એકજ દિવસમાં રાજ્યમાં ઠંડીનો ગગડ્યો પારો, 6.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર, ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું
ગુજરાતીઓ હાડ થીજવતી ઠંડી માટે થઇ જાવ તૈયાર. રાજ્યમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 6 ડિગ્રી જેટલો ઘટી જતાં લોકો રીતસર ઠુંઠવાઇ રહ્યા છે અને હજુ ઠંડીમાંથી રાહત મળવાના કોઇ એંધાણ નથી.
ગુજરાતમાં સતત ગગડી રહેલા તાપમાનના પારા વચ્ચે હવામાન વિભાગ દ્વારા લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં શીત લહેરની આગાહી કરાઇ છે. જે અંતર્ગત અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવી દેતી ઠંડી પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1થી 6 ડિગ્રી ઘટી જતાં લોકો ઠૂઠવાઈ ગયા છે.
શીતલહેરની આગાહી
રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ ઉપરાંત વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં જ મોટા ભાગનાં શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતાં જનજીવનને માઠી અસર પડી છે. અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.
ઠંડીમાં થીજી ગયું ગુજરાત
અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે, પરંતુ ઠંડીની સાથે સાથે બર્ફીલા પવન ફૂંકાતાં લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો. ઉત્તર ભારતના રાજ્યમાં જે હિમવર્ષા થઈ રહી છે તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી ગુજરાતનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીનું જોર વધ્યું છે. પરંતુ હવે આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવવાની શક્યતાઓ છે, જેથી ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે.