ભાજપ (BJP) ના ધારાસભ્યોની કામગીરી કેવી છે? શું જનતા ભાજપના ધારાસભ્યોની કામગીરીથી ખુશ છે? પ્રજાના મતે ધારાસભ્ય (MLA) ને 1થી 10માંથી કેટલા માર્કસ મળવા જોઇએ? વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા, આ તમામ સવાલોના જવાબ મેળવવા ભાજપે સરવેનો સહારો લીધો છે. ભાજપે પોતાના જ ધારાસભ્યોની કામગારીનો સરવે શરૂ કરાવ્યો છે. અને તેના માટે ખાનગી કંપનીને કામગીરી સોંપ્યાની પણ ચર્ચા છે. સરવે ટીમમાં એકપણ ગુજરાતીને સ્થાન નથી, જ્યારે ટીમમાં 20થી 25 સભ્યો હોય છે. આ ટીમ ગલ્લાવાળા, ધોબી, સલૂન ચલાવનારા, ગૃહિણીઓને મળે છે અને જેતે બેઠકના ધારાસભ્ય અને સરકારની કામગીરી અંગે સવાલ-જવાબ કરે છે.
સરવેના મુદ્દાઓ પર નજર કરીએ તો ધારાસભ્યની જીતવાની શક્યતા કેટલી? 2017ના પરિણામમાં કેટલા મતની લીડ? કેવા છે જ્ઞાતિના સમીકરણો અને ધારાસભ્યનું કામ? ગત ચૂંટણીમાં મતની કેટલી ખાધ પડી ? નેતૃત્વ પરિવર્તન બાદ કેટલી અસર થઇ ? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને ધારાસભ્યને 1થી 10 માર્કનુ રેન્કિંગ કરાય છે. આ રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલાય છે. જેના આધારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની ચારેય શહેરી બેઠકનો સર્વે પૂર્ણ થયો છે. જોકે આ સરવે રૂટીન હોવાનો મત રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે વ્યક્ત કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે રાજકોટ શહેરી વિધાનસભા બેઠકનો સર્વે પૂર્ણ થઇ ગયો છે, ત્યારે ધારાસભ્ય ગોવિંદ પટેલે પોતાની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો અને દાવો કર્યો કે તેમના સૂચનો પરના અમલથી સરકારને પણ ફાયદો થયો છે.
ઉલ્લેખનિય છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ જામશે. અને ભાજપે હવે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવો પડશે. ત્યારે ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારો મળે અને 182 બેઠકોનો લક્ષ્યાંક પાર પડે તે માટે ભાજપે અત્યારથી કવાયત શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે સરવે શું સામે આવે છે અને આ સરવે સત્તા મેળવવામાં કેટલો સફળ રહે છે.
ગુજરાતમાં વહેલી ચૂંટણીની પણ ચર્ચા થઈ રહી છે. જો આવું થાય તો ભાજપ પાસે પહેલાંથી જ આગામી ચૂંટણીમાં કયા કયા ધારાસભ્યોને રીપીટ કરી શકાય તેની પુરતી માહિતી હોય અને ઉમેદવારી પસંદગીના સૌથી પડકારજનક કામગીરીમાં સરળતા રહે. તેથી આ સરવે ભાજપ માટે ખુબ મહત્ત્વનો સાબીત થઈ શકે છે.
Published On - 3:47 pm, Sat, 14 May 22