ધોળકાના ભેટાવાડા ગામના દૂષિત પાણીની સમસ્યા મુદ્દે ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભારતીબાપુ, સરકારને દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા કરી અપીલ
ધોળકાના ભેટવાડા ગામના લોકો છેલ્લા 15 વર્ષથી ગંદા, દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે. અનેક રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ ન આવતા હવે ગામલોકો અને ખેડૂતોએ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં ઋષિ ભારતી બાપુ પણ આવ્યા છે અને તેમણે સરકારને અપીલ કરી આ દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યુ છે.

અમદાવાદના ધોળકાના ભેટાવાડા ગામે દૂષિત પાણીની સમસ્યાથી ગામલોકો ત્રાસી ગયા છે. અનેકવાર રજૂઆત કરવા છતા સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવી રહ્યુ નથી. એટલુ જ નહીં ગામમાં દૂષિત પાણીની સમસ્યા કોઈ મહિના બે મહિનાથી કે એકાદ સપ્તાહથી નહીં પરંતુ છેલ્લા 15 વર્ષથી છે. ગામલોકો અત્યાર સુધીમાં લાગતા વળગતા તમામ વિભાગોમાં રજૂઆતો કરી ચુક્યા છે, અરજીઓ આપી છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગામમાં છેલ્લા 15 વર્ષથી દૂષિત પાણી જ આવી રહ્યુ છે. હદ તો એ થઈ છે કે હવે જમીનના તળમાં પણ દૂષિત પાણી ભળી ગયુ છે જેના કારણે લોકો ચામડીના રોગો અને ચામડીના કેન્સર જેવા રોગોનો ભોગ બની રહ્યા છે. ગામમાંથી અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને કેન્સર જેવી બીમારી થઈ ચુકી છે. અનેક લોકોને ચામડીના રોગો થઈ રહ્યા છે.
રજૂઆતો કરીને થાકેલા ગામલોકોએ હવે આંદોનનો માર્ગ પકડ્યો છે. ગામના તમામ ખેડૂતો, મહિલાઓ, બાળકો, વડીલો સહિતના લોકો આ આંદોલનમાં જોડાયા છે અને શુદ્ધ પાણીના આપવાની માગ કરી રહ્યા છે. હાલ ખેડૂતોના સમર્થનમાં ઋષિ ભારતી બાપુ પણ આવ્યા છે. બાપુએ આંદોલન પર બેસેલા ખેડૂતો સાથે મુલાકાત કરી. ખેડૂતો ઓદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત પાણી છોડવા સામે આંદોલન પર ઉતર્યા છે. વિવિધ કંપની દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત દૂષિત પાણીથી જમીનને નુકસાન થતુ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ઝેરી પાણીથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે ઋષિ ભારતી બાપુએ પણ સરકારને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માગ કરી છે. ઋષિ ભારતી બાપુએ કહ્યુ કે કેમિકલવાળા પાણીને લીધે અત્યાર સુધીમાં 21 જેટલા લોકોના કેન્સરથી મૃત્યુ થયા છે. અનેક લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે. સરકાર તાત્કાલિક ધોરણે આવા કેમિકલયુક્ત પાણી છોડતા એકમો સામે પગલા લે તેવી માગ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગામમાં દૂષિત પાણી આવવાની સમસ્યા છે ત્યારે ગામલોકો કંઈ વિશેષ માગ નથી કરી રહ્યા, ચોખ્ખા હવા પાણી મેળવવાનો દરેક નાગરિકનો અધિકાર છે અને અહીં ગામલોકો બસ ચોખ્ખુ, શુદ્ધ પાણી માગી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના દાવા કરતા સરકારના મંત્રીઓ અને અધિકારીઓને અહીં સ્વચ્છતા ની જરૂરિયાત કેમ નથી લાગતી તે પણ અચરજની વાત છે. જળ એ જીવન કહેવાય છે પરંતુ ભેટવાડા ગામ માટે તો જળ જ ઝેર બની રહ્યુ છે અને સરકારના અધિકારીઓ પણ તેમની રજૂઆતની ઉપેક્ષા કરી રહ્યા છે ત્યારે જોવુ રહ્યુ કે આંદોલને ચડેલા આ ખેડૂતોની માગને ક્યારે કાને ધરીને સમસ્યાનો ઉકેલ લવાય છે.
