25 જાન્યુઆરીના મહત્વના સમાચાર :ઉત્તર ગુજરાતના રબારી સમાજનું 11 મુદ્દાનું નવું બંધારણ જાહેર, લગ્નમાં પ્રિવેડિંગ, ડીજે, હલ્દી અને મહેંદીની રસમ પર સંપૂર્ણ પ્રતિબંધ
Gujarat Live Updates આજ 25 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 25 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રખડતા ઢોરના ત્રાસ અને પાલતુ શ્વાનને લઈ તંત્ર હવે એક્શન મોડમાં
મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા અને વહીવટ લક્ષી પરિવર્તન કરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોરના ત્રાસ અને પાલતુ શ્વાનને લઈ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. હવે મનપા શહેરમાં પાલતુ શ્વાન અને પશુ રાખવાને લઈ ચોક્કસ નીતિ બનાવામાં જઈ રહ્યું છે. જો તમે પાલતું શ્વાન રાખો છો તો તેનું રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન ફરજિયાત કરાવું પડશે. સાથે પાલતુ પશુ રાખવા માટે સરકાર માન્ય વાડા છે કે કેમ અને તેમાં કેટલા પશુ રાખવાની ક્ષમતા છે, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. રાખવા પૂરતી જગ્યા હોવી ફરજિયાત કરવામાં આવી છે. જો નિયમો નહીં પળાય તો પશુઓને શહેર બહાર ખસેડવા પડશે.
-
સુરતમાં SIR મુદ્દે કોંગ્રેસે માંડ્યો મોરચો
સુરતમાં SIR મુદ્દે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. વિધાનસભાની લિંબાયત બેઠક વિસ્તારમાં 31 હજાર મતદારોના નામ કમી કરવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ છે. મતદારો હયાત હોવા છતાં ફોર્મ નંબર 7 ભરીને ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલે મુસ્લિમ મતદારો કમી કરાતા હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકોએ લેખિતમાં અરજી કરી હયાત મતદારોને મૃત ઘોષિત કરનારા ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માગણી કરી છે
-
-
જયરાજ આહિરને કરાયો જેલહવાલે
નવનીત બાલધિયા પર હુમલા કેસમાં શનિવારે SITએ જયરાજ આહીરને પૂછપરછ માટે બીજીવાર બોલાવ્યો હતો. ત્યારબાદ જયરાજ આહીરની ધરપકડ કરાઈ હતી.. SITની તપાસ દરમિયાન અન્ય આરોપીઓ તેમજ સાક્ષીઓની પૂછપરછ દરમિયાન જયરાજ આહીરની સંડોવણીના પુરાવા મળ્યા હતા. તેને આધારે શનિવારે ધરપકડ કર્યા બાદ, આજરોજ જયરાજ આહીરને મહુવા કોર્ટમાં હાજર કરાયો હતો. જ્યાં SITએ વધુ રિમાન્ડ ન માગતા મહુવા કોર્ટે જયરાજ આહીરને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
-
પ્રજાસત્તાક દિવસ પહેલા પદ્મ એવોર્ડની જાહેરાત
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલા પદ્મ એવોર્ડની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાંથી પાંચ હસ્તીઓને પદ્મશ્રી સન્માન મળ્યુ છે. જેમા વડોદરાના આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી થી સન્માનિત કરાયા છે. અંગદાન અભિયાનના પ્રણેતા નિલેષ માંડલેવાલ, જૂનાગઢના ઢોલકવાદક હાજીભાઈ મીર, કલા ક્ષેત્રમાં પ્રદાન બદલ અરવિંદ વૈદ્ય અને સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.
-
ગાંધીનગર: બાળકની હત્યા કરવા જતાં પિતાને પોલીસે પકડી પાડ્યો
ગાંધીનગર: બાળકની હત્યા કરવા જતાં પિતાને પોલીસે પકડી પાડ્યો. ઘર કંકાસમાં 3 વર્ષના બાળકને લઈ આરોપી પિતા ફરાર થયો હતો. પત્ની સાથે કંકાસ થતાં બાળકને મારી નાખવાની ધમકી આપી. પત્નીએ બાળકને બચાવવા પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે CCTVના આધારે બાળકને બચાવી લીધું. આરોપી પિતાની અટકાયત કરી બાળક માતાને સોંપ્યું હતુ.
-
-
જૂનાગઢના ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈનું પદ્મશ્રી થી સન્માન
‘હાજી રમકડું’ના નામથી પ્રખ્યાત એવા જૂનાગઢના ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાશે.ભજન, સંતવાણી અને ડાયરા સહિતના કાર્યક્રમોમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા એવા મીર હાજીભાઈને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે..તેમણે ગાયો માટે 20 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે. તેઓને કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક માનવામાં આવે છે..પદ્મશ્રી પુરસ્કાર માટે નામ જાહેર થતા હાજીભાઈએ આગવા અંદાજમાં ઢોલક વગાડી ખુશી વ્યક્ત કરી હતી
-
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી ઍવોર્ડની કરાઈ જાહેરાત
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાંથી માણભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યા, તબલાવાદક હાજીભાઈ કાસમભાઈ રમકડુ અને અંગદાન અભ્નિયાનના પણેતા નિલેષ માંડલેવાલાને પદ્મ સન્માન અપાયુ છે.
-
સંકલનના અભાવે અમદાવાદની ખારીકટ કેનાલમાં પાણી છોડાયું, 1200 કરોડના વિકાસના કામ 2 મહિના પાછળ ઘકેલાશે
અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ કેનાલમાં પાણી ફરી વળ્યા છે. ખારીકટ કેનાલનું છેલ્લા તબક્કાનું કામ બાકી હતું ત્યારે જ સિંચાઈ વિભાગે પાણી છોડયું હોવાનું કહેવાઈ રહ્યું છે. કેનાલમાં પાણી છોડાતા બે થી ત્રણ મહિના કેનાલ ઉપર થઈ રહેલા વિકાસના કામ હવે ઠપ્પ રહેશે. દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે, સિંચાઈ વિભાગમાં રજૂઆત કર્યાં બાદ પાણી છોડવામાં આવ્યું છે. સંકલન વગર પાણી છોડી દેવાતા કામગીરી કરી રહેલ મશીનરી તાત્કાલિક બહાર કાઢવી પડી હતી. જૂજ કામ બાકી હતું ત્યારે જ પાણી છોડવામાં આવતા 1200 કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો. છેલ્લા બે વર્ષથી ખારીકટ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી અપાઈ રહ્યું.
-
ગુજરાતમાં હાડ થિજવતા ઠંડા હિમ પવન વહેશે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પવન વધુ રહેવાની શક્યતા
ગુજરાતીઓ ઠંડીમાં ઠુંઠવવા રહેજો તૈયાર. રાજ્યમાં હાડ થિજવતી ઠંડી પડશે. રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં પવનની ગતિમાં વધારો થશે. માછીમારોને સૂચના આપવામાં આવી છે કે, બે દિવસ માછીમારોને દરિયો ના ખેડવો. ગુજરાતમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રહેશે ઠંડીનો ચમકારો. ઉત્તર પૂર્વના પવનોને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પવન વધુ રહેવાની શક્યતા. રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા નહીવત.
-
ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-16 પોલીસ અધિકારીઓ- જવાનોને મળશે રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રક, 02 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 14 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રક
ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરી-2026 (પ્રજાસત્તાક દિવસ-2026)ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજ રાષ્ટ્રપતિએ જાહેર કરેલ છે.
-
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરજપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરજપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સુરજપુરા ગામ નજીક પસાર થતી ખારાઘોડા નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો ગેલન પાણી ખેતરોમાં વહી રહ્યું છે. કેનાલ નજીકના શીયાળુ પાક વાવેતર કરેલ ખેતરોમાં ફરી વળ્યા છે નર્મદા કેનાલના પાણી. હજારો હેકટર જમીનમાં પાણી ફરી વળતા વાવેતર કરેલ પાક ધોવાયો. ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે.
-
જસદણના આટકોટ રોડ ઉપર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ચોરી – તોડફોડ કરાઈ
રાજકોટના જસદણના આટકોટ રોડ ઉપર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ચોરી – તોડફોડ કરાઈ છે. રાત્રિના સમયે અસામાજિકત્વ દ્વારા મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાં આવેલ હવન કુંડ અને દિવાલમાં તોડફોડ કરાઈ છે. અસામાજિક તત્વો મંદિરમાંથી કાળભૈરવ, શિવલિંગ, પોઠીયો સહિત ચોરી કરી મંદિરની દિવાલ અને હવન કુંડ તોડી નાખ્યો. મંદિરમાં ચોરીને તોડફોડ થતા ભાવિ ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસને જાણ કરાતા જસદણ પોલીસ દ્વારા ચોરી અને તોડફોડ મામલે તપાસ શરૂ કરાઈ છે.
-
બેંગકોકથી રૂપિયા 12.50 લાખનો હાઈબ્રિડ ગાંજો લાવનાર 4ની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ
અમદાવાદના કસ્ટમ વિભાગને મળી મોટી સફળતા. બેંગકોકથી અમદાવાદ હાઇબ્રિડ ગાંજા લાવનાર 4 લોકોની ધરપકડ કરાઈ છે. 12 કરોડ 50 લાખનો ગાંજો લઈ આવ્યા હતા અમદાવાદ. બેંગકોકથી વાયા કુઆલાલમ્પુર થઈ મલેશિયા એરલાઈન્સમાં આવ્યા હતા ચારેય યાત્રીઓ. 3 આરોપીઓ પંજાબના અને એક વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું. અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે.
-
જૂનાગઢમાં CAનુ અપહરણ, આરોપીઓએ માંગ્યા 60 લાખ, પોલીસ તપાસનો ધમધમાટ થતા, અપહૃત યુવાનને જામનગર નજીક છોડી આરોપીઓ થયા ફરાર
જુનાગઢમાં સી.એ.નો વ્યવસાય કરતા યુવકનું અપહરણ કરાયુ છે. અપહરણકર્તાઓએ યુવકના અપહરણ સામે 60 લાખની ખંડણી માંગી છે. સી.એ.નો વ્યવસાય કરતા યુવક મિલન ચંદુભાઈ ચૌહાણનું અપહરણ કરાયું. અપહૃતના સાળા યશ મારુંએ નોંધાવી હતી ફરિયાદ. જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરતા અપહરણકર્તા ઉપર થયું દબાણ. અપહરણકર્તા પોલીસનું દબાણ વધતાં મિલનને મુક્ત કરી દીધો છે. સી.એ.ના વ્યવસાયી મિલનને જામનગર નજીક છોડી દઈને આરોપી ફરાર થઈ ગયા છે. ગત. 23જાન્યુઆરીના રાત્રીના થયું હતું અપહરણ. સમગ્ર મામલે જુનાગઢ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી જય ઓડેદરા સહિતનાઓ સામે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. કેટલા શખ્સોએ અપહરણ કર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક છે.
-
ઉપલેટાનાં શ્રી પીઠડ માતાજીના મંદિરમાં થયેલી રૂપિયા 11,80,000થી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો, મંદિરમાં પૂજાપાઠ કરતો પૂજારી જ નીકળયો ચોર
રાજકોટ જિલ્લાના ઉપલેટાનાં શ્રી પીઠડ માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઉપલેટાનાં સુવા પ્લોટમાં આવેલ શ્રી પીઠડ માતાજીના મંદિરમાં છતર તથા માતાજીનેં પહેરાવેલ સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 11,80,000 ની ચોરી થયાની ફરીયાદ ગઈકાલે રાતે ઉપલેટા પોલીસ મથકે નોંધાઇ હતી. જેને લઈને પોલીસ મહાનિર્દેશક અને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક તથા પોલીસ ગ્રામ્ય અધિક્ષક ધોરાજી વિભાગ અને ઉપલેટા પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. મંદિરમાં થયેલ ચોરીમાં પોલીસને જાણભેદુનો હાથ હોવાની પહેલેથી જ હતી આશંકા. પીઠડ માતાજીના મંદિરમાં પૂજા પાઠ કરતો પૂજારી જ નીકળયો ચોર. હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સોર્સીસો ને મળેલી માહિતી મુજબ ઉપલેટા બાયપાસ રોડ અને ખાખી જાળીયા રોડ પર વોચ ગોઠવીનેં મોટી સફળતા મળી.
-
Breaking News : સુરતમાં જીવતા મતદારને મારી નાખ્યાં, ફોર્મ-7 ભરનારા ભાજપના કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ નોંધવા 228 લોકોએ કરી અરજી
સુરત શહેરમાં SIR ની કામગીરીમાં જીવતા મતદારને મરેલા જણાવીને તેમના નામ મતદાર યાદીમાંથી રદબાતલ ઠરાવવા ભાજપના કોર્પોરેટરે ફોર્મ નંબર 7 ભર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરાઈ છે તે કે તમને જીવતેજીવ સરકારી ચોપડે મારી નાખનાર ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
મતદાર જીવીત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરાયા. ભાજપના વોર્ડ નંબર 25 ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરાયા છે. માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31 હજાર જેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે. જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ભર્યા ફોર્મ નંબર 7. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસના આક્ષેપ. સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી. મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માંગ. મોટી સંખ્યામાં મતદારોએ દર્શાવ્યો વિરોધ.
-
ઉત્તર ગુજરાતના રબારી સમાજમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ, મામેરું, આણું, છૂટા છેડા, શિક્ષણ સહીતના મુદ્દે ઘડાશે નવુ બંધારણ
બનાસકાંઠામાં આજે ઉત્તર ગુજરાતના રબારી સમાજનું યોજાશે મહાસંમેલન. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં ઘડાશે બંધારણ. લોકો ડીસાના સમશેરપુરા ખાતે મહા સંમેલનમાં ઉમટી રહ્યા છે. રબારી સમાજમાં 11 મુદ્દાઓનું ઘડાશે બંધારણ. રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બંધારણ ઘડાશે. નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ, મામેરું, આણું, છૂટા છેડા, શિક્ષણ , વ્યવસન મુક્તિ તેમજ અન્ય મુદ્દાઓને લઈને રચાશે બંધારણ
-
રાજકોટમાં હાડ થીજવતી ઠંડીમાં બાવળની જાડી વચ્ચે માસુમ ફૂલ જેવી નવજાત બાળકી તરછોડી દેવાઈ
રાજકોટમાં તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી. હાડ થીજવતી ઠંડીમાં બાવળની જાડી વચ્ચે માસુમ ફૂલ જેવી બાળકી તરછોડી દેવાઈ હતી. સાણથલી ગામના વાસાવડ રોડ નજીકથી બાળકી મળી આવી હતી. ગઈકાલે નવજાત બાળકી વાવરુ જગ્યાએથી મળી આવી હતી. માસુમ બાળકીને પગમાં કોઈ જીવજંતુ પણ કરડ્યું હતું. બાળકી રડતી હોવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ જોયું તો બાળકીને કોઈ મૂકીને જતું રહ્યું હતું. 108 એમ્બ્યુલન્સની મદદથી રાજકોટમાં બાળકીને રાજકોટ ખસેડવામાં આવી. રાજકોટની જનાના હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
-
રાજકોટમાં 9.2, પોરબંદરમાં 9, નલિયામાં 10.4, અમદાવાદમાં 14, ડીસામાં 10 ડિગ્રી ઠંડી નોંધાઈ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે, હિમાલયની પર્વતમાળામાં વરસી રહેલા બરફ અને ઉત્તર ઉત્તર પૂર્વ દિશા તરફથી ફુંકાઈ રહેલા ઠંડા હિમ પવનને કારણે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વર્તાયો છે. ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેર કરેલ ઠંડીના આંકડા અનુસાર, આજે 25મી જાન્યુઆરીના રોજ, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી સૌરાષ્ટ્રના પોરબંદરમાં નોંધાઈ છે. પોરબંદરમાં ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રીએ પહોચ્યો છે જ્યારે રાજકોટમાં ઠંડીનો પારો 9.2 ડિગ્રીએ અટક્યો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગઈકાલ શનિવારની સરખામણીએ રવિવારે ઉચકાઈને 14 ડિગ્રીએ પહોચ્યો છે.
-
જૂનાગઢના બીલખામાં પાંચ શ્વાને સાત વર્ષના બાળકને ભર્યા બચકા, સારવાર માટે જૂનાગઢ ખસેડાયો
જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સાત વર્ષના બાળક પર એક સાથે પાંચ શ્વાને હુમલો કરીને બાળકને શરીર પર ગંભીર ઈજાઓ પહોચાડી છે. બીલખા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. બાળકને સાત જેટલા ટાંકા આવ્યા હોવાનુ સ્થાનિકો એ જણાવ્યું. પહેલા પણ એક નાની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બીલખાના મસ્જિદ વિસ્તારનો બનાવ. અનેક રજુઆત છતા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલા લેવામા આવતા નથી.
-
અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ
બનાસકાંઠાના ઈકબાલગઢ હાઈવે પર ગઈકાલ શનિવારે રાત્રે સર્જાયેલા ટ્ર્ક અને કાર વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોચી છે. પાલનપુરથી કાર રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત. ટ્રક ડિવાઇડર કુદી અને ઇનોવા સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને કારણે સર્જાયો અકસ્માત.
તમામ મૃતકો અને ઘાયલ રાજસ્થાનના રહીશ હોવાનું સામે આવ્યું છે. પાલનપુર હોસ્પિટલમાં તબિયત બતાવીને અને રાજસ્થાન પરત ફરતા સર્જાયો અકસ્માત. છ મૃતકો ને અમીરગઢ રેફરલ અને એક મૃતક પાલનપુર સિવિલમાં પીએમ અર્થે મોકલાયા છે. જ્યારે ત્રણ ઘાયલ પાલનપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જેમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે એ ઘટના સ્થળે જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. અકસ્માતને પગલે જામ થયેલા ટ્રાફિકનું પોલીસે નિયંત્રણ કર્યું અને ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. અમીરગઢ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.
-
પીએમ મોદી આજે “મન કી બાત” કાર્યક્રમને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે “મન કી બાત” કાર્યક્રમમાં ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ દરેક મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતા રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આ 130મો એપિસોડ હશે.
-
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ ઉદ્યોગનગર વિસ્તારમાં પાર્ક કરેલ બસમાં આગ ભભૂકી ઉઠી
જામનગરમાં મોડી રાત્રે એક ખાનગી બસમાં અચાનક લાગી આગ હતી. શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ ઉદ્યોગનગર વિસ્તારમાં પાર્ક થયેલ બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જાહેર માર્ગ પર બસમાં આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાંથી ધુમાડા અને આગની લપેટો દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મનપાની અગ્નિશામક દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતું. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
-
ધોળકા તાલુકાના ધોળી ગામ પાસે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં લાગી આગ
અમદાવાદના ધોળકા તાલુકાના ધોળી ગામ પાસે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. કંપનીના બીજા માળે આગ લાગતાં, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ ઘટનાની જાણ થતાં જ ધોળકા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેના પગલે ધોળકા નગરપાલિકા તેમજ ચિરિપાલ કંપનીની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાઈને ગોડાઉન સુધી પહોચી હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.
Published On - Jan 25,2026 7:14 AM
