ગુજરાત બનશે દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલે નવી પોલિસી કરી જાહેર
હાલમાં દેશમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર કાર્યરત છે. અમેરિકા પાસે લગભગ 30 ગીગાવોટ ક્ષમતા છે, જ્યારે ભારતમાં હાલમાં માત્ર 2થી 3 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. પાઇપલાઇનમાં રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશની કુલ ક્ષમતા આશરે 8 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.

ગુજરાત સરકારે રાજ્યને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ જાહેર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી નીતિનું અનાવરણ કર્યું હતું. રાજ્યને ₹6 લાખ કરોડના રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થયા છે, જેના કારણે 10 GW ક્ષમતાવાળા ડેટા સેન્ટરોની સ્થાપના થશે.
સરકારના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓના ઝડપી વિસ્તરણને કારણે ડેટા સેન્ટરની માંગ સતત વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી નવી નીતિ રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષવા, આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં મદદરૂપ બનશે.
ગુજરાતને મળ્યા 10 ગીગાવોટ ક્ષમતાના પ્રસ્તાવો
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાત કેટલીક ઔદ્યોગિક તકોનો લાભ લઈ શક્યું નહોતું. પરંતુ ત્યારબાદ ઉદ્યોગલક્ષી નીતિઓ અને રોકાણમૈત્રીપૂર્ણ વાતાવરણને કારણે રાજ્યએ દેશ-વિદેશના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.
તેમણે માહિતી આપી કે હાલમાં દેશમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર કાર્યરત છે. અમેરિકા પાસે લગભગ 30 ગીગાવોટ ક્ષમતા છે, જ્યારે ભારતમાં હાલમાં માત્ર 2થી 3 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. પાઇપલાઇનમાં રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશની કુલ ક્ષમતા આશરે 8 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. ગુજરાતને એકલા રાજ્ય તરીકે જ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર સ્થાપવાના પ્રસ્તાવો મળ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતની મોટી તક
મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી વર્ષોમાં વિકાસનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર બનશે. ગુજરાતે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવવા માટે શરૂઆતથી જ ડેટા સેન્ટર ક્ષેત્રે પ્રોત્સાહક નીતિઓ અપનાવી છે. તેમણે જણાવ્યું કે 1 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટે અંદાજે 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડે છે. ગુજરાત પાસે રિન્યુએબલ એનર્જીની પૂરતી ઉપલબ્ધતા હોવાથી રાજ્ય આ ક્ષેત્રમાં વધુ ઝડપથી વિકાસ કરી શકે છે.
₹6 લાખ કરોડના રોકાણનું લક્ષ્ય
નવી ડેટા સેન્ટર પોલિસી હેઠળ રાજ્ય સરકારનું લક્ષ્ય ગુજરાતમાં અંદાજે ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષવાનું અને 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર વિકસાવવાનું છે. સરકારનું માનવું છે કે આ પહેલથી રાજ્યમાં ડિજિટલ અર્થતંત્રને નવી ગતિ મળશે, મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે અને ગુજરાત દેશના અગ્રણી ડેટા સેન્ટર હબ તરીકે ઉભરી આવશે.
