
આજે 19 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં રમાયો. આ ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને ટાઇટલ જીત્યું. ત્યારબાદ ભારતીય પુરુષ ટીમે પણ ઐતિહાસિક પ્રદર્શન કર્યું. પુરુષોના ખો-ખો વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને નેપાળની ટીમો વચ્ચે રમાઈ હતી. ટુર્નામેન્ટની પહેલી મેચ પણ આ બે ટીમો વચ્ચે રમાઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ફાઇનલમાં પણ આવું જ બન્યું, ભારતીય ટીમે નેપાળને હરાવીને ટ્રોફી જીતી લીધી છે.
વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ગવાસદ ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે.
પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાની માહિતી સામે આવી રહી છે. મહાકુંભ મેળા વિસ્તારમાં આવેલા શાસ્ત્રી બ્રિજ કેમ્પમાં ભીષણ આગ લાગી છે. આગની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે રસોઈ બનાવતી વખતે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ આગ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.
અમદાવાદના રેલવે સ્ટેશનના આધુનિકરણના ભાગરુપે સારંગપુર અને કાલુપુર ઓવરબ્રિજને પહોળો કરવામાં આવશે. આ બન્ને ઓવરબ્રિજને પહોળો કરવા માટે ખર્ચ થનાર રકમમાં 50 ટકા રકમ રાજ્ય સરકાર આપવાની છે. જેના ભાગરૂપે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, 220 કરોડ રૂપિયા રેલવેને ફાળવવાની મંજૂરી આપી છે. રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલને કોર્ટમાં રજુ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સરકારી વકીલે, કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડ માંગતા કહ્યું કે, ચેરમેન તરીકેના હોદ્દા પર રહીને 51 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં આ પ્રકારે પીએમજેએવાય થકી લાભ મેળવ્યો એ કેટલો લાભ મેળવ્યો તે શોધવાનુ બાકી છે. અમદાવાદ આસપાસની હોસ્પિટલો થકી પેશન્ટ રીફર કરાવતા હોવાની વિગતો અંગે જાણકારી મેળવવાની છે. અન્ય કર્મચારી ઇન્વોલ્વ છે કે નહીં તેમજ પીએમજેએવાયના અધિકારી કે કર્મચારી સામેલ છે કે કેમ તેની તપાસ બાકી છે.
પીએમજેએવાય થકી ફ્રોડ કરીને કાર્ડ બનાવતા હતા જેની ફરિયાદ નોંધીને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. 16 કરોડ 64 લાખ રૂપિયાનો મેળવેલો લાભ કયા ઇન્વેસ્ટ કર્યા અને શું લાભ મેળવ્યો છે તે વિગતો મેળવવાની છે. બીજા આરોપીઓ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર અને રાહુલ જૈન તેમજ સંજય પટોળિયા સહિતનાની સાથે ક્રોસ ઇન્ક્વાયરી કરવાની છે. ઓડિટ રિપોર્ટમાં પણ જાણી જોઈને નુકસાની બતાવતા હતા, જે કાર્તિક પટેલની સૂચનાથી થતું હતું જેની મિનિટ બુક મેળવવાની છે. ગુનો થતા પહેલા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ દુબઈ ગયા હતા. મોબાઈલ ખોવાયો છે તેમ કહે છે તે ક્યા ખોવાયો તેની તપાસ કરવાની બાકી છે. કાર્તિક પટેલને કોણ કોણ મદદ કરી રહ્યું હતું અંગેની તપાસ કરવાની છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હડકાયા શ્વાનનો કહેર. ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ ગામોમાં છેલ્લા બે દિવસમાં 10 થી 15 લોકો અને કેટલાક પશુને હડકાયા શ્વાને બચકા ભર્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા શ્વાને બાળકો, મહિલા અને પશુને બચકા ભર્યા છે.
સુરત SOG પોલીસે, ગૌ-વંશ પશુના હત્યાના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતાફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી ઇબ્રાહીમ ઉર્ફે કાલ્લુબંગાલી સાગર શેખની સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. દોઢ વર્ષ પહેલા આરોપી મહારાષ્ટ્રનાં નવાપુરથી ગૌમાંસ ભરીને સુરત લાવી રહ્યો હતો. જ્યાં સચિન પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપી પોલીસને જોઈ ગાડી ભગાવી હતી. આગળ જઇ ગાડી રસ્તા ઉપર છોડીને ફરાર થઈ ગયો હતો. જે મામલે આરોપી વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન મળ્યાના બે દિવસ બાદ તેની સાથે એક દુર્ઘટના બની છે. મનુ ભાકરની નીનીમા અને મામાનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ અનુસાર, ચરખી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર એક સ્કૂટર અને બ્રેઝા કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બંને લોકોના મોત થયા હતા.
અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટિંગ લિમિટેડના નામે લોકોને ઠગનારો આરોપી 13 વર્ષે પોલીસની પકડમાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે, લોકોને લોભામણી સ્કીમની લાલચ આપીને 71 લાખ જેટલી રૂપિયા ઉઘરાવી ફરાર થયેલા ઠગને ઝડપી પાડ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય બિરલાને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. 228 લોકોને લોભામણી સ્કીમની લાલચ આપીને રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસને હાથ લાગેલો ઠગ સંજય મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ગીર સોમનાથના ગીર ગઢડા વિસ્તારમાં દીપડાનો આતંક વકર્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સાત વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો છે. ગીર ગઢડાના કોદીયાં ગામે રાત્રે વાડી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના આ હુમલામાં 44 વર્ષીય આઘેડનું મોત થયું છે. જ્યારે અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આઘેડ ને મોતને ઘાટ ઉતાર્યા છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગે જતવીજ હાથ ધરી છે.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મૂળ બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાની મુંબઈ પોલીસને પાક્કી શંકા છે. તેની પાસેથી કોઈ પણ ભારતીય દસ્તાવેજ મળી આવ્યા નથી. જો કે, મુંબઈ પોલીસે આજે સત્તાવાર જાહેરાત કરી છે કે, હુમલાખોર હાઉસ કિપિગ એજન્સીમાં કામ કરતો હતો. તે વિજય, બિજોય બનીને મુંબઈમા રહેતો હતો.
સાબરકાંઠા તલોદના પાશીના મુવાડા નજીક હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. આ અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત થયું છે. અજાણ્યા વાહનની અડફેટે આવતા બાઈક ચાલક યુવકનું મોત થયું હતું. ડેગમાર તળાવ પાસે સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જી અજાણ્યું વાહન અંધકારમાં પલાયન થયું હતું. તલોદ પોલીસે અજાણ્યા વાહનના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર દેવપરાના પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત થયું છે. દેવપરા ગામના પાટિયા પાસે કોઇ વાહન ચાલકે યુવકને અડફેટે લેતા તેનુ મોત થયું છે. યુવકનું મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહને લીંબડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી થઈ રહી છે. ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે કોલ્ડપ્લે કોન્સર્ટ. અક્ષય પટેલ પાસેથી કોલ્ડપ્લેની છ ટિકિટો મળી આવી છે. 2500 રૂપિયાની 4 અને 4500 રૂપિયાની 2 ટિકિટ મળી આવી. 6 ટિકિટો ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હતો. અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી. પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
ભૂતપૂર્વ USAના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના 29 ડિસેમ્બર, 2024 ના રોજ થયેલા અવસાન પછી, અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાસ્ટ પર લહેરાતો રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિપદ પરથી વિદાય લઈ રહેલા જો બાઈડને જાહેરાત કરી હતી કે, કાર્ટરના અવસાનને કારણે, 30 જાન્યુઆરી સુધીના 30 દિવસ સુધી અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. આવતીકાલ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન પણ વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાતો હશે.
સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણાથી ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ તેનો ગુનો કબુલી લીધો છે. મુંબઈ પોલીસ આરોપીને રિમાન્ડ પર લેશે અને તેની પૂછપરછ કરશે કે તે સૈફ અલી ખાનના ઘરમાં કેમ ઘુસ્યો, તેનો હેતુ શું હતો અને તેણે સૈફ અને તેના સ્ટાફ પર ઘાતક હુમલો કેમ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, સૈફના ઘરની સીડીઓ પરથી ઉતરતા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા હુમલાખોરના પોસ્ટર મુંબઈ અને આસપાસના સ્થળોએ લગાવવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો પ્રસારણ ‘મન કી બાત’ માં રાષ્ટ્રને સંબોધિત કરશે. આ વર્ષ 2025નો પહેલો ‘મન કી બાત’ કાર્યક્રમ હશે. આમાં તેઓ દેશમાં થયેલા સકારાત્મક સામૂહિક પ્રયાસોનો ઉલ્લેખ કરશે અને પોતાના વિચારો પણ શેર કરશે.
Published On - 7:22 am, Sun, 19 January 25