આજે 25 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
કોઈ પણ વેપારમાં વર્ષો જુનાં કામદારો માલિકની કરોડરજ્જુ સમાન હોય છે. પરંતુ આજ ભરોસાપાત્ર કામદારો વિશ્વાસઘાત કરે તો આવો જ કંઈક કિસ્સો સુરતનાં લીંબાયતમાં સામે આવ્યો છે. જેમાં યશ વિવિંગના કારખાના વર્ષો જુના બે એકાઉન્ટન્ટે માલિકને 1.37 કરોડનો ચૂનો લગાવ્યો છે. આ બંને એકાઉન્ટન્ટો મળી માલિકનાં વિશ્વાસનો દુરઉપયાગ કરી કારખાના માંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી મારી માર્યું. માલિકને સમગ્ર ઘટનાની જાણ થતાં પોતાનો ભૂલ સ્વીકાર કરી રૂપિયા પરત કરવાની લખાણ પણ કરી આપ્યું. જ્યારે માલિકે ઉઘરાણી કરતા ઝેરી દવા પી આપઘાતની ધમકી આપી. ત્યારે માલિક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે બંને એકઉન્ટન્ટની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે દિવસ આવી ચૂક્યો છે. કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર ગણતરીના કલાકોમાં જ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને દેશભરમાંથી ચાહકો અમદાવાદ ખાતે ઉમટી પડ્યાં છે.. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વહેલી સવારથી જ યુવાઓનો જમાવડો જોવા મળ્યો. સાથે જ કોલ્ડપ્લેને લઈને પ્રેક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..
જેવી રીતે જ સ્ટેડિયમનો ગેટ ખુલતો જ ચાહકોએ દોડ લગાવી. સ્ટેડિયમની ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં પ્રેક્ષકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને હવે બસ કોલ્ડપ્લે કોન્સર્ટ શરૂ થાય તેની રાહ જોઈને પ્રેક્ષકો ઉત્સાહિત છે. મુંબઈ, દિલ્લી, બેંગ્લોર, જયપુર સહિત અનેક રાજ્યોમાંથી આવેલા ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટના જસદણથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. CCTV ફૂટેજમાં દેખાતો શખ્સ રાત્રિના સમયે મંદિરમાં ચોરીને અંજામ આપે છે. આ મંદિર મેલડી માતાનું છે અને સૌથી અગત્યની વાત મંદિર સ્મશાનની અંદર આવેલું છે. સામાન્ય સંજોગોમાં લોકો દિવસે પણ સ્મશાનમાં જવાથી ડરતા હોય છે તેવામાં આ શખ્સ રાત્રિના સમયે સ્મશાનમાં આવેલા મંદિરમાં જાય છે. ત્યારપછી મંદિરમાં આમ તેમ ફાફા મારે છે. કશું દેખાતુ નથી, પછી તેની નજર પડે છે માતાજીની મૂર્તિ પર પડી. તે મૂર્તિની નજીક જાય છે. તેણે માતાજીના દર્શન પણ કર્યા અને માતાજીના આભૂષણો જોવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કશું મળ્યું નહીં. પણ મળતી માહિતી મુજબ આરોપીએ ચાંદીના છત્તર અને અખંડ દીવાની ચોરી કરી છે. આ સિવાય પણ આરોપીએ મામા દેવના મંદિરેથી દાનપેટીની પણ ચોરી કરી.
144 વર્ષ બાદ પ્રયાગરાજ માં આયોજિત મહાકુંભ મેળામાં જવા માટે શિક્ષકોને રજા આપવા માંગ કરાઈ છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી માંગ કરી છે કે મહાકુંભમાં જવા શિક્ષકોને ઓન ડ્યુટી સાત દિવસની રજા આપવામાં આવે. 144 વર્ષે મહાકુંભ નો આ સંયોગ બન્યો હોવાથી કરોડો હિંદુઓ સાથે રાજ્યના શિક્ષકો પણ મહાકુંભ માં જાય એ માટે 7 દિવસની ઓન ડ્યુટી રજા આપવા માંગ કરાઈ છે. શિક્ષકોએ દાવો કર્યો છે કે કૈલાશ માનસરોવર, વિપશ્યના, ટ્રેકિંગ માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવામાં આવે છે તો પ્રયાગરાજના મહાકુંભ માટે પણ 7 દિવસની ઓન ડ્યુટી રજા મંજૂર કરવામાં આવે.
દેવભૂમિ દ્વારકા: સલાયા મરીન પોલીસે 6 ઈસમોની ધરપકડ કરી છે. ટાપુ પર અનધિકૃત પ્રવેશ કરવા બદલ કાર્યવાહી કરી. પેટ્રોલિંગ દરમિયાન પ્રતિબંધિત સફી ઢોરા પાસે શખ્સો ઝડપાયા. અલ અક્સા નામની ફિશિંગ બોટ લંગારી માછીમારી કરી રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર પ્રતિબંધ છે. થોડા દિવસ પૂર્વે સાત ટાપુઓ પરથી ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. ઝડપાયેલા ઈસમો ખારા ચૂસણા, મીઠા ચૂસણા ટાપુ પર પણ ગયાની શંકા છે. પોલીસે ઈસમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી.
વડોદરાઃ વાઘોડિયાની એન.જી. શાહ હાઈસ્કૂલ પાસે મધમાખીના ઝૂંડે આતંક મચાવ્યો. મધમાખીઓ ઉડતા લોકોમાં નાસભાગ મચી. સ્કૂલ છુટવાના સમયે મધમાખીઓ ઉડતા વિદ્યાર્થીઓને ડંખ માર્યા. રસ્તા પરથી પસાર થતાં લોકોને પણ મધમાખીએ ડંખ માર્યા. સોસાયટીના લોકોએ પોતાના મકાનો બંધ કર્યા હતા.
મુંબઈ: વર્ષ 2008માં આતંકી હુમલાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશે. ગુનેગાર તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને અમેરિકન સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી છે. અમેરિકન કોર્ટે તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવા મંજૂરી આપી. આરોપીને દોષિત જાહેર કરવા સામે રિવ્યૂ પિટિશિન પણ કોર્ટે ફગાવી છે. અનેક વર્ષોથી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની ભારત દ્વારા માગ છે.
સુરત: લિંબાયત વિસ્તારમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. સંજયનગરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. 48 હજાર રોકડ રકમ સહિત 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન આઠ જુગારીની ધરપકડ કરાઈ છે.
રાજકોટઃ બે બાંગ્લાદેશ ઘુસણખોરને પકડી પડાયા છે. સોહિલ હુસૈન યાકુબઅલી અને રીપોન હુસૈન અમીરૂ લઈસ્લામને પકડ્યા છે. ગ્રામ્ય SOGએ બંને બાંગ્લાદેશીને પકડી પાડ્યા છે. બંને પાસેથી આધારપુરાવા મળ્યા નહીં. દસ્તાવેજ વિના જ બંને ભારતમાં રહેતા હતા. રંગપરના પાટિયા નજીક મારૂતિ સોસાયટીમાં બાંગ્લાદેશી રહેતા હતા.
તાપી જિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી યોજાવાની છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.. જેના ભાગરૂપે પોલીસ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોની ઝાંખી સોનગઢ ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. જે અંતર્ગત મીની પરેડનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજના મહાકુંભમાં બીજી વખત આગની ઘટના બની છે. વહેલી સવારે મુખ્ય માર્ગ સેક્ટર-2 પાસે વાહનોમાં આગ લાગી છે. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળે ટીમ દોડી આવી હતી. થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવાયો. બે વાહન આગમાં બળીને ખાખ થઇ ગયા છે.
અમદાવાદઃ કોલ્ડપ્લે પહેલા ક્રિસ માર્ટિન અમદાવાદમાં ફર્યા. કોલ્ડપ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટિન શેરીઓમાં ફરતા જોવા મળ્યા. મધરાતે અમદાવાદની ગલીઓમાં ક્રિસ માર્ટિન ફર્યા. મોપેડ પર સવાર થઈ વિવિધ વિસ્તારમાં આંટા માર્યા. મુંબઈના શો વખતે માર્ટિને ભારતીય બોલર જસપ્રિત બુમરાહના વખાણ કર્યા હતા.
બનાસકાંઠા: દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ફરિયાદ નોંધાઈ હતી. અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચલાવાયો હતો. પુરાવા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ સહિત 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો.
કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને અમદાવાદ સજ્જ છે. કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા. જનપથ ચાર રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે. સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ બનાવાયા છે. આયોજકો દ્વારા ‘શો માય પાર્કિંગ’ એપ હાયર કરાઇ.
અમદાવાદઃ કોલ્ડપ્લેની ટીમને આવકારવા રિવર ક્રુઝ સજ્જ થયુ છે. સંભવિત મુલાકાતને લઈને આયોજકો તરફથી તૈયારી પૂર્ણ કરાઈ છે. સ્પેશિયલ મોમેન્ટો આપીને ટીમનું સ્વાગત કરાશે. અટલ બ્રિજ અને ફ્લાવર શો વિશે પણ જાણકારી અપાશે. ભારતીય ધાન્યોની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે. જુના અને નવા અમદાવાદ વિશે કોલ્ડ પ્લેની ટીમને માહિતી અપાશે.
Published On - 7:39 am, Sat, 25 January 25