AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખડગેના ગુજરાત વિરોધી નિવેદન પર.. CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી, જુઓ Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદનોની સખત નિંદા કરી. તેમણે કોંગ્રેસ પર વર્ષોથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા રાખવાનો આરોપ લગાવ્યો.

Breaking News : ખડગેના ગુજરાત વિરોધી નિવેદન પર.. CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2026 | 4:46 PM
Share

ગુજરાતના મુખ્યમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge દ્વારા આપવામાં આવેલા ગુજરાત વિરુદ્ધના નિવેદનોની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ હાલ જનસમર્થન ગુમાવવાના ભયથી અસુરક્ષિત અનુભવી રહી છે અને ગુજરાત તેમજ ગુજરાતીઓ પ્રત્યે તેમની વિરોધી માનસિકતા નવી નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવી છે.

મુખ્યમંત્રીએ ઐતિહાસિક ઉદાહરણો આપતા કહ્યું કે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી Sardar Vallabhbhai Patelને ભારત રત્ન આપવામાં કોંગ્રેસે લાંબા સમય સુધી અવગણના કરી હતી. જ્યારે Narendra Modiના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ શરૂ થયું, ત્યારે પણ કોંગ્રેસે અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત, સરદાર સરોવર ડેમના કામમાં વિલંબ થવાને કારણે નર્મદાનું પાણી ગુજરાત સુધી પહોંચવામાં વર્ષો લાગી ગયા હતા. મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ઝડપી નિર્ણય લઈને કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું.

આગળ તેમણે કોંગ્રેસ પર ખેડૂતો સામે અન્યાયના આક્ષેપો પણ કર્યા. તેમણે જણાવ્યું કે ખાતરની સબસિડીમાં ઘટાડો અને કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. સાથે જ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા રાજ્યમાં આવતી મૂડીરોકાણ પ્રક્રિયાને પણ રોકવાના પ્રયાસો થયા હતા. ગામડાં સુધી ગેસ પાઇપલાઇન પહોંચાડવાના પ્રોજેક્ટમાં પણ અડચણો ઊભી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યારે Narendra Modi ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કોંગ્રેસના અન્યાય સામે રાજ્યને આગળ વધાર્યું અને વિકાસના માર્ગે આગળ ધપાવ્યું. કોંગ્રેસે તેમને ‘મોતના સોદાગર’ જેવા શબ્દો વડે નિશાન બનાવ્યા હતા, જેને ગુજરાતની જનતાએ ક્યારેય સ્વીકાર્યા નહીં. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમના વિરુદ્ધ અનેક અપશબ્દો વપરાયા, છતાં તેમણે વિકાસને કેન્દ્રમાં રાખી દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી.

ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણમાં આગવું સ્થાન ધરાવે છે. Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel અને Narendra Modi જેવા નેતાઓએ દેશને માર્ગદર્શન આપ્યું છે. રાજ્યએ કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, નર્મદ જેવા સાહિત્યકારો, ડૉ. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો, ત્રિભુવનદાસ અમીન જેવા સહકારી આગેવાનો અને Morarji Desai જેવા રાષ્ટ્રીય નેતાઓ દેશને આપ્યા છે.

આજે ગુજરાત દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. દેશના જીડીપીમાં 8 ટકા કરતાં વધુ, ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા, કાર્ગો હેન્ડલિંગમાં 40 ટકા, ફાર્મા માર્કેટમાં 30 ટકા અને નિકાસમાં 19 ટકા યોગદાન ગુજરાતનું છે. નવીનીકરણીય ઊર્જામાં રાજ્યનો હિસ્સો 16.50 ટકા છે. ડાયમંડ, કેમિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રોમાં ગુજરાત આગેવાન છે. ગિફ્ટ સિટી દ્વારા રાજ્યને ફિનટેક હબ બનાવવામાં આવ્યું છે, જ્યારે સાણંદ ઓટો હબ અને સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં પણ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે.

અંતમાં મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશની જનતા હવે કોંગ્રેસની નીતિઓને સારી રીતે ઓળખી ગઈ છે. તેઓએ કહ્યું કે વિકાસ આધારિત રાજનીતિના નેતા Narendra Modiને જનતા સંપૂર્ણ સમર્થન આપશે અને આગામી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય વિજય અપાવશે.

Harsh Sanghaviએ કોંગ્રેસ અધ્યક્ષ પર સાધ્યું નિશાન

બીજી તરફ ગુજરાતના ઉપમુખમંત્રી Harsh Sanghaviએ કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge દ્વારા ગુજરાત અંગે કરવામાં આવેલા નિવેદનની કડક નિંદા કરી છે. તેમણે આ નિવેદનને 6 કરોડ ગુજરાતીઓના આક્રોશ અને દુઃખનું પ્રતિબિંબ ગણાવ્યું. સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજકારણમાં વૈચારિક મતભેદ સ્વાભાવિક છે, પરંતુ કોઈ રાજ્યના તમામ નાગરિકોનું અપમાન કરવું અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ પર સવાલ ઉઠાવવું અયોગ્ય અને અશોભનીય છે. આ પ્રકારના નિવેદનો કોંગ્રેસની નકારાત્મક માનસિકતા દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ખડગેનું નિવેદન દરેક ગુજરાતી માટે અપમાનજનક છે. ગુજરાતીઓએ પોતાની મહેનત અને બુદ્ધિથી વિશ્વમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. સંઘવીએ કોંગ્રેસના ભૂતકાળના બયાનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પાર્ટીના વલણમાં ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે સતત નકારાત્મકતા જોવા મળે છે. તેમના મતે, દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ ગુજરાતને નિશાન બનાવીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરે છે.

ઉપમુખમંત્રી સંઘવીએ ખડગેની ટિપ્પણીઓને સામાન્ય નહીં પરંતુ સુનિયોજિત રીતે ગુજરાતના લોકોનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે જે રાજકીય પક્ષ ગુજરાતમાં જીત મેળવી શકતો નથી, તે રાજ્ય વિરુદ્ધ નકારાત્મક નિવેદનો કરીને પોતાની નિરાશા વ્યક્ત કરે છે. તેમણે ઉમેર્યું કે આ નેતૃત્વ નહીં પરંતુ હારની માનસિકતા છે. સાથે જ તેમણે ગુજરાતના નાગરિકોને વિશ્વાસ આપ્યો કે તેમને આવી નકારાત્મકતા સામે ડરવાની જરૂર નથી. ગુજરાતીઓની મહેનત, પરસેવો અને સંઘર્ષ જ રાજ્યની સાચી ઓળખ છે.

સંઘવીએ પ્રશ્ન ઉઠાવ્યો કે જે ગુજરાતી લોકો દિવસ-રાત મહેનત કરીને પોતાના પરિવારનું પાલન કરે છે, તેમની સામે કોંગ્રેસને શા માટે વિરોધભાવ છે? તેમણે જણાવ્યું કે ગુજરાત હવે કોંગ્રેસનો વાસ્તવિક ચહેરો ઓળખી ચૂક્યું છે અને તેની નકારાત્મક રાજનીતિને વારંવાર નકારી કાઢી છે. આત્મચિંતન કરવા બદલે મતદારોને નિશાન બનાવવું કોંગ્રેસની કાર્યશૈલી બની ગઈ છે.

તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ કોઈ એક રાજ્યને પ્રેમ કરતી નથી, પરંતુ ચૂંટણી દરમિયાન એક રાજ્યને બીજા રાજ્ય સામે ઊભું કરીને વિભાજનની રાજનીતિ કરે છે. સંઘવીએ વધુમાં કહ્યું કે આજે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિક કોંગ્રેસના આવા વર્તનની નિંદા કરે છે.

અંતમાં સંઘવીએ કોંગ્રેસ અને તેના નેતાઓને અનેક પ્રશ્નો પૂછ્યા. તેમણે પૂછ્યું કે ગાંધીજી અને સરદાર પટેલની ધરતીનું અપમાન કરતી વખતે શું ખડગેને શરમ ન આવી? જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં જીતતી હતી ત્યારે શું ગુજરાતીઓ સમજદાર હતા અને હાર્યા પછી તેઓ મૂર્ખ બની ગયા? શું ગુજરાતીઓની મહેનત અને સફળતા કોંગ્રેસ માટે સમસ્યા બની ગઈ છે? દર ચૂંટણીમાં ગુજરાતને જ નિશાન કેમ બનાવવામાં આવે છે?

સંઘવીએ આ પણ પૂછ્યું કે ખડગેનું નિવેદન વ્યક્તિગત છે કે તે પક્ષના અન્ય નેતાઓની સૂચના પર આપ્યું છે. અંતે તેમણે કહ્યું કે ગુજરાતની જનતા કોંગ્રેસ પાસેથી જવાબ માંગે છે અને તેઓ આ અપમાનને ભૂલશે નહીં. સાથે જ તેમણે કોંગ્રેસના નેતાઓને જાહેરમાં આવીને ગુજરાતીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગવાની અપીલ કરી.

ચૂંટણી ટાણે ભાજપમાં જૂનો દાવ ફરી રમાયો, નનામી પત્રિકા વાયરલ થઈ, જુઓ video 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">