શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે.
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.
વિકસિત ગુજરાત 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે.તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું.
સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક ₹10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક ₹15 હજારની સહાય કરવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ -12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ 250 હજારની સહાય મળવાપાત્ર કરવાનો છે. સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. તેમજ 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે.