AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 જાન્યુઆરીના મહત્વના સમાચાર : લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2024 | 11:49 PM

આજ 16 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

16 જાન્યુઆરીના મહત્વના સમાચાર : લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ
Gujarat latest live news and samachar today 16 January 2024 politics weather updates daily breaking news top headlines in Gujarati

PM નરેન્દ્ર મોદીનો કેરળ અને આંધ્ર પ્રદેશ પ્રવાસ આજથી શરૂ થશે. વડાપ્રધાન આ બંને રાજ્યોને લગભગ 4000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ સાથે, વડાપ્રધાન કેરળમાં ગુરુવાયૂર મંદિર અને ત્રિપ્રયાર શ્રી રામસ્વામી મંદિરમાં પૂજા અને દર્શન કરશે.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક સપ્તાહ પહેલા આજથી શરૂ થવા જઈ રહી છે. આજે પૂજાનો પ્રથમ દિવસ હશે અને આ દિવસે રામલલ્લાની મૂર્તિ સ્થાપનની વિધિ થશે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ દિલ્હીમાં તમામ ક્લસ્ટર પ્રભારીઓની બેઠક બોલાવી છે.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. કૌશલ્ય કૌભાંડ કેસમાં ચંદ્રબાબુ નાયડુની અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. જમીનના બદલામાં રેલવેમાં નોકરી કૌભાંડની આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Jan 2024 11:48 PM (IST)

    જુનાગઢ: ગાદોઈ બોગસ ટોલનાકાનો વિવાદ વધુ વકર્યો, વાહનો બંધ કરવા માગ્યા 6 લાખ

    જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાનો વિવાદ વધુ વકર્યો છે. થોડા સમય અગાઉ ટોલનાકા નજીક ગાદોઈ ગામના રસ્તે વાહનો ડાયવર્ટ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. હવે ગામના એક શખ્સે ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા બદલ ટોલનાકાના સુપરવાઈઝર પાસે 6 લાખ રૂપિયાની માગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

    પોલીસે જબરદસ્તી રૂપિયાની માગણી કરનાર શખ્સ દીપક જલુની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, પૈસાની માગણી કરતી એક કથિત ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જે ટોલનાકાના સુપરવાઈઝર ચંદ્રેશ વિરડાએ ગાદોઈના દીપક જલુ સાથે કરેલી વાતચીતનો ઓડિયો પોલીસને પુરાવા તરીકે આપ્યો હતો.

  • 16 Jan 2024 11:22 PM (IST)

    લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ

    લોકગાયિકા કિંજલ દવેના પ્રખ્યાત ‘ચાર ચાર બંગડી’ ગીતનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અન્ય મીડિયાએ રિલીઝ કરેલ ગીતના ઉપયોગ બદલ કિંજલ દવે સામે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટ દ્વારા રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે હજારો લોકો સામે ગીત ગાયું અને પૈસા કમાયા છે માટે માફી યોગ્ય નથી. 7 દિવસની અંદર રૂપિયા 1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી’ ગીત બાદ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

  • 16 Jan 2024 11:21 PM (IST)

    કબૂતરબાજી કેસના ફરાર 6 આરોપીઓના ફોટો જાહેર

    કબૂતરબાજીના કેસમાં તપાસનો ધમધમાટ દિવસે દિવસે વધુ તેજ થઈ રહ્યો છે. હાલમાં સામે આવેલા દેશવ્યાપી કબૂતરબાજીના કૌભાંડમાં 6 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 3 એજન્ટ તો ગાંધીનગરના કલોલના જ છે. હાલ કબૂતરબાજીના કેસમાં ફરાર આરોપીઓ સામે પોલીસે ગાળિયો કસવાની તૈયારી શરૂ કરી દીધી છે.

    આ તમામ 6 આરોપીના ફોટો જાહેર કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગેરકાયદે અમેરિકા લઈ જવા માટે આ આરોપીઓએ નક્લી દસ્તાવેજ બનાવી આપ્યા હતા. આરોપીઓ વર્ષ 2022થી વોન્ટેડ જાહેર થયેલા છે. હાલ તેમની સામે 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ છે. અગાઉ આ કેસમાં બોબી પટેલ સહિતના આરોપીઓ પકડાઈ ચુક્યા છે.

  • 16 Jan 2024 10:39 PM (IST)

    ગીરની કેસર કેરી બાદ કચ્છી ખારેકને મળ્યુ જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન, GI ટેગ મેળવનારુ ગુજરાતનું બીજુ ફળ

    ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉં અને હવે કચ્છની દેશી ખારેકને GI ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન મળ્યુ છે. આ પ્રકારે કચ્છી ખારેક ગુજરાતના ફળોની શ્રેણીમાં બીજી અને ખેતપેદાશોની શ્રેણીમાં ત્રીજી એવી પેદાશ બની ગઈ છે જેને GI ટેગ પ્રાપ્ત થયો છે. ખેતીના ભારત રત્ન સમાન જીઆઈ ટેગ સન્માનથી કચ્છના ખેડૂતો ખુશખુશાલ છે.

    આ અંગે અભિનંદન પાઠવતા રાજ્યનાકૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ચેન્નઈ સ્થિત “ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્‍ડ ટ્રેડ-માર્ક્સ” તરફથી આ માન્‍યતા અપાઈ છે. 425 વર્ષ પહેલાં કચ્છમાં પહેલી-વહેલી ખારેકની ખેતી મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનાર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે.

  • 16 Jan 2024 10:01 PM (IST)

    અમરેલી: ગુડ્સ ટ્રેનની અડફેટે આવેલ સિંહણનું સારવાર દરમિયાન થયુ મોત, 15 દિવસમાં બે સિંહોના મોત

    અમરેલીમાં 15 જ દિવસના અંતરાલમાં બે સિંહોના મોત થયા છે. સાવરકુંડલા વીજપડી મથક પાસે ટ્રેનની અડફેટે આવતા સિંહણને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત સિંહણને જુનાગઢ સક્કરબાગ સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સિંહણનું મોત થયુ છે. આ તરફ સાવરકુંડલા નજીક અમતવેલ રેલવે ટ્રેક પર 4 વર્ષના સિંહનું સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા મોત થયુ હતુ. અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિંહ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. આ પહેલા પણ સાવરકુંડલા વીજપડી નજીક એક સિંહ અકસ્માતનો ભોગ બન્યો હતો. રેલવે ટ્રેક પર ફેન્સિંગ ન હોવાના કારણે સિંહો વારંવાર રેલવે ટ્રેક પર આવી જાય છે અને ટ્રેનની ટક્કરે આવી જવાથી મોતને ભેટી રહ્યા છે.

  • 16 Jan 2024 08:56 PM (IST)

    સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે

    સતત ચોથી વાર ગુજરાતને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. ગુજરાત અગ્રેસર રહેવાની પરંપરાને જાળવી રાખતા વધુ એક ગૌરવ સિદ્ધિ નોંધાઈ છે. ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’માં ગુજરાતને દેશમાં શ્રેષ્ઠ પર્ફોમર તરીકેનું સ્થાન મળ્યુ છે. દિલ્લીમાં નેશનલ સ્ટાર્ટઅપ-ડેના પ્રસંગે સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022 ના પરિણામને જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે આ અંગેની જાહેરાત કાર્યક્રમ દરમિયાન કરી હતી. આ જાહેરાત સાથે જ ગુજરાતના માટે ગૌરવશાળી પળ ફરી નિર્માણ થઈ હતી.

  • 16 Jan 2024 08:26 PM (IST)

    પીએમ મોદીએ એર્નાકુલમમાં રોડ શો કર્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની બે દિવસીય મુલાકાત દરમિયાન એર્નાકુલમમાં રોડ શો યોજ્યો હતો. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

  • 16 Jan 2024 08:08 PM (IST)

    ITC કંપનીને લઈ મોટા સમાચાર, ડિરેક્ટરે આપ્યુ રાજીનામું

    FMCG કંપની ITC લિમિટેડના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેવિડ રોબર્ટ સિમ્પસને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે તેમનું રાજીનામું 30 જાન્યુઆરીથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે ITC શેરે એક વર્ષમાં રોકાણકારોને 40 ટકાથી વધુ વળતર આપ્યું છે.

  • 16 Jan 2024 07:59 PM (IST)

    આણંદ: વિદ્યાનગરમાં પતિએ કરી પત્નીની હત્યા, પતિએ પત્નીની હત્યા કરીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

    1. આણંદ: વિદ્યાનગરમાં પતિએ કરી પત્નીની હત્યા
    2. વિદ્યાનગર ફેવરીટ હોટેલમાં આણંદમાં રહેતા પતિએ કરી હત્યા
    3. ક્યાં કારણો સર હત્યા થઈ તે અંગે પોલીસ કરશે તપાસ
    4. પતિએ પત્નીની હત્યા કરીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ
    5. મૃતક પત્નીનું નામ સેજલ બેન દવે
    6. પતિનું નામ કોટેશ્વર દવે હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી
    7. પતિએ પોલીસને ઘટના અંગે કરી જાણ
    8. પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
  • 16 Jan 2024 07:40 PM (IST)

    અયોધ્યા રામ મંદિરના મહોત્સવના દિવસે હિંમતનગર માર્કેટયાર્ડ બંધ રખાશે, ખેડૂતોને કરાઈ અપીલ

    હિંમતનગરમાં પણ રામ મંદિર મહોત્સવને લઈ માહોલ ધાર્મિક બન્યો છે. ચારેય બાજુ બસ રામમય માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. આ માટે લોકો મોટી સંખ્યામાં જોડાશે. જેમાં જોડાવવા માટે અને આ ખૂબજ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

  • 16 Jan 2024 06:54 PM (IST)

    ભાવનગર માર્કેટિંગ યાર્ડની 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે મારી બાજી

    ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. 10 વર્ષ બાદ યોજાયેલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે 9 સીટ સાથે બહુમતી મેળવી યાર્ડ પર કબજો કરવામાં સફળ રહી છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂતોની 10 અને વેપારી પેનલની 4 બેઠકો માટે મતદાન થવાનું હતુ જેમાં વેપારી પેનલ બિનહરીફ થઈ હતી. જ્યારે ખેડૂત પેનલના 10 પૈકી 5 ભાજપના ઉમેદવાર અને 5 કોંગ્રેસના ઉમેદવારની પસંદગી કરાઈ હતી. વેપારી પેનલ બિનહરીફ થતા 9 સીટ સાથે ભાજપ આ ચૂંટણીમાં વિજયી બની છે.

  • 16 Jan 2024 06:37 PM (IST)

    સીએમ યોગી આદિત્યનાથને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ

    સીએમ યોગી આદિત્યનાથને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે.

  • 16 Jan 2024 06:02 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકની મહિલા કર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, કારણ જાણવા તપાસ શરુ

    અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ એસઆરપી ક્વાર્ટર્સમાં એક મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. ક્વાર્ટર્સમાં જ ગળેફાંસો ખાઈને મહિલા પોલીસ કર્મીએ જીવન ટૂંકાવી દીધુ છે. મહિલા અમદાવાદના એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. નરોડા પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. જેમાં પોલીસને આશંકા છે કે, પારિવારિક ઝઘડાને લઈ આપઘાતનું પગલુ ભર્યુ હોઈ શકે છે. આ મામલે પણ પોલીસે તપાસ શરુ કરી છે. આપઘાત કરવાનું સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે પરિવારજનોની અને સાથી કર્મચારીઓની પણ પૂછપરછ પ્રાથમિક રીતે કરી છે. જેથી તપાસ દિશા સ્પષ્ટ કરી આગળ કાર્યવાહી હાથ ધરી શકાય.

  • 16 Jan 2024 05:29 PM (IST)

    આજકાલ આખો દેશ રામમય: પીએમ મોદી

    આંધ્રપ્રદેશ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજકાલ આખો દેશ રામમય છે. ભગવાન રામના જીવનનો વ્યાપ, તેમની પ્રેરણા અને શ્રદ્ધા ભક્તિના અવકાશની બહાર છે. ભગવાન રામ સામાજિક જીવનમાં સુશાસનના એવા પ્રતીક છે કે તેઓ તમારી સંસ્થા માટે પણ એક મહાન પ્રેરણા બની શકે છે.

  • 16 Jan 2024 05:14 PM (IST)

    લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો, AAP-કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા

    લોકસભામાં 400 પ્લસ બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો છે. રાજ્યની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતોની સરસાઈ સાથે જીતવાના સંકલ્પને સાકાર કરવા પાટીલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કેસરિયા કરી રહ્યા છે.

    આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસ-આપના નાના-મોટા નેતાઓએ કમલમ ખાતે ભગવો ધારણ કર્યો છે. સૌથી મોટું નામ રાજકોટ કોંગ્રેસના નેતા અર્જુન ખટારીયાનું હતું. અર્જુન ખટારીયા સાથે 25 તાલુકા પંચાયતના સભ્યો, 15 સરંપચો, 15 સહકારી આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કરી છે, તો AAPના એસટી મોરચાના પ્રમુખ સી.ડી.પરમારે કાર્યકરો સાથે પક્ષને રામ રામ કર્યા છે. સાથે જ વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામુ આપી શકે છે.

  • 16 Jan 2024 04:43 PM (IST)

    ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન નાગાલેન્ડમાં રાહુલ ગાંધીએ જોઈ ફૂટબોલ મેચ

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન નાગાલેન્ડ ફૂટબોલ મેચ નિહાળી હતી. ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. આ યાત્રા મણિપુરથી શરૂ થઈ છે.

  • 16 Jan 2024 04:40 PM (IST)

    રાજકોટમાં રોગચાળો ફરી વકર્યો, એક જ અઠવાડિયામાં શરદી- ઉધરસના 1900 કેસ નોંધાયા

    જાન્યુઆરીની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં રોગચાળો ફરી વકર્યો છે અને ફક્ત રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓની રાજકોટ સિવિલ ખાતે લાંબી લાઈન લાગી છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો શરદી-ઉધરસ અને તાવના 1900 કેસ નોંધાયા છે. આ સાથે જ મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના કેસ પણ સામે આવ્યા છે. તેમજ વધતો રોગચાળો આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર બન્યો છે. આ માટે તંત્ર જરૂરી પગલાં લે તે જરૂરી છે.

  • 16 Jan 2024 04:07 PM (IST)

    વડોદરામાં તૈયાર થયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને કમલનયન દાસ મહારાજના હસ્તે પ્રજવલિત કરાઈ

    વડોદરામાં તૈયાર થયેલી વિશ્વની સૌથી લાંબી અગરબત્તી તેના અંતિમ પડાવ એવા અયોધ્યા પહોંચી ચૂકી છે. 108 ફૂટ લાંબી વિશ્વની સૌથી લાંબી અગરબત્તી વડોદરાના ગૌભક્ત વિહા ભરવાડે તૈયાર કરી છે. અયોધ્યા પહોંચ્યા બાદ 108 ફૂટ લાંબી અગરબત્તીને રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના કમલનયન દાસ મહારાજના હસ્તે પ્રજવલિત કરવામાં આવી છે. વડોદરાની આ મહાઅગરબત્તી આગામી 21 દિવસ સુધી અયોધ્યાને મહેકાવશે. જેની સુવાસ આસપાસના 5 કિલોમીટર સુધી ફેલાશે. અગરબત્તી પ્રભુ રામના ચરણોમાં પ્રજ્વલિત કર્યા બાદ વિહા ભરવાડે ખુશી વ્યક્ત કરી.

  • 16 Jan 2024 03:27 PM (IST)

    સુરેન્દ્રનગર : ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને નડયો અકસ્માત

    રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના લીંબડી પાસે બની છે. સુરેન્દ્રનગરના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને અકસ્માત નડ્યો છે. લીંબડી પાસે મૃત ભેંસ સાથે કાર અથડાતા આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને ભાજપ નેતા રવિભાઈ માકડીયાને ઇજા પહોંચી હતી. તેમજ કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો.

  • 16 Jan 2024 02:28 PM (IST)

    22મીનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ બની ગયો છેઃ રાહુલ ગાંધી

    રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અયોધ્યા ન જવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, 22મીનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ બની ગયો છે. આરએસએસ અને ભાજપે તેને ચૂંટણીલક્ષી બનાવી દીધો છે. જ્યાં સુધી ધર્મની વાત છે તો આપણે બધા ધર્મ સાથે છીએ, જેને પણ જવું હોય તે જઈ શકે છે.

  • 16 Jan 2024 02:13 PM (IST)

    SCએ જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરાયેલ વિસ્તારની સફાઈનો આદેશ આપ્યો

    જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે પાણીની ટાંકી સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ સીલબંધ વિસ્તાર છે, જેમાં પાણીની ટાંકી છે અને માછલીઓ મરી ગઈ છે. હિંદુ પક્ષે જ્ઞાનવાપી સંકુલના સીલ કરેલ વિસ્તારની સફાઈની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.

  • 16 Jan 2024 01:51 PM (IST)

    મથુરાની શાહી મસ્જિદમાં સર્વે કરવા પર સુપ્રીમનો વચગાળાનો સ્ટે, હાઈકોર્ટે આપી હતી મંજૂરી

    મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં કોર્ટ કમિશનર સર્વે પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે, આજે મંગળવારે સુનાવણી દરમિયાન વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. મુસ્લિમ પક્ષે આ માંગ કરી હતી. અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેને મંજૂરી આપી હતી.

  • 16 Jan 2024 01:34 PM (IST)

    મુસાફરોએ રનવે પર ખાધું ભોજન, ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને ફટકારાઈ નોટિસ

    નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ ફટકારી છે. મુંબઈ એરપોર્ટના રનવે પર ભોજન ખાતા મુસાફરોને લઈને નોટિસ મંત્રાલય દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.

  • 16 Jan 2024 12:48 PM (IST)

    અમદાવાદના નરોડામાં મહિલા પોલીસે કર્યો આપઘાત

    અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે, એસઆરપી-2 ક્વાટર્સમાં ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી છે. પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી છે.

  • 16 Jan 2024 12:37 PM (IST)

    ભાજપની સરકારમાં 2014થી 2022 સુધીમાં 1 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી: કોંગ્રેસ

    કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું છે કે, સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકારે 5 વર્ષમાં કૃષિ બજેટમાંથી 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું સરન્ડર કર્યું છે. આ નાણાં માત્ર કાગળ પર દર્શાવાયા હતા, પરંતુ ખર્ચ કરવામાં આવ્યા ન હતા. 2014-2022 દરમિયાન ભાજપ સરકાર દરમિયાન દેશમાં 1 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેમણે એવો સવાલ કર્યો હતો કે, શું આ પૈસાથી ખેડૂતોને રાહત આપીને ખેડૂતોના જીવ ન બચાવી શકાય ? કોંગ્રેસ સરકાર દરમિયાન ખેડૂતોની 72 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી.

  • 16 Jan 2024 11:41 AM (IST)

    વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે આપી શકે છે રાજીનામું

    વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે આપી શકે છે રાજીનામું. ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગાંધીનગર જવા નીકળ્યા છે. ધર્મેન્દ્રસિંહ વિધાનસભાના અધ્યક્ષને આપશે રાજીનામું, રાજીનામું આપ્યા બાદ, આજે બપોરે જ ભાજપમાં પણ જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા.

  • 16 Jan 2024 10:03 AM (IST)

    રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં પડશે મોટું ગાબડું, કેટલાક નેતાઓ કરશે કેસરીયા

    રાજકોટ જિલ્લા કોંગ્રેસના કેટલાક નેતાઓ આજે ભાજપમાં જોડાશે. જેના પગલે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં  મોટું ગાબડું પડશે. જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા કરશે આજે  કેસરિયા કરશે. કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ભગવો ધારણ કરશે. અર્જુન ખાટરિયા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ પણ ભાજમાં જોડાશે. રાજકોટ, લોધિકા, ઉપલેટા, વિછીંયા, ધોરાજીના 25 જેટલા તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાશે. કોટડાસાંગાણી  માર્કેટીંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો પણ ભાજપમાં જોડાશે. જિલ્લાના 15 સરપંચો અને 15 સહકારી મંડળીના પ્રમુખો ભાજપમાં જોડાશે.

  • 16 Jan 2024 09:57 AM (IST)

    માંડલમા ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર

    અમદાવાદ ગ્રામ્યના માંડલમા ટ્રસ્ટની આંખની હોસ્પિટલ બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર જોવા મળી છે. થોડા દિવસ પહેલા આશરે 18 લોકોના મોતિયા ના ઓપરેશન શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે કરાયા હતા.

    ઓપરેશન કરાવનારા તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. ઓપરેશન બાદ 5 લોકોને આંખને લગતી વઘુ તકલીફો પડતા અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.  દર્દીઓને આંખથી દેખાતુ ના હોવાની અંધાપાની ફરિયાદ કરી છે. આ ઘટનાને લઈને અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અઘિકારીઓ મોડી રાત્રીએથી દોડતા થયા છે.

  • 16 Jan 2024 09:52 AM (IST)

    અયોધ્યામાં શરુ થઈ પૂજા, 5 કલાક સુધી ચાલુ રહેશે પૂજા

    અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આજે સવારે 9.30 વાગ્યાથી પૂજા શરૂ થઈ ગઈ છે. આ પૂજા લગભગ 5 કલાક સુધી ચાલુ રહેશે. બપોરના 2.30 કલાકની આસપાસ પૂજા સંપન્ન થશે.

  • 16 Jan 2024 09:30 AM (IST)

    મુંબઈ પરેલ બ્રિજ પર બાઇક અને ડમ્પરની ટક્કર, 3ના મોત

    મુંબઈના પરેલ બ્રિજ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના વધુ પડતી સ્પીડ અને ઓવરટેકિંગને કારણે થઈ છે.

  • 16 Jan 2024 09:24 AM (IST)

    વડોદરામાં પોલીસ PCR વાનમાં દારૂની મહેફીલ માણતા પોલીસ સહિત ત્રણ ઝડપાયા

    વડોદરામાં ધોળા દિવસે PCR વાનમાં દારૂની મહેફીલ માણતા પોલીસ સહીત ત્રણ જણાને પકડી પાડવામાં આવ્યા છે. ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા. રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માલવ કહાર અને સાકિર મણિયારને ઝડપી પાડયા છે. ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 16 Jan 2024 09:17 AM (IST)

    મુંબઈમાં મેટ્રો સેવા ખોરવાઈ, ઘણી ટ્રેનો અટવાઈ

    મુંબઈમાં મેટ્રો સેવા ખોરવાઈ ગઈ છે. દહિસર અને કાંદિવલી વચ્ચે મેટ્રો ટ્રેન ફસાઈ ગઈ છે. જેના કારણે મેટ્રોની અપ અને ડાઉન બંને સેવાઓને અસર થઈ છે. ટેક્નિકલ ખામીના કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે.

  • 16 Jan 2024 08:16 AM (IST)

    દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે 17 ફ્લાઈટ કરાઈ રદ, 30 ફ્લાઈટ મોડી

    દિલ્હીમાં ખરાબ થયેલા હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પરથી આવતી અને જતી ફ્લાઈટ મોડી પડી છે. દિલ્હી એરપોર્ટથી ઉપડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી છે. જ્યારે એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, 17 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

  • 16 Jan 2024 08:13 AM (IST)

    દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 30 ટ્રેનો સવા કલાકથી સાડા છ કલાક મોડી

    ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 30 ટ્રેનો આજે મોડી દોડી રહી છે. આ 30 ટ્રેન પૈકી કેટલીક ટ્રેન, તેના પહોચવના નિર્ધારિત સમય કરતા સવા કલાકથી લઈને સાડા છ કલાક સુધી મોડી રહેશે.

  • 16 Jan 2024 07:13 AM (IST)

    શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર આજે કોર્ટ ચુકાદો આપી શકે છે

    અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોને સાંભળ્યા બાદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એડવોકેટ કમિશનર દ્વારા વિવાદિત જગ્યાનો સર્વે કરાવવાના મામલે આજે કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે.

Published On - Jan 16,2024 7:13 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">