15 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ખેડા: મહેમદાવાદમાં પતંગ બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
આજ 15 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ યોજી રહ્યા છે. આ યાત્રા મણિપુરથી શરૂ થઈ ગઈ છે. આજે સોમવારે પણ યાત્રા મણિપુરમાં જ રહેશે અને રાહુલ ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 17 જાન્યુઆરી સુધી મેઘાલય અને આસામની મુલાકાત લેશે. મકરસંક્રાંતિનો તહેવાર પણ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે.
દેશના જાણીતા કવિ મુનવ્વર રાણાનું નિધન થયું છે. તેમણે 71 વર્ષની ઉંમરે લખનૌની SGPGI હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા આજે 15 જાન્યુઆરીથી બીજેપીનું વોલ રાઈટિંગ અભિયાન શરૂ કરશે. 16 જાન્યુઆરીએ તમામ રાજ્યોના ભાજપના પદાધિકારીઓ, લોકસભાના સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ પોતપોતાની લોકસભા મતવિસ્તારમાં વોલ રાઈટિંગ કરશે.
દિલ્હી અને ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. દિલ્હી, હરિયાણા અને નોઈડામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
LIVE NEWS & UPDATES
-
DRDO તાપસ ડ્રોન પ્રોજેક્ટ ચાલુ રાખશે
DRDOએ જણાવ્યું હતું કે તે 30,000 ફૂટથી ઉપરની ઉંચાઈથી કાર્ય કરવાની ક્ષમતાને વિસ્તારવા માટે તાપસ ડ્રોન પ્રોજેક્ટને ચાલુ રાખશે.
-
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા આવતીકાલે ઈન્ડિયા ગઠબંધન અંગે કરશે પ્રેસ કોન્ફરન્સ
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા આવતીકાલે એટલે કે મંગળવારે સવારે 11 વાગ્યે ઈન્ડિયા એલાયન્સને લઈને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે.
-
-
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને દેશના સમકક્ષો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યુ કે હાલમાં જ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત થઈ. આ દરમિયાન બંને દેશોની વિશેષ વ્યુહાત્મક ભાગીદારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. સાથે જ ભવિષ્ય અંગે પણ રોડમેપ તૈયાર કરવાને લઈને સહમતી બની છે. પીએમ મોદીએ જણાવ્યુ કે અમારી વચ્ચે વિવિધ ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. જેમાં રશિયાને મળેલી બ્રિક્સની અધ્યક્ષતાનો મુદ્દો પણ સામેલ છે.
પુતિને આપ્યુ હતુ પીએમ મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ
આ અગાઉ વિદેશમંત્રી એસ જયશંકર પાંચ દિવસની રશિયાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ આપ્યુ હતુ. આ મુલાકાત દરમિયાન પુતિને જયશંકરને કહ્યુ હતુ કે હું મારા ખાસ મિત્ર પીએમ મોદીને મળવા ઈચ્છુક છુ. હું આશા રાખુ છુ કે તેઓ જલ્દી રશિયા આવે. તેમણે એસ જયશંકરને ક્હ્યુ હતુ કે પ્લીસ તેમને જણાવજો કે અમે તેમને અહીં આમંત્રિત કરીએ છીએ. વધુમાં પૂતિને ઉમેર્યુ કે હું જાણુ છુ કે ત્યાં આવનારા સમયમાં ચૂંટણીઓ છે. જેને જોતા તેઓ ઘણા વ્યસ્ત રહેવાના છે અને હું ઈચ્છુ છુ કે મારા ખાસ મિત્રની આ ચૂંટણીમાં વિજયી બને.
-
ખેડા: મહેમદાવાદમાં પતંગ બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
- મહેમદાવાદના ઢાકણીવાડ વિસ્તારમાં પતંગ બાબતે બે જૂથ વચ્ચે થઇ મારામારી
- મહેમદાવાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
- ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- હાલમાં ઢાકણીવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
-
મણિપુરથી નાગાલેન્ડમાં પ્રવેશ કરી રહી છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે કહ્યું છે કે મણિપુરથી હવે અમે નાગાલેન્ડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. નાગાલેન્ડમાં આજ રાતથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ થશે. મણિપુરના લોકોનો પ્રતિસાદ અદ્ભુત હતો.
-
-
અયોધ્યામાં 13 લાખ 50 હજાર લાડુ કરાયા તૈયાર, ભોગ ધરાવ્યા બાદ ભાવિકોને પ્રસાદ રૂપે અપાશે લાડુ
અયોધ્યામાં જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે. તેમ પ્રસાદ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામને ધરાવવામાં આવનાર ખાસ ભોગની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જ્યારે ભગવાનના દર્શનાર્થે આવનારા ભાવિકો માટે પણ ચોખ્ખા ઘીના બેસનના લાડુના પ્રસાદને તૈયાર કરવામાં આવી રહ્યો છે. અહીં 13 લાખ કરતા પણ વધુ લાડુ પ્રસાદ માટે બનાવવામાં આવ્યા છે. 44,500 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આ પ્રસાદ નજરે પડી રહ્યો છે. જો કે તેનો સૌપ્રથમ ભોગ પ્રભુ શ્રીરામને ધરાવવામાં આવશે ત્યારબાદ આ લાડુનો પ્રસાદ ભાવિકોને આપવામાં આવશે.
-
હવે 17 જાન્યુઆરીએ સપા અને કોંગ્રેસની થશે બેઠક
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને દિલ્હીમાં 17 જાન્યુઆરીએ બેઠક થશે. અગાઉ આ બેઠક 12 જાન્યુઆરીએ પણ યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસે પોતાના નેતાઓની વ્યસ્તતાને કારણે બેઠક રદ કરી હતી.
-
CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પ્રવાસે, બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ
-
આંધ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગિડિગુ રૂદ્ર રાજુએ પદ પરથી રાજીનામું આપ્યું
આંધ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગિડિગુ રૂદ્ર રાજુએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ટૂંક સમયમાં આંધ્રપ્રદેશની કમાન વાયએસ શર્મિલાને આપી શકે છે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
-
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે સારી વાતચીત થઈ. વ્યૂહાત્મક ભાગીદારીમાં વિવિધ હકારાત્મક વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમે બ્રિક્સના રશિયાના અધ્યક્ષપદ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
-
પાયલટને થપ્પડ મારનાર સાહિલ કટારિયાની દિલ્હી પોલીસે કરી ધરપકડ
ઈન્ડિગો ફ્લાઈટ વિવાદ કેસમાં દિલ્હી પોલીસે પાયલટને થપ્પડ મારનાર સાહિલ કટારિયાની ધરપકડ કરી છે. કટારિયા દિલ્હીની અમર કોલોનીનો રહેવાસી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
-
રાહુલ ગાંધી આવતીકાલે નાગાલેન્ડમાં કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે આવતીકાલે નાગાલેન્ડથી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. આ યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી. હાલમાં મણિપુરમાં યાત્રા ચાલી રહી છે.
-
વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરની એકનાથ શિંદે સહિત 38 ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજીઓ ફગાવી દેવા સામે ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સ્પીકરે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે શિવસેનાનો શિંદે જૂથ મૂળ શિવસેના છે.
-
અયોધ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ
અયોધ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. વાસ્તવમાં, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય તેમના કાર્યકર્તાઓ સાથે રામલલ્લાના દર્શન કરવા માટે આજે અયોધ્યા પહોંચ્યા છે.
-
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત
ચંદીગઢ મેયરની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંખ્યાત્મક સંખ્યાના આધારે, આમ આદમી પાર્ટી મેયર અને કોંગ્રેસ વરિષ્ઠ ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે તેના ઉમેદવારો ઉભા રાખશે.
-
આવતીકાલથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ શરૂ થશે
આવતીકાલથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ શરૂ થશે. ચંપત રાયે કહ્યું છે કે જે પ્રતિમાને પવિત્ર કરવાની છે તે પથ્થરની છે. પ્રતિમાનું વજન 150-200 કિલો છે. આ મૂર્તિ પાંચ વર્ષના બાળ સ્વરૂપની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોહન ભાગવત, આનંદીબેન પટેલ અને તમામ ટ્રસ્ટીઓ ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે.
-
હું રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની નથીઃ માયાવતી
બસપાના વડા માયાવતીએ કહ્યું કે ગયા મહિને મેં આકાશ આનંદને મારા એકમાત્ર ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા, ત્યારબાદ મીડિયામાં એવી અટકળો વહેતી થઈ હતી કે હું ટૂંક સમયમાં રાજકારણમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છું. હું તમને જણાવવા માંગુ છું કે આ અટકળોમાં એક ટકા પણ સત્ય નથી.
-
હરિયાણામાં 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો બંધ રહેશે
હરિયાણામાં 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો બંધ રહેશે. હરિયાણાના સીએમ મનોહર લાલએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને કારણે આ જાહેરાત કરી છે.
-
મહેસાણામાં બુરખો પહેરીને આવેલ ઈસમે, ભાજપના પીઢ અગ્રણીને કરી ધોકાવાળી
મહેસાણામાં વહેલી પરોઢે બુરખો પહેરીને આવેલા અજાણ્યા ઇસમે જોટાણામાં પૂર્વ સરપંચ અને ભાજપના પીઢ અગ્રણી પર ધોકાથી હુમલો કર્યો હતો. વહેલી સવારે દુકાન ખોલતા સમયે, અજાણ્યા ઈસમે હુમલો કર્યો હતો. અજાણ્યા લોકોએ વેપારી પર કરેલા હુમલાના વિરોધમાં વેપારીઓ દ્વારા જોટાણાનું બજાર બંધ કરાવ્યું હતું. ઇજાગ્રસ્તને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
-
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક મંગળવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલ મંગળવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે કરશે બેઠક યોજશે. જિલ્લાના 50 આગેવાનો સાથે પક્ષની ચર્ચા કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં જિલ્લાસ્તરે અને રાજ્યસ્તરનાં સંમેલન અંગે વિચાર વિમર્શ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ ચર્ચા હાથ ધરાશે. ડોનેટ ફોર દેશ અંગે નેતાઓ સાથે સંવાદ કરશે.
આવતીકાલ 16 જાન્યુઆરીએ સવારે 11 થી 2 વાગ્યા સુધી ગાંધીનગર, મહેસાણા , સાબરકાંઠા , બનાસકાંઠા, અને પાટણ ની બેઠક યોજશે. બપોરે 2 થી રાત્રે 9 કચ્છ , ડાંગ, તાપી , વલસાડ, નવસારી , દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર અને વડોદરાની બેઠક યોજાશે. 17 જાન્યુઆરી સવારે 11 થી 2 ખેડા , આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જુનાગઢ, ભાવનગરની બેઠક યોજાશે. જ્યારે બપોરે 2 થી 9 પોરબંદર, અમરેલી, જામનગર, રાજકોટ, બોટાદ અને અમદાવાદની બેઠક યોજાશે.
-
અંજારના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં થયેલ દુર્ઘટનામાં વધુ બેના મોત
અંજારના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં ગઈકાલે બનેલ દુર્ઘટનામાં વધુ બે વ્યક્તિના મોત થયા છે. સ્ટીલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમ્યાન વધુ બે લોકોના મોત થયા છે. જેની સાથે મૃત્યુઆંક 3 થયો છે. ઈજાગ્રસ્ત 7 લોકોમાંથી 4 અતિ ગંભીર રીતે ઘાયલ થતાં, તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે.
-
ગાંધીનગર ઠંડીમાં ઠુઠવાયું, રાજ્યમાં સૌથી વધુ ઠંડી
ગુજરાતમા વહી રહેલા શીત લહેરને કારણે ઠંડીનો પારો વધુ ગગડ્યો છે. રાજ્યનું સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 8.4 ડીગ્રીએ પહોચ્યો છે. જ્યારે નલિયામાં બે દિવસ બાદ ફરી ઠંડીનો પારો ગગડીને 9.8 ડીગ્રીએ પહોચ્યો છે. અમદાવાદમાં ગઈકાલ રવિવારની સરખામણીએ સોમવારે ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થવા પામ્યો છે. અમદાવાદમાં ઠંડીનો પારો 11.1 ડીગ્રીએ અટક્યો છે. વડોદરામાં 12 ડીગ્રી, ડીસામાં 10.2 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 13.2 ડીગ્રી, રાજકોટમાં 12.4 ડીગ્રી ઠંડી નોંધાઈ છે.
-
વડાપ્રધાન મોદીએ મકરસંક્રાંતિ, માઘ બિહુ અને પોંગલની શુભકામનાઓ પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સોમવારે, ઉતરાયણ, મકરસંક્રાતિ, માધ બિહુ, પોંગલ સહીતના લણણીના વિવિધ તહેવારોના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દરેકને સારા સ્વાસ્થ્ય તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. તેમણે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, આજે દેશમાં મકરસંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ અને ઉત્તરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ્સની શ્રેણીમાં કુદરતના આ તહેવાર પર હું ઉત્તરાયણ સૂર્ય ભગવાનને મારા દેશના તમામ પરિવારના સભ્યોને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવું છું.
-
ગાઢ ધુમ્મસને કારણે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર પાંચ વાહનો અથડાયા, બેના મોત
ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના દાનકૌર વિસ્તારમાં આવેલા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે, એક ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેને લઈને પાછળથી આવતા પાંચ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ ચાર લોકો સારવાર હેઠળ છે.
-
મુંબઈના કાંદિવલીમાં 23મા માળની ઈમારતમાં લાગી ભીષણ આગ
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં 23મા માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોચી ગયા છે. ફાયર ફાઈટર આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી.
-
દહેગામના લીહોડા ગામે વધુ પડતા દારૂ સેવન અને અન્ય બીમારીના લીધે, બેના મોત ત્રણની સ્થિતિ ગંભીર
દહેગામ તાલુકાના લીહોડા ગામે દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે બે વ્યક્તિઓને હાલત ગંભીર બનતા તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુ પડતા દારૂ સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. લીહોડા ગામે દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય બે લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ એટલે પ્રસરી હતી અને બીજી તરફ આ અંગેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા છે. FSL નો રિપોર્ટ આવી ચુક્યો છે. FSLના રિપોર્ટમાં મિથેનોલની હાજરી નહિ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
-
યુપી કોંગ્રેસના પદાધિકારીઓ આજે અયોધ્યામાં રામ મંદિરની લેશે મુલાકાત
રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણને લઈને કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. ત્યારે ઉતરપ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ આજે અયોધ્યા ખાતે આકાર પામી રહેલા ભવ્ય રામ મંદિરની મુલાકાત લશે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી અંતર રાખીને આ મુદ્દો વ્યક્તિગત આસ્થા અને લાગણી પર છોડવામાં આવ્યો છે. ત્યારે ઉતરપ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ રામ મંદિરની મુલાકાત લઈને એક નવો સંદેશ આપવા માગતુ હોય તેમ કહી શકાય.
Published On - Jan 15,2024 6:32 AM





