીતિ શોધી રહી હતી. દેશના સૈન્યની શક્તિને બિરદાવી નહોતી. ભારતના સામર્થ્ય પર અને ભારતના સૈન્ય પર ભરોષો નથી તેથી સવાલ ઉઠાવી રહ્યાં છે. તેમ વડાપ્રધાને કહ્યું. મીડિયામાં હેડલાઈન બનાવી શકે છે પણ દેશવાસીઓના દિલમાં જગ્યા નહીં બનાવી શકે.
-
આતંકના આકાઓ અને આતંકને પ્રોત્સાહન આપતી સરકારને અલગ અલગ નહીં
આતંકના આકાઓ અને આતંકને પ્રોત્સાહન આપતી સરકારને અલગ અલગ નહીં જોઈએ. ભારત હવે ક્યારેય પણ ન્યુક્લિયર બ્લેકમેલને તાબે નહીં થાય, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું હતું.
-
જેમને ભારતનો પક્ષ દેખાતો નથી, તેમને હું અરીસો બતાવવા ઉભો છું – પીએમ મોદી
ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, આ ભારતનો મહિમા ગાવાનું સત્ર છે. હું ભારતનો પક્ષ રજૂ કરવા ઉભો છું. જેમને ભારતનો પક્ષ દેખાતો નથી, હું તેમને અરીસો બતાવવા ઉભો છું. દેશના લોકો મારા ઋણી છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં એક ક્રૂર ઘટના બની હતી. આતંકવાદી હુમલો ક્રૂરતાની ચરમસીમા હતો. નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી હતી. મેં કહ્યું હતું કે અમે આતંકવાદીઓનો નાશ કરીશું. મેં કહ્યું હતું કે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. ભારતમાં રમખાણો ફેલાવવાનું કાવતરું હતું. દેશે એકતાથી કાવતરું નિષ્ફળ બનાવ્યું.
-
ભારતે પાકિસ્તાનના ખૂણે ખૂણે આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા
લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, ભારતે જે નક્કી ક્યું હતુ તે કર્યું પાકિસ્તાન કશુ ના કરી શક્યું. 22 એપ્રિલનો બદલો મે મહિનામાં 6-7 તારીખે સેનાએ લીધો. પાકિસ્તાન સામે આપણે ઘણા યુદ્ધ કર્યા. આ પહેલીવાર છે કે પહેલા જ્યાં નથી ગયા ત્યાં પહોચ્યા. પાકિસ્તાનના ખૂણે ખૂણે આતંકી અડ્ડાઓમાં ધુમાડાઓ કર્યા. તેમને સ્વપ્ને પણ વિચાર નહી આવ્યો હોય કે ભારત અહીં સુધી ત્રાટકશે.
-
ભારતના પ્રતિશોધ સ્વરૂપ આતંકી હુમલાનો અપાયેલ જવાબથી આતંકીના આકાઓની ઊંધ હરામ થઈ ગઈ
લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ભારતે જે રીતે જવાબ આપ્યો છે તેનાથી આતંકના આકાઓની ઊંધ હરામ થઈ ગઈ છે.
-
આતંકવાદને આકરો જવાબ આપવો એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે – મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકસભામાં પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે કે, આતંકવાદને કરારો જવાબ આપવો એ અમારો રાષ્ટ્રીય સંકલ્પ છે.
-
પહેલગામ હુમલા બાદ એકપણ દેશે પાકિસ્તાનની નહીં, પરંતુ આતંકવાદની ટીકા કરી છે – રાહુલ ગાંધી
વિશ્વના કોઈ દેશે પાકિસ્તાનની ટીકા નથી કરી, બધાએ આતંકવાદની ઘટનાની આલોચના કરી છે. આતંકવાદની ટીકા કરી છે, તેમ લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું. પાકિસ્તાનના સૈન્યના વડા મુનીરને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે પાસે બેસાડીને ભોજન કરાવ્યું.
-
યુદ્ધ વિરામ ડોનાલ્ડ ટ્રમ્પે ના કરાવ્યું હોય તો પીએમ મોદી સંસદમાં કહે કે ટ્રમ્પ જુઠ્ઠા છે, ખોટુ બોલે છે
લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે 29 વાર કહ્યું છે કે, મે યુદ્ધ વિરામ કરાવ્યું. જો તેમણે ના કરાવ્યું હોય તો પીએમ મોદી આ ગૃહમાં કહે કે, ટ્રમ્પ જુઠ્ઠુ બોલે છે. ડોનાલ્ડ ટ્રમ્પ લાયર છે. ઈન્દિરા ગાંધીએ ગૃહમાં કહ્યું હતું.
-
ઈચ્છીત પરિણામ માટે સૈન્યને છુટોદોર આપવો જરૂરીઃ રાહુલ ગાંધી
લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં બાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજનૈતિક કાર્ય કરવા અંગે દેશભરમાં ભ્રમણ કરતા હોઈએ છીએ. જયારે પણ ફોર્સની વ્યક્તિ સાથે હાથ મિલાવીએ ત્યારે ખબર પડે કે આ ટાઈગર છે. એને હલાવી નહી શકાય દેશ માટે લડવા મરવા માટે તૈયાર રહે છે. ટાઈગરને આઝાદી આપવી પડે છે. બાંધી ના શકાય. તેની પાસેથી કામ લેવામાં પુરી છુટ આપવી પડે. પોલીટીકલ વિલ અને ફ્રિડમ આપવું જોઈએ. 1971માં અરબી સમુદ્રમાં અમેરિકાનુ નૌકાદળ આવી રહ્યું હતું. પરંતુ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું તમે કરો અમે તમારી સાથે છીએ.
-
પહેલગામમાં પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યોઃ રાહુલ ગાંધી
લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં બાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ એક દુખદ ઘટના વિષયે બોલવાનું થયું છે. પાકિસ્તાનના આતંકીઓએ હુમલો કર્યો છે. સંસદમાં બેઠેલા તમામે તમામ લોકોએ પાકિસ્તાનના આ કૃત્યને વખોડી કાઢ્યું છે. ચૂંટાયેલ ભારત સરકારની પડખે તમામ દળ ઊભા રહ્યાં.
-
ટ્રમ્પના નિવેદન પર પીએમ મોદી કેમ ચૂપ છે – ખડગે
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલા ઘર્ષણ પછી પીએમ મોદીએ ચીનને ક્લીનચીટ આપી દીધી. તેમણે કહ્યું કે ટ્રમ્પના નિવેદન પર પીએમ મોદી કેમ ચૂપ છે ? સીડીએસ અનિલ ચૌહાણે જેટ પડી ગયું તે હકીકત સ્વીકારી. યુદ્ધવિરામ પછી, આઇએમએફે પાકિસ્તાનને મદદ કરી. વિશ્વ બેંકે પણ પાકિસ્તાનને મદદ કરવાની વાત કરી. ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને રાત્રિભોજન માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું. સરકારે બધી માહિતી સંસદ સમક્ષ મૂકવી જોઈએ. પહેલગામ હુમલાનો તપાસ રિપોર્ટ તૈયાર થવો જોઈએ.
-
2008માં મુંબઈ હુમલાના બધા આતંકવાદીઓને ઠાર મરાયા હતા, જીવતા પકડાયેલા એકને ફાંસી આપી હતી – પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, 2008 માં મુંબઈ હુમલા પછી, બધા આતંકવાદીઓને ત્યાં જ ઠાર મારવામાં આવ્યા હતા. એકને જીવતો પકડ્યો હતો અને તેને પણ ફાંસી આપવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરનો શ્રેય લે છે. તેઓ ઓલિમ્પિકમાં જીતનાર ખેલાડીઓના મેડલનો શ્રેય પણ લે છે, પરંતુ જવાબદારી લેતા નથી. યુદ્ધ વિરામની જાહેરાત પણ અમેરિકાના રાષ્ટ્રપતિ કરે છે તે શરમજનક વાત છે.
-
હું દેશના સૈનિકોને સલામ કરું છું – પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘હું તે બધા સૈનિકોને સલામ કરવા માંગુ છું જેઓ આપણા દેશના રણ, ગાઢ જંગલો, બરફીલા પર્વતોમાં આપણા દેશનું રક્ષણ કરે છે. જે દરેક ક્ષણે દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. 1948 થી અત્યાર સુધી, જ્યારે પાકિસ્તાન દ્વારા કાશ્મીર પર હુમલો કરવામાં આવ્યો હતો – ત્યારે આપણા સૈનિકોએ આપણા દેશની અખંડિતતાના રક્ષણમાં ઘણું યોગદાન આપ્યું છે.’
-
પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે પહેલગામ હુમલો કેવી રીતે થયો?
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર બોલી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે સંરક્ષણ મંત્રીએ લાંબુ ભાષણ આપ્યું છે, પરંતુ એક વાત મને પરેશાન કરે છે કે તેમણે પહેલગામ હુમલો કેવી રીતે થયો તે જણાવ્યું નથી. એક પછી એક 26 લોકો માર્યા ગયા.
-
પહેલગામના આતંકવાદીઓને તટસ્થ કરવામાં આવ્યા… રાજનાથ સિંહે રાજ્યસભામાં કહ્યું
ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં બોલતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, ‘ગઈકાલે જમ્મુ અને કાશ્મીરમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને તટસ્થ કરવા બદલ હું આ ગૃહ દ્વારા ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોને અભિનંદન આપું છું. આ એ જ ટીઆરએફ છે જેના આતંકવાદીઓએ 22 એપ્રિલે પહેલગામ વિસ્તારમાં 26 નિર્દોષ અને હાનિકારક લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી.’
-
પહેલગામમાં બચાવવા માટે કોઈ કેમ નહોતું? અખિલેશે સંસદમાં પૂછ્યું
ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલતા, સપા સાંસદ અખિલેશ યાદવે કહ્યું, ‘સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી કોણ લેશે? પહેલગામમાં બચાવવા માટે કોઈ કેમ નહોતું? જે સરકાર દાવો કરે છે કે કલમ 370 રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં કોઈ આતંકવાદી ઘટના નહીં બને.’
-
આપણે પાકિસ્તાનને પાઠ ભણાવી શક્યા હોત: અખિલેશ
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેતા અખિલેશ યાદવે કહ્યું કે ભારતીય સેનાની ગણતરી વિશ્વની બહાદુર સેનાઓમાં થાય છે. અમને સેનાની અદમ્ય તાકાત પર ગર્વ છે. જ્યારે સેનાએ તેનું ઓપરેશન શરૂ કર્યું, ત્યારે તેણે માત્ર પાકિસ્તાની લક્ષ્યોને નિશાન બનાવ્યા અને તેનો નાશ કર્યો જ નહીં, પરંતુ તેના વાયુમાર્ગો સુધી પણ પહોંચ્યું. તેમણે એમ પણ કહ્યું કે આપણે પાકિસ્તાનને પાઠ ભણાવી શક્યા હોત.
-
કાશ્મીરમાં હવે લોકો આતંકવાદી નથી બનતા – અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું, ‘અમારા સમયમાં જે પણ આતંકવાદી ઘટનાઓ બની, તે પાકિસ્તાન પ્રેરિત અને કાશ્મીર કેન્દ્રિત હતી, 2014 થી 2025 દરમિયાન દેશના અન્ય ભાગોમાં એક પણ આતંકવાદી ઘટના બની નથી. આ નરેન્દ્ર મોદી સરકાર છે. આજે કાશ્મીરમાં પરિસ્થિતિ એવી છે કે તેમને પાકિસ્તાનથી આતંકવાદીઓ મોકલવા પડે છે, હવે આપણા લોકો કાશ્મીરમાં આતંકવાદી નથી બનતા.’
-
1971માં, તેઓ પીઓકે માંગવાનું ભૂલી ગયા – અમિત શાહ
તેમણે કહ્યું કે 1971માં, આખા દેશે ઇન્દિરાજીને ટેકો આપ્યો હતો. તેમણે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું, તે ભારત માટે એક મોટી જીત હતી, આખું ભારત આનો ગર્વ કરે છે, અમને પણ છે. તે સમયે, અમારી પાસે ૯૩ હજાર યુદ્ધ કેદીઓ હતા અને ૧૫ હજાર ચોરસ કિલોમીટર જમીન અમારા નિયંત્રણમાં હતી. પરંતુ જ્યારે શિમલા કરાર પર હસ્તાક્ષર થયા, ત્યારે તેઓ પીઓકે માંગવાનું ભૂલી ગયા. તેમણે પીઓકે લીધું ન હતું, ઊલટું, તેમણે કબજે કરેલી 15 હજાર ચોરસ કિલોમીટર જમીન પરત કરી દીધી.
-
1948માં નેહરુએ એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી: શાહ
અમિત શાહે કહ્યું કે વિપક્ષ પૂછી રહ્યો છે કે આપણે યુદ્ધ કેમ ન લડ્યું, પરંતુ યુદ્ધના ઘણા પરિણામો છે અને આ સમજવા માટે, હું તમને કેટલાક ઐતિહાસિક સંદર્ભો જણાવું છું. 1948માં, કાશ્મીરમાં આપણી સેના મજબૂત હતી. સરદાર પટેલ સતત આગ્રહ રાખતા રહ્યા કે આપણે આગળ વધીએ, પરંતુ જવાહરલાલ નેહરુએ એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી. હું સંપૂર્ણ જવાબદારી સાથે કહેવા માંગુ છું કે પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર નેહરુનો વારસો છે. એટલું જ નહીં, સિંધુ જળ સંધિમાં નેહરુએ ભારતના 80% નદીના પાણી પાકિસ્તાનને સોંપી દીધા.
-
આતંકવાદનું મૂળ પાકિસ્તાન છે અને તે કોંગ્રેસની ભૂલ છે – અમિત શાહ
તેમણે કહ્યું કે ગઈકાલે અહીં ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. ગઈકાલે સંરક્ષણ મંત્રીએ ખૂબ જ બારીકાઈથી ઓપરેશન સિંદૂરની સફળતા, જરૂરિયાત, સુસંગતતા અને પરિણામો સમગ્ર દેશના લોકો સમક્ષ ગૃહમાં રજૂ કર્યા, પરંતુ તેઓએ (વિપક્ષે) હજુ પણ ઘણા પ્રશ્નો પૂછ્યા છે, હવે જ્યારે તેમણે પ્રશ્નો પૂછ્યા છે, તો મારે તેમના જવાબ આપવા પડશે અને તેમને સાંભળવા પડશે. વિપક્ષને આતંકવાદ પર બોલવાનો અધિકાર નથી. આતંકવાદનું મૂળ પાકિસ્તાન છે અને તે કોંગ્રેસની ભૂલ છે.
-
છ દાયકા જૂની સિંધુ જળ સંધિ રદ – અમિત શાહ
અમિત શાહે કહ્યું કે તેઓ જાણવા માટે ઉત્સુક છે કે 23 અને 30 એપ્રિલના રોજ યોજાયેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકોમાં શું થયું. હું તમને જણાવી દઈએ કે અમે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક ભૂલ સુધારી છે. અમે છ દાયકા જૂની સિંધુ જળ સંધિ રદ કરી. અમે અટારી લેન્ડ ટ્રાન્ઝિટ પોસ્ટ પણ તાત્કાલિક બંધ કરી દીધી. અમે સાર્ક વિઝા મુક્તિ યોજનામાંથી પોતાને પાછી ખેંચી લીધી અને તમામ પાકિસ્તાનીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો.
-
પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કરવામાં આવ્યો – અમિત શાહ
- પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કરવામાં આવ્યો.
- પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી બિનઅસરકારક સાબિત થઈ.
- પાકિસ્તાનના ટુકડા થઈ ગયા, જેના પછી તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો નહીં.
- ISI એ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો.
- પાકિસ્તાનના DGMO એ 10 મેના રોજ ફોન કર્યો.
-
ચિદમ્બરમના નિવેદનથી કોંગ્રેસના પાકિસ્તાન પ્રત્યેના પ્રેમનો પર્દાફાશ થયો – અમિત શાહ
અમિત શાહે કહ્યું કે પી ચિદમ્બરમ કહે છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેનો શું પુરાવો છે. આનો અર્થ એ થયો કે દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી આખી દુનિયાને ક્લીનચીટ આપી રહ્યા છે. ચિદમ્બરમના નિવેદનથી કોંગ્રેસના પાકિસ્તાન પ્રત્યેના પ્રેમનો પર્દાફાશ થયો છે.
-
આતંકીઓને મારવાની ખુશી નહીં, પરંતુ વિપક્ષના ચહેરા પર શાહી જોવા મળી રહી છે-અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલેશ યાદવને કહ્યું કે આતંકવાદીઓના ધર્મને જોઈને દુઃખી ન થાઓ. તેમણે વિપક્ષને કહ્યું કે આતંકવાદીઓને મારવામાં તમારા ચહેરા પર ખુશી દેખાવાન બદલે ચહેરા પર શાહી જોવા મળી રહી છે.
-
22 મેથી આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા હતા – અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 22 મેના રોજ, IB ને હ્યુમન ઇન્ટેલ હતી. દાચીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળી હતી. આ માહિતીની પુષ્ટિ કરવા માટે મે થી 22 જુલાઈ સુધી સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. સેનાના જવાનો ઊંચાઈ પર સિગ્નલ મેળવવા માટે ફરતા રહ્યા. 22 જુલાઈના રોજ, સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થઈ. પોલીસ અને સેનાના જવાનોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા.
-
પહેલગામ આતંકવાદી ઘટનાને અંજામ આપનારાઓને મારી નાખવામાં આવ્યા : શાહ
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પહેલગામમાં નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા, તેમનો ધર્મ પૂછીને તેમના પરિવારોની સામે તેમને મારી નાખવામાં આવ્યા, આ હત્યાઓ ખૂબ જ બર્બરતાથી કરવામાં આવી હતી, હું આની સખત નિંદા કરું છું અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓપરેશન મહાદેવ 22 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. પહેલગામના ત્રણેય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. આતંકવાદીઓને પાકિસ્તાન ભાગી જવા દેવામાં આવ્યા ન હતા અને સંયુક્ત ઓપરેશનમાં, આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરનારાઓને મારી નાખવામાં આવ્યા છે.
-
પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા છે – અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર બોલી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા સૈનિકોએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.
-
સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો, નિકાસકારો માટે મોટા સમાચાર
સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો, નિકાસકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી મળી. હવે વેપારીઓ કે નિકાસકારોને માલસામાન માટે અમદાવાદ નહીં જવું પડે. રાજકોટ એન્જિનિયરિંગ ઓટો પાર્ટ્સ સહિતના ઉદ્યોગોને સીધો ફાયદો થશે.
-
UCC કમિટીની રચના મામલે સરકારને મોટી રાહત
UCC કમિટીની રચના મામલે સરકારને મોટી રાહત મળી છે. રાજ્ય સરકાર રચિત UCC કમિટીને કોર્ટે લીલી ઝંડી આપી. સુરતના અરજદાર દ્વારા આપવામાં પડકાર આવ્યો હતો. UCC કમિટી અને તેમના સભ્યો અંગે પડકાર આપવામાં આવ્યો હતો. અલ્પ સંખ્યક અને નિષ્ણાતો કમિટીમાં ન રાખ્યા હોવાનો આક્ષેપ હતો. કોર્ટે અરજદારની માગ ફગાવી અરજીનો નિકાલ કર્યો.
-
સુરત: પાંડેસરામાં ખાડી કિનારે કચરો નાખનાર સામે કાર્યવાહી
સુરત: પાંડેસરામાં ખાડી કિનારે કચરો નાખનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. SMCની ટીમે ખાડી કિનારે કચરો નાખતા લોકોને દંડ કર્યો. ઉધના ઝોનના સ્થાનિકો કચરો નાખતા હોવાનું સામે આવ્યું છે. અંધારાનો લાભ લઈ ટેમ્પામાં કચરો ઠાલવતા હોવાની SMCને જાણ થઈ. મનપાની ટીમે લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.
-
લોકસભામાં બીજા દિવસે પણ ઑપરેશન સિંદૂર પર ચર્ચા
લોકસભામાં બીજા દિવસે પણ ઑપરેશન સિંદૂર પર ચર્ચા થશે. ઑપરેશન સિંદૂર પર લોકસભામાં અમિત શાહ સંબોધન કરશે. ગૃહપ્રધાન અમિત શાહ વિપક્ષના સવાલોના જવાબ આપશે.
-
વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કયું એલર્ટ
વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કયું છે. 1 વાગ્યા સુધી રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. 19 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
-
છોટાઉદેપુરના સનાડા ગામે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં એકનું મોત
છોટાઉદેપુરઃ સનાડા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં એકનું મોત થયુ છે. સનાડા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થયુ છે. ગઈકાલે રાતે 10 વાગ્યા બાદ મકાન ધરાશાયી થયું હતુ, મકાનની અંદર પતિ-પત્ની સુતા હતા તે વખતે ઘટના બની. મકાનમાં સુતેલા પતિનું મોત થયું, પત્નીનો બચાવ થયો છે.
-
સુરતઃ ABVPની દાદાગીરી સામે પોલીસમાં અરજી
સુરતઃ ABVPની દાદાગીરી સામે પોલીસમાં અરજી થઇ છે. ABVPના 9 કાર્યકર્તા સામે પ્રિન્સિપાલે અરજી કરી. ABVPના કાર્યકરો પર MTB કોલેજના પ્રિન્સિપાલે આક્ષેપ કર્યો છે કે તેમના પર હુમલાનો પ્રયાસ થયો છે. ગોંઘી રાખી અને હુમલાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ છે.
-
હડકાયા શ્વાને 12થી 15 લોકોને બચકા ભર્યા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે, હડકાયા શ્વાને 12થી 15 જેટલા લોકોને બચકા ભર્યા છે, શ્વાનના કરડવાથી ઈજાગ્રસ્ત થયેલા લોકોએ કોડીનાર સરકારી હોસ્પિટલ રસી અને સારવાર લીધી છે તો..શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે.. હડકાયા શ્વાનને ગામથી દૂર ભગાડવા માટે ગામના યુવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
-
હિમાચલમાં ફરી વાદળ ફાટવાથી મંડીમાં બે લોકોના મોત
સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ મંડી વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું. ઘરો અને વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. પૂરને કારણે બે લોકોના મોત થયા. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંડીના જેલ રોડ પરથી વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.
#WATCH | Himachal Pradesh | Flood-like situation in various parts of Mandi following heavy rainfall in the city. pic.twitter.com/IGnc9qGQ0n
— ANI (@ANI) July 29, 2025
-
ઝારખંડ: દેવઘરમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 કાવડિયાઓના મોત
ઝારખંડના દેવઘરમાં મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં અત્યાર સુધીમાં 5 કાવડિયાઓના મોત થયા છે. આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાબા નગરી દેવઘરમાં બાબા બૈજનાથ ધામમાં જલાભિષેક કર્યા પછી, કાવડિયાઓથી ભરેલી બસ દુમકાના બાસુકીનાથ મંદિરમાં જલાભિષેક કરવા જઈ રહી હતી. આ દરમિયાન, મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જમુનિયામાં કાવડિયાઓથી ભરેલી બસ LPG સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ, ટક્કર એટલી જોરદાર હતી કે પાંચ કાવડિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા.
-
મહેસાણાઃ ધરોઈ ડેમમાં 83.89 ટકા પાણીનો જથ્થો થયો
મહેસાણાઃ ધરોઈ ડેમમાં 83.89 ટકા પાણીનો જથ્થો થયો. ધરોઈ ડેમની જળસપાટી પહોંચી 617.74 ફૂટ પર છે. ધરોઈ ડેમની કુલ જળસપાટી 622 ફૂટ છે. ડેમમાં હાલમાં 2292 ક્યુસેક પાણીની આવક છે.
-
અમદાવાદઃ એરપોર્ટ પરથી ઝડપાયો 8 કિલો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજો પકડાવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સની હેરાફેરીને લઈને એજન્સીઓ એલર્ટ થઈ છે. ત્યારે થાઈ એરવેઝની ફ્લાઈટમાં આવેલો યાત્રી 8 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો છે. ત્યારે એજન્સોએ ગાંજો જપ્ત કરી યાત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે બેંગકોકથી આવતા હાઈબ્રિડ ગાંજાની હેરાફેરીમાં મેં મહિનામાં ગુજરાત બીજા ક્રમે છે. ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાને ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લાવવા થાઈલેન્ડ સરકાર સાથે ચર્ચા કરી છે.
-
અમદાવાદઃ 2023માં જમાલપુરમાં યુવકની હત્યાનો કેસ
અમદાવાદઃ 2023માં જમાલપુરમાં યુવકની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવી 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. સામાન્ય બાબતે જાહેરમાં યુવકની હત્યા કરાઈ હતી. 5 મિત્રોએ મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
Published On - Jul 29,2025 7:32 AM