AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં મેઘતાંડવ અને જળતાંડવ વચ્ચે NDRF, સેના અને ફાયર બ્રિગેડ બન્યુ સંકટ મોચન- જુઓ Video

ગુજરાતમાં મેઘરાજાની મહેર હવે અનેક વિસ્તારોમાં મુશ્કેલીનું કારણ બની રહી છે. ક્યાંક નદીઓ બે કાંઠે વહેતા લોકો પાણીમાં ફસાયા, તો ક્યાંક શહેરો જળબંબાકાર બની ગયા છે. આવી સ્થિતિમાં NDRF, સેના, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર સતત જીવ બચાવવાની જંગ લડી રહ્યાં છે.

ગુજરાતમાં મેઘતાંડવ અને જળતાંડવ વચ્ચે NDRF, સેના અને ફાયર બ્રિગેડ બન્યુ સંકટ મોચન- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2026 | 8:25 PM
Share

નવસારીથી લઈને વલસાડ, સુરત, અમદાવાદ અને અમરેલી સુધી અનેક સ્થળોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયા છે. વરસાદી સંકટ વચ્ચે રાહત અને બચાવ કામગીરીના આ દ્રશ્યો માનવતાની મિસાલ બની રહ્યા છે. આ સંકટની ઘડીએ બચાવદળો દેવદૂત બનીને સામે આવ્યા છે. ક્યાંક અંબિકા નદીના પૂરમાં ફસાયેલા પરિવારોને બચાવવામાં આવ્યા, તો ક્યાંક ખાડીમાં પડેલા વ્યક્તિને જીવનદાન મળ્યું. વિરમગામમાં 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, જ્યારે વલસાડ અને નવસારીમાં સેનાની ફ્લડ રિલીફ ટીમોએ મોરચો સંભાળ્યો છે. વરસાદી સંકટ વચ્ચે ચાલી રહેલા આ મહા રેસ્ક્યૂ ઓપરેશનની વિગતવાર વાત કરીએ..

નવસારીના સરીખુર્દ ગામે અંબિકા નદીમાં આવેલા પૂરના પાણી વચ્ચે અનેક લોકો ફસાઈ ગયા હતા. સ્થિતિની ગંભીરતા જોતા NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે જોખમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી 25 મહિલાઓ, 20 પુરુષો અને 22 બાળકો સહિત કુલ 67 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ભારે વરસાદ વચ્ચે હાથ ધરાયેલું આ ઓપરેશન સફળ રહ્યું અને અનેક પરિવારોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે વલસાડ અને નવસારી જિલ્લામાં સેનાની ફ્લડ રિલીફ ટીમોને તૈનાત કરવામાં આવી છે. ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવાની સાથે જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને સેના દ્વારા રાહત કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં આવી રહી છે.

સુરતના નાના વરાછા વિસ્તારમાં ચીકુવાડી પાસે એક વ્યક્તિનો પગ લપસી જતાં તે ખાડીમાં પડી ગયો હતો. પાણી અને કાદવ વચ્ચે ફસાયેલા વ્યક્તિની જાણ થતાં કાપોદ્રા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ જોખમ વચ્ચે સફળ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી વ્યક્તિને બહાર કાઢ્યો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમયસર મળેલી મદદના કારણે એક જીવ બચી ગયો હતો.

ઓલપાડ તાલુકાના અછારણ ગામે ખેતરમાં કામ કરી રહેલું વૃદ્ધ દંપતી અચાનક વધેલા પાણીમાં ફસાઈ ગયું હતું. ખેતરમાં 8થી 10 ફૂટ જેટલું પાણી ભરાતા દંપતી બહાર નીકળી શક્યું નહોતું. મામલતદાર કચેરીને જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત અને જોખમ વચ્ચે બંને વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. શહેર અને આસપાસના ગામોમાં પાણી ફરી વળતાં અનેક લોકો ફસાયા હતા. નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા વિશાળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાનગી કંપનીમાં કામ કરતા 100થી વધુ શ્રમિકો સહિત કુલ 200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભોજવા ગામના અસરગ્રસ્તોને પણ સુરક્ષિત આશ્રયસ્થાનોમાં પહોંચાડવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના દાડમા ગામ પાસે કણકોટ રોડ પર એક યુવક બાઈક સાથે કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ભારે મહેનત બાદ યુવકને પાણીમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. સ્થાનિકોની સતર્કતા અને સમયસરની મદદને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Real vs Fake: એક મિનિટમાં કેસર અસલી છે કે નક્લી ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો-આ રહી ટિપ્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">