Paper Leak Updates : આગામી 100 દિવસમાં જ યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત, પેપર લીક મામલે અત્યાર સુધીમાં 16 આરોપીની અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 9:48 PM

પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે 7,500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો, છતા પેપર ફુટતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Paper Leak Updates : આગામી 100 દિવસમાં જ યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત, પેપર લીક મામલે અત્યાર સુધીમાં 16 આરોપીની અટકાયત
Paper leak live updates

આજે GPSSB દ્વારા જુનિયર કલાર્ક પંચાયત સેવા વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનારી હતી. જો કે પેપર લીક થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે 7,500 પોલીસકર્મી સહિત 70 હજારથી વધુનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો, છતા પેપર ફુટતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. જેમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓનુ 200 કિમી દુર પરીક્ષા કેન્દ્ર આવ્યુ હતુ. આથી અગાઉના દિવસે જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jan 2023 07:26 PM (IST)

    ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરલીક કાંડમાં અત્યાર સુધીમાં 16 આરોપીઓની કરાઈ ધરપકડ

    જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરલીક કાંડમાં ATSએ 16થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે. ATSએ ખુલાસો કર્યો છે કે પેપરકાંડમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય છે.

    ATS એ પકડેલા આરોપીઓ

    • પ્રદીપ કુમાર નાયક, ઓડીસા
    • મુરારી કુમાર પાસવાન, બિહાર
    • કમલેશ કુમાર ચૌધરી, બિહાર
    • મોહમદ ફિરોજ, બિહાર
    • સવેશકુમાર સિંગ, બિહાર
    • મિન્ટુ રાય, બિહાર
    • મુકેશકુમાર, બિહાર
    • પ્રભાતકુમાર, બિહાર
    • અનિકેત ભટ્ટ, બરોડા
    • ભાસ્કર ચૌધરી, બરોડા
    • કેતન બારોટ, અમદાવાદ
    • રાજ બારોટ, અરવલ્લી
    • પ્રણય શર્મા, અમદાવાદ
    • હાર્દિક શર્મા, સાબરકાંઠા
    • નરેશ મોહંતી, સુરત
  • 29 Jan 2023 05:56 PM (IST)

    પેપરલીક કાંડના તમામ 16 આરોપીઓને ATS અમદાવાદ લવાયા

    જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડના તમામ 16 આરોપીઓને ATS દ્વારા અમદાવાદ લવાયા છે. તમામ આરોપીઓને સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. જ્યા તેમની મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે.

  • 29 Jan 2023 05:52 PM (IST)

    પેપરલીક કાંડના મુખ્ય આરોપી કેતન બારોટનો ગુનાહિત ઈતિહાસ

    જુનિયર ક્લાર્ક પરીક્ષાનો મુખ્ય આરોપી કેતન બારોટ ગુનાહિત ઈતિહાસ ધરાવેછે. તે બોગસ એડમિશન કેસમાં તિહાડ જેલમાં સજા કાપી ચુક્યો છે. આરોપી કેતન બારોટ મોંઘીદાટ કારનો શોખીન છે.

  • 29 Jan 2023 05:47 PM (IST)

    પેપરલીક કાંડ મુદ્દે ATSએ નોંધી ફરિયાદ, અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ

    જુનિયર ક્લાર્ક પરીક્ષાનુ પેપર લીક થતા ગુજરાત ATSએ ફરિયાદ નોંધીછે. અત્યાર સુધીમાં આ કાંડમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમા ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 11 આરોપીઓ સામેલ છે.

  • 29 Jan 2023 05:43 PM (IST)

    વધુ એક પેપરલીક કાંડ બાદ 100 દિવસની અંદર ફરીવાર લેવાશે પરીક્ષા

    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS કરશે તપાસ. 100 દિવસની અંદર ફરીવાર લેવાશે પરીક્ષા. બેઠક બાદ પંચાયત વિભાગે કરી જાહેરાત. કડક કાર્યવાહીનું આપ્યું આશ્વાસન.

  • 29 Jan 2023 05:38 PM (IST)

    જુનિયર ક્લાર્ક પેપરલીકમાં સુરત કનેક્શન આવ્યુ સામે

    જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં સુરત કનેક્શન પણ સામે આવ્યુ છે. વડોદરામાંથી પકડાયેલા બંને આરોપીઓ પૈકી એક સુરતનો રહેવાસી છે. આરોપી નરેશ મોહંતી સુરતના ઈચ્છાપોર ગામમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહે છે. નરેશ મોહંતી નામનો આરોપી છેલ્લા ત્રણ દિવસથી ઘરે નહોંતો આવ્યો. આરોપી નરેશ હજીરાની એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર પર કામ કરે છે.

  • 29 Jan 2023 05:02 PM (IST)

    ભાસ્કર ચૌધરીના કોચિંગ સેન્ટર પર ABVPનું વિરોધ પ્રદર્શન

    વડોદરામાં પેપર લીકના આરોપી ભાસ્કર ચૌધરીના કોચિંગ સેન્ટર પર ABVPના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો. ABVPના કાર્યકરોએ બેનર સાથે રાખીને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

  • 29 Jan 2023 04:39 PM (IST)

    પાટણમાં પેપર લીકના વિરોધમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન

    પાટણના નવસર્જન ચાર રસ્તા પાસે પેપર લીકના વિરોધમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું. NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો અને રાજ્ય સરકાર તેમજ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ છાશવારે બનતી પેપર લીકની ઘટનાને વખોડી. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા કૌભાંડીઓને કડક સજા આપવાની માગ કરી.

  • 29 Jan 2023 04:17 PM (IST)

    બાયડના આરોપી કેતન બારોટનો છે ગુનાહિત ઇતિહાસ

    જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. કેતન વૈભવી કારોનો શોખીન હતો. અગાઉ બોગસ એડમિશન મામલે તેને જેલ થઇ ચૂકી છે. તે તિહાડ જેલમાં પણ સજા ભોગવી ચૂક્યો છે. દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે તે બિઝનેસ ચલાવે છે. બાયડ અને અમદાવાદ ખાતે તે  6 સંપત્તિ ધરાવે છે. તો ગુજરાત એટીએસ કેતન બારોટની પૂછપરછ કરી રહી છે.

  • 29 Jan 2023 04:02 PM (IST)

    હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હતુ પેપર

    જુનિયર ક્લાર્કનું પેપર હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હોવાની ગુજરાત ATSને પ્રાથમિક કડી મળી હતી.  જે બાદ ATSના ઉચ્ચ અધિકારીઓએ મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર તથા કેતન બારોટ સહિત 15ની અટકાયત કરી છે. 15 પૈકી 10 આરોપીઓ ગુજરાતના છે જ્યારે કે 5 આરોપીઓ અન્ય રાજ્યોના છે. મુખ્ય આરોપી પ્રદીપ નાયક મૂળ ઓડિશાનો છે. જ્યારે કે કેતન બારોટ નામનો આરોપી અમદાવાદનો છે. કેતન બારોટ મૂળ બાયડનો છે પણ અમદાવાદમાં રહે છે. બીજી તરફ વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

  • 29 Jan 2023 03:49 PM (IST)

    પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ

    પેપરલીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેટ ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. જ્યારે કે પ્રદીપ નાયકનું એક ગ્રુપ ઓડિશાવાળું છે. ત્રીજું ગ્રુપ જીત નાયકનું છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલું છે. તો ચોથું ગ્રુપ બિહારના મોરારી પાસવાનનું છે કે જે ગ્રુપના 7 થી 8 લોકો ઝડપાયા છે.

  • 29 Jan 2023 03:41 PM (IST)

    વડોદરામાં NSUIએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો

    જુનિયર ક્લાર્કનું પેપરલીક થયાનો વિરોધ ગુજરાતમાં ઠેર ઠેર થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં NSUIએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા NSUIના ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી. NSUIના કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

  • 29 Jan 2023 03:23 PM (IST)

    આગામી 100 દિવસમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની જાહેરાત

    પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 100 દિવસમાંજ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવાની જાહેરાત કરી છે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

  • 29 Jan 2023 02:59 PM (IST)

    જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અમદાવાદમાં NSUIનું વિરોધ પ્રદર્શન

    પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે NSUIએ પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કર્યું. NSUIના કાર્યકરોએ રસ્તો રોકીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકરોએ CM ભૂપેન્દ્ર પટેલના રાજીનામા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી.

  • 29 Jan 2023 02:46 PM (IST)

    પરીક્ષા રદ કરવાનો નિર્ણય ઉમેદવારોના હિતમાં : શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર

    જુનિયર કલાર્કની પરીક્ષા રદ થવાને લઈ ઉમેદવારોમાં ભારે આક્રોશ છે ત્યારે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે આશ્વાસન આપ્યુ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય ઉમેદવારોના હિતમાં છે. યુવાનોએ નિરાશ થવાની જરૂર નથી. ગમે ત્યારે નવેસરથી પરીક્ષા લેવાઈ શકે છે તેથી ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી ચાલુ રાખવી જોઈએ.

  • 29 Jan 2023 02:45 PM (IST)

    Paper Leak Updates : 9.53 લાખ પરીક્ષાર્થીઓના ભાવી સાથે ચેડાં બાદ પણ તંત્ર મૌન

    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ, 9.53 લાખ પરીક્ષાર્થીઓના ભાવી સાથે ચેડાં બાદ પણ તંત્ર મૌન જોવા મળી રહ્યું છે.  મીડિયાના સવાલોના પંચાયત સેવા પસંદગી મંડળ અધ્યક્ષે ન આપ્યા જવાબ. તો બીજી તરફ પરીક્ષાની તારીખ અંગે પણ તેઓએ મૌન સેવ્યુ.

  • 29 Jan 2023 02:32 PM (IST)

    Khambhat : પરીક્ષા રદ્દ થતા રોષે ભરાયેલી એક મહિલાએ ST બસનો કાચ તોડ્યો

    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા રોષે ભરાયેલી એક મહિલાએ ST બસનો કાચ તોડ્યો છે. ખંભાતથી લુણાવાડાના રૂટની ST બસનો પાછળનો કાચ તોડવામાં આવ્યો.  આ કાચ તોડનાર મહિલા પરીક્ષાર્થી હતી કે અન્ય કોઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.  આ ઉપરાંત કાચ તૂટતા બસનો રૂટ કેન્સલ કરીને બીજી બસ મુકવામાં આવી છે. પરીક્ષા મોકૂફ રહેતા વિદ્યાર્થીઓના પરત જવાની વ્યવસ્થા પણ ST તંત્રએ કરી હતી.

  • 29 Jan 2023 02:22 PM (IST)

    Paper Leak Live : રાજ્યમાં ઠેર-ઠેર ઉમેદવારોએ વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો

    પેપર લીક થવાની ઘટના બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો. રાજ્યમાં ઠેર-ઠેર ઉમેદવારોએ વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા, દાહોદ. અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોએ પ્રદર્શન કર્યુ હતું. બનાસકાંઠાના દિયોદર ડેપો પર ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો દાહોદમાં એસટી વિભાગના અધિકારીઓ સાથે ઉમેદવારોની રકઝક પણ થઇ હતી. તો અરવલ્લીમાં શામળાજીમાં પણ એસટી બસના કંડક્ટર અને પરીક્ષાર્થીઓ વચ્ચે રકઝક થઇ હતી. બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ કડક કાર્યવાહી કરવા ઉમેદવારોએ માગ કરી હતી.

  • 29 Jan 2023 02:09 PM (IST)

    Junior Clerk Exam : પરીક્ષા રદ થવાના કારણે પોલીસ એલર્ટ મોડ પર

    તો બીજી તરફ પરીક્ષા રદ થવાના કારણે પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. સ્ટેટ આઈબી તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આદેશો કરાયા છે.  કાયદો અને વ્યવસ્થા એડીજીપી નરસિંહમાં કોમર દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કમિશનરોને આદેશ કરવામાં આવ્યા.  તો સ્થાનિક સ્તરે પણ પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ કરાયો.આથી બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો ઉપર અને પરિવહન સ્થળો ઉપર વધારાનો બંદોબસ્ત ગોઠવાશે.

  • 29 Jan 2023 02:06 PM (IST)

    Paper Leak Live : મહીસાગરમાં પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ આકરા પાણીએ

    મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં જુનિયર ક્લાર્કની પરિક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુઘી પહોંચે તે પહેલા પેપર રદના સમાચાર મળતા પરીક્ષાર્થીઓ આકરા પાણીએ જોવા મળ્યા.  પરીક્ષાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી કલેકટર કચેરી પહોચ્યા.મહીસાગરમાં પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા કરી કલેકટરને આવેદન આપવા માગ. તો બીજી તરફ પોલીસ દ્વારા કલેકટર કચેરી ખાતે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મોટી સંખ્યામા વિધાર્થીઓ દ્વારા સૂત્રોચાર કરી રેલી યોજી કલેકટર કચેરી પહોંચ્યા હતા. કલેકટર કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

  • 29 Jan 2023 01:50 PM (IST)

    Paper Leak Updates : પેપર લીક થવું સરકારની ઘોર બેદરકારી – હિમ્મતસિંહ પટેલ

    પેપર લીક મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિમ્મતસિંહ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર ફુલપ્રુફ સીસ્ટમની વાત કરે એ ક્યાંય દેખાતી નથી. ગુજરાતમાં આખી સરકાર બદલાય અને કોણ મુખ્યમંત્રી બને તેની કોઇને ખબર નથી પડતી. પેપરલીક થવું સરકારની ઘોર બેદરકારી. સરકાર ચોકસાઈના વાયદા કરે છે પણ ગેરવહિવટ અને ભ્રષ્ટાચારે માજા મુકી છે. અત્યાર સુધી 23 પરીક્ષામાં ગેરરીતી થઈ અને 13 પેપર લીક થયા. આટલા બનાવો છતાં સરકાર પેપર લીકના મુળમાં નથી પહોંચતી.

  • 29 Jan 2023 01:45 PM (IST)

    Competitive Exam : પરીક્ષા રદ થતા સુરેન્દ્રનગરમાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો

    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા સુરેન્દ્રનગરમાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. પરીક્ષા કેન્દ્ર બહાર ઉમેદવારોએ કોલ લેટર સળગાવી વિરોધ કર્યો હતો. પેપરલીક કરનાર સામે ઉમેદવારોએ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ભાવનગર, મહુવા, પાલીતાણા, બોટાદ અને અમરેલી જેવા શહેરોમાંથી વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવ્યા હતા.

  • 29 Jan 2023 01:41 PM (IST)

    Paper Leak Updates : પેપર લીક મામલે AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

    જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હવે સરકારના પ્રધાનો મીડિયા સામે આવીને મોટી-મોટી વાતો કરશે.

  • 29 Jan 2023 01:35 PM (IST)

    Junior Clerk Exam : પેપર લીક મામલે ગુજરાત ATSએ તપાસ તેજ કરી

    જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. ATSની એક ટીમે ઓડિશામાં ધામા નાખ્યા છે. કારણ કે મુખ્ય આરોપી પ્રદીપ નાયક ઓડિશાનો રહેવાસી છે. ATSએ પ્રદીપ નાયક, ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની વડોદરામાંથી ધરપકડ કરી છે.. તેમની સાથે અન્ય આરોપી કેતન બારોટ અને શેખર નામના આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. ATSએ આરોપી વડોદરામાં ભાસ્કર ચૌધરીના અટલાદરા રોડ પર આવેલા ક્લાસિસમાં પણ તપાસ હાથ ધરી છે. ક્લાસિસમાંથી રબર સ્ટેમ્પ, આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યા છે.. ભાસ્કર મૂળ ઝારખંડનો રહેવાસી છે. અને વડોદરામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસ ચલાવે છે. વર્ષ 2019માં પણ CBIએ તેની ધરપકડ કરી હતી.

  • 29 Jan 2023 01:10 PM (IST)

    અરવલ્લી: સરકારે જાહેરાત કરી હોવા છતાં ભાડૂ લેવાતા વિરોધ

    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ સરકારે જાહેરાત કરી કે એસ ટી બસમાં ભાડુ વસુલવામાં નહી આવે. પરંતુ અરવલ્લીમાં સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી. ઉમેદવારો પાસે ST બસમાં ભાડૂ વસૂલાતા રોષ જોવા મળ્યો. તો ઉમેદવારોએ મોડાસા ડેપો મેનેજરને ભાડૂ પરત કરવા માગ કરી.

  • 29 Jan 2023 01:01 PM (IST)

    પેપર ફૂટવા મુદ્દે જાણીતા લેખક જય વસાવડાનું નિવેદન સામે આવ્યુ

    જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવા મુદ્દે જાણીતા લેખક જય વસાવડાનું નિવેદન સામે આવ્યું. જય વસાવડાએ કહ્યું કે પેપર નહીં વારંવાર કેટલાક માણસો ફૂટી જાય છે. જો બસ ચલાવનારા ડ્રાઈવરની નોકરી માટે કોઈ ભ્રષ્ટાચાર આચરીને પસંદ થઈ જશે.  તો પણ તેને બસ હંકારતા નહીં આવડે. જય વસાવડાએ સમાજ, પરીક્ષાર્થી અને વાલીઓને ટકોર કરતા કહ્યું કે બાળકોને પ્રામાણિક બનાવવાની ઈચ્છા ન રાખવી તે અત્યંત દુઃખદ છે.

  • 29 Jan 2023 12:49 PM (IST)

    ગુજરાત ATSએ મુખ્ય સુત્રધાર પ્રદીપ અને નરેશ મોહંતીની કરી અટકાયત

    વડોદરામાં જુનિયર ક્લાર્ક પેપર લીકમાં મોટો ખુલાસો થયો છે.  સયાજીગંજની હોટલ અપ્સરામાંથી ગુજરાત ATSએ પ્રદીપ અને નરેશ મોહંતીની અટકાયત કરી છે. પ્રદીપ નાયક પશ્વિમ બંગાળનો અને નરેશ મોહંતી સુરતનો રહેવાસી છે. બન્ને શખ્સો 12થી 15 લાખમાં આપવાના હતા પેપર.

  • 29 Jan 2023 12:44 PM (IST)

    Paper Leak Live : ઉમેદવારોના હોબાળાને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

    ગુજરાતમાં વધુ એક વખત પેપર લીક થતાં ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં પરીક્ષા આપવા પહોંચેલા લાખો પરીક્ષાર્થીઓ પરીક્ષા રદ્દ થવાથી હતાશ થયા. અમદાવાદ અને મહેસાણા સહિતના શહેરોના એસ.ટી. બસ સ્ટેન્ડ પર ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ પર ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા. રોષે ભરાયેલા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવી સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. ઉમેદવારોના હોબાળાને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ પોલીસ વિદ્યાર્થીઓને શાંત પાડી તેમને સમજાવવાનો પ્રયાસ કરતી જોવા મળી.

  • 29 Jan 2023 12:42 PM (IST)

    યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને નહીં છોડવામાં આવે – BJP યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ

    ગુજરાત ભાજપના યુવા પ્રમુખ પ્રશાંત કોરાટે પેપરલીકના આરોપીઓને કડક સજા કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યુ કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને છોડાશે નહીં. તેમની પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સરકારમાં રજૂઆત કરશે.

  • 29 Jan 2023 12:40 PM (IST)

    TV9 Exclusive : પ્રદીપ નાયક અને નરેશ મોહંતી પેપર લીકમાં મુખ્ય સુત્રધાર

    GPSSB દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે તપાસ તેજ કરી છે. પ્રદીપ નાયક અને નરેશ મોહંતી પેપર લીકમાં મુખ્ય સુત્રધાર છે. ત્યારે Tv9 ની ટીમ એ હોટેલમાં પહોંચી હતી,જ્યાં પેપર લીકના મુખ્ય સુત્રધારો રોકાયા હતા

  • 29 Jan 2023 12:11 PM (IST)

    Junior Clerk Exam : પરીક્ષા રદ થવા મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી

    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવા મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી, કોંગ્રેસ નેતા લલિત વસોયાએ જણાવ્યું કે જુનિયર ક્લાર્કનું પેપર નહીં પરંતુ 9.53 લાખ બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ફૂટયું છે. સરકારની ઢીલી નીતિને કારણે અનેક વાર પેપર ફૂટી રહ્યા છે અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી.

  • 29 Jan 2023 12:09 PM (IST)

    પરીક્ષાર્થીઓ સંયમ જાળવીને સરકારી સંપત્તિઓને નુકસાન ન પહોંચાડે

    જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. આકરી મહેનત કરનારા પરીક્ષાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ટીવી નાઈન પરીક્ષાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરે છે. વિદ્યાર્થીઓએ જોશમાં હોશ ન ગુમાવવો જોઈએ. રાજ્ય સરકારે પેપર લીકમાં યોગ્ય તપાસની ખાત્રી આપી છે. પરીક્ષાર્થીઓને બસ ભાડુ પણ ચુકવવાની ખાત્રી આપી છે, ત્યારે પરીક્ષાર્થીઓ સંયમ જાળવીને સરકારી સંપત્તિઓને નુકસાન ન પહોંચાડે તેવી અપીલ ટીવી નાઈન કરે છે. પેપર લીકમાં સરકાર અને પરીક્ષા લેનારા બોર્ડની 100 ટકા ભૂલ છે, પરંતુ પરીક્ષાર્થીઓનો વિરોધ હિંસક ન હોવો જોઈએ.

  • 29 Jan 2023 12:02 PM (IST)

    પેપર લીક : CM ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક

    રાજ્ય સરકાર જુનિયર ક્લાર્કના પેપર લીક બાદ એક્શનમાં આવી છે.  આ સમગ્ર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. પેપર લીકની વારંવાર બનેલી ઘટના મુદ્દે રાજ્ય સરકાર કડક કાયદો લાવી શકે છે. રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં કડક કાયદો લાવી શકે છે.

  • 29 Jan 2023 11:38 AM (IST)

    Paper Leak : ભાવનગર એસટી સ્ટેશન પર ઉમેદવારોનો હોબાળો

    ભાવનગર એસટી સ્ટેશન પર ઉમેદવારો અને વાલીઓએ પેપક લીકની ઘટનાને લઇ રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ તંત્ર પર પ્રહારો કરતા કહ્યુ કે, વારંવાર યુવાનોના સપના તૂડે છે. કોઇ પણ પ્રહારના પગલા લેતા નથી. જેના કારણે યુવાનોની મહેનત પર પાણી ફરે છે. તો બીજી તરફ ઉમેદવારોએ પણ સરકાર અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

  • 29 Jan 2023 11:34 AM (IST)

    Junior Clerk Exam : પેપર લીક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના પ્રહાર

    પેપર લીક મુદ્દે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે તંત્ર પર આકરા પ્રહાર કર્યા.  અનંત પટેલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. અને લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરનારાને આકરી સજા આપવાની માગ કરી.

  • 29 Jan 2023 11:24 AM (IST)

    અમરેલી : NSUIએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

    જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મુદ્દે અમરેલીમાં NSUIએ વિરોધ નોંધાવ્યો છે. NSUIના હોદ્દેદારો અને ઉમેદવારોએ ટાયર સળગાવી પીપાવાવ અંબાજી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરતા NSUIના હોદ્દેદારોની અટકાયત કરી હતી. પેપર લીકમાં તપાસ નહીં થાય તો NSUIએ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

  • 29 Jan 2023 11:09 AM (IST)

    Govt Exam : આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરાશે

    સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે. મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે

  • 29 Jan 2023 11:07 AM (IST)

    પેપર લીક મુદ્દે કુલ 15 લોકોની અટકાયત કરાઈ

    જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયા બાદ, ત્યાંથી લોકો રૂપિયા આપીને પેપર લઈ ગયા હોવાની માહિતી મળી છે. ATS ની એક ટીમ તપાસ માટે હૈદરાબાદ રવાના થઈ છે. જુનિયર ક્લાર્કનું પેપર વડોદરામાં રૂપિયાથી વેચાઈ રહ્યુ હતુ તેવો દાવો કરાયો છે.. જે અંગે ગુજરાત ATSને 15 દિવસ પહેલા જાણ આ અંગેની જાણ થઈ હતી.

    ગુજરાત ATSની ટીમ શંકાસ્પદ લોકોને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી. ATSને માહિતી મળી હતી કે વડોદરાના પ્રમુખ કૉમ્પલેક્સમાં આવેલા સ્ટેક વાઈસ ટેક્નોલોજી નામના કોચિંગ ક્લાસમાંથી પેપર વાયરલ થયું હતું. ATSએ કોચિંગ ક્લાસના સંચાલકની અટકાયત કરી છે. જ્યારે ગુજરાતના 4 અને અન્ય રાજ્યના 11 શખ્સો મળીને કુલ 15 લોકોની અટકાયત ધરપકડ કરી છે

  • 29 Jan 2023 10:59 AM (IST)

    Paper Leak Updates : કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા

    ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનું પેપર ફૂટતા પરીક્ષાર્થીઓમાં રોષ છે. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા.  શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વારંવાર પેપર ફૂટતા હોવાથી જવાબદારો સામે કડક પગલા લેવા જોઈએ.  રાજ્ય સરકારની કડક વ્યવસ્થા છતાં પેપર ફૂટે તે મોટી બેદરકારી છે. શક્તિસિંહ ગોહિલે પરીક્ષાર્થીઓને યોગ્ય વળતર આપવાની પણ માગ કરી.

  • 29 Jan 2023 10:56 AM (IST)

    Paper Leak : રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી

    જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ મામલે રાજ્ય સરકારે કરી ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી. પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ATS કરશે તપાસ. નવી તારીખ ટૂંક સમયમાં કરાશે જાહેર.

  • 29 Jan 2023 10:47 AM (IST)

    પેપર લીક : ગુજરાત ATSને 15 દિવસ પહેલા જ હતી જાણ

    જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATSને 15 દિવસ પહેલા જ પેપર લીક અંગેની જાણ થઇ ગઇ હતી. પેપર બજારમાં પૈસાથી વેચાયુ હોવાની માહિતી છે. ગુજરાત ATSની ટીમ તેમને મળેલી જાણકારીને લઇને શંકાસ્પદ લોકોને ઇન્ટરસેપ્ટ કરી રહી હતી.

  • 29 Jan 2023 10:29 AM (IST)

    Paper Leak Live Updates : પરીક્ષા મોકુફ થતા ઈસુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહાર

    જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર મોકુફ થતા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

  • 29 Jan 2023 10:17 AM (IST)

    સરકાર એક પરીક્ષા વ્યવસ્થિત લઇ નથી શકતી : ઉમેદવારો

    તો પેપર ફૂટવાને લઇ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ. પરીક્ષા રદ્દ થયા બાદ અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેશન પર ઉમેદવારોમાં ભારે જોવા મળ્યો હતો. ઉમેદવારોએ સમગ્ર ઘટનાને લઇ માત્ર અને માત્ર ભાજપની સરકારને જ જવાબદાર ગણાવી રહ્યા છે.. ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા કહ્યુ કે, સરકાર એક પરીક્ષા વ્યવસ્થિત લઇ નથી શકતી.  જેના કારણે લાખો ઉમેદવારોના સપના અધૂરા રહી જશે.

  • 29 Jan 2023 10:11 AM (IST)

    Junior Clerk Exam : પાલનપુર એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ અટવાયા

    જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુર એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ અટવાયા. મહેનત પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ નારાજ થયા છે.

  • 29 Jan 2023 10:02 AM (IST)

    Gujarat Govt : પેપર ફૂટવા મુદ્દે અરવિંદ કેજરીવાલના પ્રહાર સરકાર પર આકરા પ્રહાર

    જુનિયર ક્લાર્કના પેપર ફૂટવા મુદ્દે અરવિંદ કેજરીવાલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતમાં કેમ વારંવાર પેપર ફૂટે છે ? ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે થાય છે ચેડા

  • 29 Jan 2023 09:49 AM (IST)

    Paper Leak Live : પેપર ફૂટતા ઉમેદવારો માટે એસટી નિગમનો મહત્વનો નિર્ણય

    જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા ઉમેદવારો માટે એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  પરીક્ષાર્થીઓ ઘરે પરત જવા એસટી બસમાં વિના મૂલ્યે જઇ શકશે. પરીક્ષાર્થી કોલ લેટર કે હોલ ટિકિટ બતાવી ફ્રીમાં ઘરે જઈ શકશે પરત.

  • 29 Jan 2023 09:45 AM (IST)

    Surat : પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહીની માગ

    રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા સુરતના ઉમેદવારો નિરાશ થયા છે. વહેલી સવારથી દૂર-દૂરથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો સેન્ટર પર પહોંચ્યા હતા. બાદમાં પેપર ફૂટયાની જાણ થતા ઉમેદવારો તંત્ર સામે રોષે ભરાયા હતા.છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

  • 29 Jan 2023 09:25 AM (IST)

    Paper Leak Updates : સરકાર પાસે હવે કોઈ જ આશા રહી નથી – પ્રવીણ રામ

    આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા. તેમણે કટાક્ષ કર્યો કે ભાજપ સરકારે વિદ્યાર્થીઓને પેપર ફૂટવાની ભેટ આપી છે. સરકાર પાસે હવે કોઈ જ આશા રહી નથી

  • 29 Jan 2023 09:20 AM (IST)

    દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે: ધારાસભ્ય ધવલસિંહ ઝાલા

    આ તરફ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરીક્ષાર્થીઓને વળતર આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે લાખો વિદ્યાર્થીઓ સાથે મજાક થઈ છે. દાખલારૂપમ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ના કરે

  • 29 Jan 2023 09:19 AM (IST)

    Junior Clerk Exam : 9.53 લાખ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા

    આજે વિવિધ કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા મોકુફ થતા અગાઉ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

  • 29 Jan 2023 09:05 AM (IST)

    જવાબદાર લોકો ને જેલ હવાલે કરી સરકાર દાખલો બેસાડે – દિનેશ બાંભણિયા

    PAAS નેતા દિનેશ બાંભણિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, પંચાયત સેવા પસંદગી મંડળ ના તમામ જવાબદાર લોકો ને જેલ હવાલે કરી સરકાર દાખલો બેસાડી પરીક્ષાર્થીઓના પરિવાર ને ન્યાય આપે. આ પરીક્ષા માં લાખો વિદ્યાર્થીના ભવિષ્ય નો સવાલ છે. જલ્દી થી નવી તારીખ જાહેર કરવામાં આવે.

  • 29 Jan 2023 09:02 AM (IST)

    Rajkot : બસ સ્ટેન્ડ ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો

    જુનિયર ક્લાર્કની પરીક્ષા દેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા.  આથી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. પરીક્ષા રદ થતા જુનાગઢ, જસદણ અને કાલાવડ સહિતના વિદ્યાર્થીઓ રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ઉમટી પડ્યા હતા.

Published On - Jan 29,2023 8:47 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">