આગામી 25 વર્ષનો અમૃતકાળ દુનિયામાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે : PM MODI

|

Apr 20, 2022 | 4:57 PM

PM MODI એ કહ્યું કે, 21મી સદીનું ભારત ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે પોતાના અનુભવો અને જ્ઞાનને સમગ્ર વિશ્વ સાથે વહેંચીને આગળ વધવા માંગે છે. તેમણે વિશ્વાસ અપાવતા કહ્યું કે આપણે સમગ્ર વિશ્વનાં દુ:ખ દૂર કરવા માટે કૃતસંકલ્પ છીએ.

આગામી 25 વર્ષનો અમૃતકાળ દુનિયામાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે : PM MODI
next 25 years will prove to be India's golden age in the world of traditional medicine: PM MODI

Follow us on

વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિનના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પરંપરાગત દવાઓમાં ઇનોવેશન, ઇન્વેસ્ટમેન્ટના સામર્થ્યને વધુ મજબૂત બનાવી –આ ક્ષેત્રે નવા-નવા સ્ટાર્ટઅપ્સના માધ્યમ દ્વારા વિશ્વભરના દેશોને નવો રાહ ચીંધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022ના ઉદ્ધઘાટન પ્રસંગે PM MODI એ કહ્યુ હતું કે, ભારત મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે અન્ય દેશો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. આ ક્ષેત્રમાં પણ રોકાણની અનેક સંભાવનાઓ ઊભરી આવી છે. આજે જ્યારે ભારત આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આગામી 25 વર્ષનો અમૃતકાળ દુનિયાભરમાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે.

PM MODIએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો વિચાર તેમને કોવિડ-19ના રોગચાળા સમયે આવ્યો હતો. જ્યારે આયુષે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો. અને આયુષ ઉત્પાદનોની માગમાં વધારો જોવા મળ્યો હતો. કોવિડની મહામારીને પહોંચી વળવા માટેના ભારતીય પ્રયાસોને યાદ કરતાં વડાપ્રધાને આધુનિક ફાર્મા કંપનીઓ અને રસી ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલી કામગીરીની નોંધ લેતા કહ્યું કે જો ભારતીય ફાર્મા કંપનીઓને યોગ્ય સમયે રોકાણ મળ્યું તેના થકી જ આટલી ઝડપથી ભારતમાં જ કોરોનાની રસી વિકસાવી શકાઈ. નહીંતર, કોણ કલ્પના કરી શકે કે આપણે આટલી જલ્દી કોરોનાની રસી વિકસાવી શક્યા હોત?

આયુષ સેક્ટર દ્વારા કરાયેલી પ્રગતિનું વર્ણન કરતા PM MODI  એ કહ્યું કે આપણે આયુષ દવાઓ, પૂરક સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પહેલેથી જ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. વર્ષ 2014માં આયુષક્ષેત્ર ત્રણ બિલિયન ડોલરથી ઓછું હતું, આજે તે વધીને 18 બિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે. તેમણે કહ્યું કે આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે અનેક મોટા પગલા લીધા છે. થોડા દિવસ પહેલાં જ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વડાપ્રધાને ઉમેર્યું કે વર્તમાન યુગ એ ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટેનો સ્વર્ણિમ યુગ છે. જેના થકી અનેક યુનિકોર્ન મળ્યા છે. ત્યારે વર્ષ 2022માં જ ભારતમાંથી અત્યાર સુધીમાં 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આયુષ સ્ટાર્ટઅપ્સમાંથી પણ યુનિકોર્ન ખૂબ ટૂંક સમયમાં બહાર આવશે. તેમણે જણાવ્યું કે ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન ખેડૂતોની આવક અને આજીવિકા વધારવાનું અને તેમાં રોજગાર સર્જનનો વ્યાપ વધારવાનું સારું માધ્યમ બની શકે છે. આ સાથે સંકળાયેલા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા સાથે સરળતાથી જોડાવા માટેની સુવિધાના મહત્વ પર કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે. આ માટે સરકાર આયુષ ઈ-માર્કેટ પ્લેસના આધુનિકીકરણ અને વિસ્તરણ પર પણ કામ કરી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, ભારત આયુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો છે અને આ રીતે તે આપણું ‘ગ્રીન ગોલ્ડ’ છે. તેમણે સંસ્કૃત સુભાષિતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘अमंत्रम् अक्षरं नास्ति नास्ति मूलमनौषधम्’ એટલે કે કોઈ પણ અક્ષરથી મંત્ર શરૂ ન થતો હોય તેવું નથી, એ જ રીતે કોઈ પણ વનસ્પતિ ઔષધિ ન હોય એવું નથી. આ દૃષ્ટિએ હિમાલય ઔષધિઓનો ખજાનો છે. ભારતમાં ઉપલબ્ધ આયુષ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ગત વર્ષોમાં કેન્દ્ર સરકારે અનેકવિધ નવતર પ્રયાસો કર્યા છે. તદુપરાંત, અન્ય દેશો સાથે આયુષ દવાઓની પરસ્પર માન્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ દેશો સાથે 50થી વધુ એમઓયુ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આપણા આયુષ નિષ્ણાતો બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સાથે મળીને ISOના ધોરણો વિકસાવી રહ્યા છે. આનાથી આયુષ ઉતપાદનો માટે 150થી વધુ દેશોમાં નિકાસની વિશાળ તકો અને વૈશ્વિક બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં ‘આયુષ આહાર’ નામની નવી શ્રેણીની જાહેરાત પણ કરી છે. આનાથી હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે. આ જ રીતે, એક વિશેષ ‘આયુષ માર્ક’ બનાવવામાં આવનાર છે. આ ચિહ્ન ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ ઉત્પાદનો પર લગાવવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. આ માર્ક થકી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદન હોવાનો વિશ્વાસ પ્રાપ્ત થશે.

વડાપ્રધાને મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે દેશભરમાં આયુષ ઉત્પાદનોના પ્રમોશન, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ પાર્કનું નેટવર્ક વિકસાવવામાં આવશે. આ આયુષ પાર્ક થકી ભારતમાં આયુષ ઉત્પાદનોને નવી દિશા મળશે.

પારંપરિક દવાઓમાં રહેલી શક્યતાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કેરળના પ્રવાસનક્ષેત્રના વિકાસમાં પરંપરાગત દવાઓની ભૂમિકાની નોંધ લેતા કહ્યું કે આ સંભાવના ભારતના દરેક ખૂણામાં રહેલી છે. તેમણે જણાવ્યું કે ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત વેલનેસ સેન્ટરો ખૂબ જ લોકપ્રિય બની શકે તેમ છે. આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકાર વધુ એક પહેલ કરી રહી છે – આજે ભારત મેડિકલ ટૂરિઝમ માટે વિશ્વના અન્ય દેશો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. તેને ધ્યાને લઈને આવનારા સમયમાં ભારતમાં એક વિશેષ ‘આયુષ વિઝા’ કેટેગરી પણ શરૂ કરવામાં આવશે તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.

વડાપ્રધાને કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન, રાયલા ઓડિંગાનાં પુત્રી રોઝમેરી ઓડિંગાની આયુષ સારવાર પછી આંખોની રોશની પાછી મેળવવામાં આયુર્વેદિક સારવાર મહત્ત્વની પૂરવાર થઈ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સમયે રોઝમેરી ઓડિંગા પણ પ્રેક્ષકોમાં હાજર હતાં અને વડાપ્રધાને તેમનો પરિચય કરાવ્યો, ત્યારે તમામ ઉપસ્થિતોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતાં.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 21મી સદીનું ભારત ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે પોતાના અનુભવો અને જ્ઞાનને સમગ્ર વિશ્વ સાથે વહેંચીને આગળ વધવા માંગે છે. તેમણે વિશ્વાસ અપાવતા કહ્યું કે આપણે સમગ્ર વિશ્વનાં દુ:ખ દૂર કરવા માટે કૃતસંકલ્પ છીએ.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદની સમૃદ્ધિ પાછળનું એક મુખ્ય કારણ તેનું ઓપન સોર્સ મોડલ છે. આજે આઈટી સેક્ટરમાં ઓપનસોર્સ મૂવમેન્ટની બોલબાલા છે. આ જ રીતે આયુર્વેદ પરંપરા પણ જ્ઞાનના આદાનપ્રદાન થકી જ વધુ મજબૂત બની છે. આપણે પણ આપણા પૂર્વજો પાસેથી પ્રેરણા લઈને જ્ઞાનને અન્ય લોકો સાથે વહેંચી ઓપન સોર્સની ભાવના સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો ઉલ્લેખ કરતાં તેમણે આશા વ્યક્ત કરી કે આગામી ૨૫ વર્ષનો અમૃતકાળ દુનિયાભરમાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે.

આ પણ વાંચો :ભર ઉનાળામાં ગુજરાતમાં પડશે વરસાદ, રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ

આ પણ વાંચો :Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો

Next Article